એસ્ટ્રાલ અને રત્નમણિ મેટલ્સ ઉપર આવકવેરા વિભાગનું મેગા અૉપરેશન

એસ્ટ્રાલ અને રત્નમણિ મેટલ્સ ઉપર આવકવેરા વિભાગનું મેગા અૉપરેશન
150 કર્મચારીઓનો કાફલો ત્રાટક્યો: કરોડોના બિનહિસાબી વ્યવહારો મળ્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 23 નવે. 
મંગળવારત વહેલી સવારથી  અમદાવાદમાં બે મોટી પાઇપ ઉત્પાદક કંપની એસ્ટ્રાલ અને રત્નમણી મેટલ્સ ઉપર આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. બેનામી વ્યવહારની આશંકાએ અનેક ટીમોએ કંપની માલિકના ઘર ઉપર અને તેમની સાથે જોડાયેલા લોકોના રહેઠાણ તથા ધંધાના સ્થળ ઉપર દરોડાની કાર્યવાહી કરી હતી.કાર્યવાહીમાં 150 કરતા વધારે અધિકારીઓની મદદ લેવામાં આવી છે.  
આવકવેરા વિભાગના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આવેલી એસ્ટ્રાલ લિમિટેડ કંપની કે જે પીવીસી પાઇપ ઉત્પાદન કરે છે, તેની ઓફિસ ઉપર વહેલી સવારથી જ દરોડો પાડીને સર્ચની કાર્યવાહી શરુ કરીદેવામાં આવી હતી.  સવારે 10 વાગ્યાથી કંપનીની કોર્પોરેટ ઓફિસ ઉપર કર્મચારીઓ આવ્યા તો પોલીસ દ્વારા તેમને બહાર જ રોકી દેવામાં આવ્યા હતા અને ઓફિસ અંદર કાર્યવાહી ચાલુ રખાઈ હતી. એની સાથે જ રત્નમણી મેટલ્સમાં પણ દરોડો પાડીને સર્ચ શરૂ કરાયું હતુ. બન્ને કંપનીઓમાં મળીને કુલ અઢી કરોડ રુપીયાની રોકડ તથા એક કરોડની જ્વેલરી પણ જપ્ત કરાઇ છે. 16 જેટલા બેંક ખાતાઓમાં વ્યવહારો અટકાવી દેવાયા છે.  
બંને કંપની મળીને અમદાવાદના 25 સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી આ લખાય છે ત્યારે ચાલી રહી છે. એસ્ટ્રાલ પોલીટેકના માલિક સંદીપ એન્જીનીયર અને રત્નમણિ મેટલના માલિક પ્રકાશભાઈ સંઘવીના ઘરે પણ આવકવેરા વિભાગ ત્રાટક્યું હતું. કંપનીના અમુક ડાયરેક્ટર પણ ઇન્કમટેક્સ વિભાગની રેડમાં ઝપટે ચડી ગયા હતા. 
ગુજરાત બહાર પણ 15 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. એસ્ટ્રાલ પોલીટેકના ગુજરાત બહાર પણ પ્લાન્ટ આવેલા છે અને તેના ઉપર પણ દરોડા પડ્યાનું સામે આવ્યું છે. રત્નમણિ મેટલ્સના રાજસ્થાનમાં મોટા કારોબારી વ્યવહાર છે અને આ વાતને ધ્યાને રાખીને રાજસ્થાનમાં પણ દરોડા પડ્યા છે.  
સીબીડીટીના એક નિવેદન પ્રમાણે બિનહિસાબી આવક અને સંપતિમાં કંપનીઓના રોકાણને દર્શાવતા હોય એવા કેટલાક દસ્તાવેજો પ્રાપ્ત થયા છે. ડિજીટલ આંકડાઓના રૂપમાં આપત્તિજનક પૂરાવાઓ પણ જપ્ત કરાયા છે.  અચળ સંપતિ અને કાર માટે લોનમાં રોકાણ તથા રોકડની આપલે સંબંધી દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે.  
અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને કંપની શેરબજારમાં લિસ્ટેડ છે, જયારે દરોડાના સમાચાર આવ્યા ત્યારે બંનેના શેરોમાં થોડો ઘટાડો નોંધાયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer