ભારતમાં વાવેતર વધવા છતાં ઘઉંના વૈશ્વિક ઉત્પાદનનો અંદાજ ઘટ્યો

ભારતમાં વાવેતર વધવા છતાં ઘઉંના વૈશ્વિક ઉત્પાદનનો અંદાજ ઘટ્યો
ડી. કે 
મુંબઇ, તા. 23 નવે.
વર્તમાન રવી સિઝનમાં ભારતમાં ઘઉંનાં વાવેતરમાં વધારો થઇ રહ્યો હોવા છતાં વૈશ્વિક સ્તરે 2021-22 માં ઘઉંનાં ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના ધ ઇન્ટરનેશનલ ગ્રેઇન કાઉન્સિલે (આઇ.જી.સી. )  વ્યક્ત કરી છે.ખાસ કરીને ઇરાનમાં પાક ઘટવાની ધારણા સાથે આ અંદાજ આપવામાં આવ્યો છે. 
આઇ.જી.સી. દ્વારા જાહેર કરાયેલા માસિક અપડેટમાં જણાવાયું છે કે 2021-22 માં ઘઉંનું વૈશ્વિક ઉત્પાદન અગાઉની ધારણા કરતાં આશરે 40 લાખ ટન ઘટીને 7770 લાખ ટન રહેશે. માત્ર એક મહિનાનાં ટૂંકાગાળામાં અંદાજમાં આવેલો આટલો મોટો તફાવત મુખ્યત્વે ઇરાનમાં પાકમાં પડનારી સંભવિત ઘટનાં કારણે જોવા મળ્યો છે. અગાઉ ઇરાનમાં 140 લાખ ટન ઘઉં થવાનું અનુમાન હતું તે હવે ઘટાડીને 115 લાખ ટન અંદાજવામાં આવ્યું છે. 
બીજીતરફ ભારતમાં વિતેલા ચોમાસાનાં છેલ્લા દિવસોમાં થયેલા સચરાચર વરસાદનાં કારણે જમીનમાં ભેજનું પ્રમાણ સાનુકુળ હોવાથી આ વખતે ઘઊંનાં વાવેતરમાં ઉછાળો જોવા મળ્યો છે. વિતેલા સપ્તાહનાં અંતે એટલેકે 19 મી નવેમ્બરે રજૂ થયેલા આંકડા અનુસાર ભારતમાં 88.460 લાખ હેક્ટરમાં ઘઉંનાં વાવેતર સંપન્ન થયાં છે. જે ગત વર્ષે આજ સમયગાળામાં થયેલા 80.707 લાખ હેક્ટરનાં વાવેતર કરતાં 7.753 લાખ હેક્ટર વધારે છે. હજુ પણ દેશનાં ઘણા વિસ્તારોમાં વાવેતર પુરજોશમાં ચાલુછે.મુખ્યત્વે મધ્યપ્રદેશમાં ઇંદોર વિસ્તારમાં ઘઉંનું વાવેતર વધી રહ્યું હોવાના અહેવાલ છે. અત્યાર સુધીમાં ઇંદોરમાં આઉનાં અંદાજના 70 ટકા જેટલાં વાવેતર થઇ ગયાં છે. અગાઉ સરકારી અંદાજ હતો કે કુલ 1.85 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થશૈ પણ હાલમાં જ 1.30 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનાં વાવેતર થઇ ગયાં છે. જે નવેમ્બર-21 નાં અંત સુધીમાં અગાઉનાં સરકારનાં અંદાજ કરતા વધી જવાની ધારણા છૈ. 
ઇરાનની જેમ અલ્જારિયામાં પણ આ વખતે ઘઉંનું ઉત્પાદન ઘટીને 30 લાખ ટન રહેવાની ધારણા છે. યાદ રહે કે ગત સિઝનમાં અલ્જારિયામાં 38 લાખ ટન ઘઉંનો પાક થયો હતો. જે આ વખતે અગાઉ ઘટીને 35 લાખ ટન રહેવાનું અનુમાન મુકાયું હતું. પરંતુ હવે આ આંદાજમાં પણ કાપ મુકવામાં આવ્યો છે. ઇરાન આ વખતે છેલ્લા પાંચ દાયકાના સૌથી કારમા દુષ્કાળમાંથી પસાર થઇ રહ્યું છે. 
આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ ઘઊંનો પાક લેતા વિસ્તારોમાં હાલમાં માવઠાં થયા છે. ઉત્તર તથા મધ્ય ન્યુ સાઉથવેલ્સમાં તેમજ ક્વિન્સલેન્ડમાં લા-નિનાની અસર હેઠળ હાલમાં બે થી પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ થયો હતો. જેનાથી ઘઉંનાં પાકને નુકસાનનાં અહેવાલ છે. આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ત્યાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત થઇ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer