રાજકોટમાં આઇટી પાર્ક બનવાની ઊજળી સંભાવના

રાજકોટમાં આઇટી પાર્ક બનવાની ઊજળી સંભાવના
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનૉલૉજીને મુકાયો પ્રસ્તાવ: પાર્ક બને તો 3 હજાર જેટલા એકમો સ્થપાશે : વિદ્યાર્થીઓને ફાયદો થશે 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 23 નવે. 
આઇટી ક્ષેત્રે 800-900 જેટલી કંપનીઓનું વિશાળ નેટવર્ક ધરાવતું અમદાવાદ-વડોદરાની તુલનાએ ઘણું નાનું ગણાતું રાજકોટ શહેર આઇટી પાર્ક મેળવવા સજ્જ થઇ ગયું છે. શહેરની ભાગોળે વાજડી ગામ પાસે 6 લાખ ચોરસફૂટમાં આઇટી પાર્ક બનાવવા રાજકોટ આઇટી એસોસીએશન દ્વારા ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમીટેડ મારફતે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીને પ્રસ્તાવ મૂકાયો છે. રાજકોટમાં આઇટીના ક્ષેત્રમાં થતું ઉત્તમ કાર્ય લક્ષ્યમાં લઇને ડિપાર્ટમેન્ટ પાર્ક ફાળવી દે તેવી ઉજળી સંભાવનાછે. 
એસોસીએશનના પ્રમુખ રોનક રૈયાણીએ કહ્યું કે, રાજકોટ શહેર સૌરાષ્ટ્રના આઇટી ક્ષેત્રનું હબ છે. 800 જેટલી નાની મોટી કંપનીઓ સ્થપાયેલી છે. અઢીસો જેટલી કંપનીઓ પ્રોડક્ટ અને સોફ્ટવેર ઉત્પાદનમાં ખૂબ આગળ પડતું નામ ધરાવે છે. સાડા પાંચસો જેટલી કંપંનીઓ આઉટ સોર્સીંગ વડે લગભગ 100 ટકા નિકાસ ક્ષેત્રમાં કાર્યરત છે. 
રાજકોટના આઇટી ઉત્પાદકો પાસે વિશાળ બ્લોક ચેઇન છે. આઇઓટી, આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ તથા ડેટા સાયન્સમાં ઘણું આગળ પડતું નામ છે. વળી, 150 કરતા વધારે એન્જીનીયરીંગ કોલેજોમાંથી વિદ્યાર્થીઓ પણ ખૂબ મળે છે એટલે આઇટી પાર્કનો વિચાર અમને છ માસ પહેલા આવ્યો હતો. ગુજરાત ઇન્ફોર્મેટિક્સને આ મુદ્દે રજૂઆત કરતા સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હતી અને એ પછી કેન્દ્રને પ્રસ્તાવ ગયો છે. મોટેભાગે વાઇબ્રન્ટ ગુજરાતમાં કે એ પછી રાજકોટને પાર્ક મળી જાય એવી શક્યતા વધારે છે.  
અમદાવાદના ઇન્ફોસિટીમાં અત્યારે આઇટી પાર્ક સ્થપાયેલો છે. ત્યાં ઘણું વિશાળ કામકાજ થઇ રહ્યું છે. હવે રાજકોટ ઉપરાંત સુરત માટે પણ પ્રસ્તાવ મૂકાયેલો છે.એ  જોતા ગુજરાતને બે પાર્ક મળે તેમ છે. 
રાજકોટમાં આઇટી ક્ષેત્રનું કદ સાડા ત્રણથી ચાર હજાર કરોડ જેટલું છે. પાર્ક સાકાર થાય તો આશરે અઢીથી ત્રણ હજાર જેટલા યુનિટો શહેરમાં આ ક્ષેત્રે આવશે. વિદ્યાર્થીઓને મુંબઇ, પૂના, બેંગલોર કે હૈદરાબાદ જેવા શહેરોમાં નોકરી માટે જવું પડતું હોય છે પણ આઇટી પાર્ક આવે તો ઘરઆંગણે જ રોજગારી મળી જશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer