સોના-ચાંદી પરનો જીએસટી ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા કરવાની દરખાસ્ત

સોના-ચાંદી પરનો જીએસટી ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા કરવાની દરખાસ્ત
જીએસટી વધે તો દાણચોરી વધવાનો ભય : પ્રધાનોનું જૂથ શનિવારની માટિંગમાં નિર્ણય લેશે
વ્યાપાર ટીમ   
મુંબઈ, અમદાવાદ, રાજકોટ, તા. 23 નવે.
સોના-ચાંદી પરનો જીએસટી ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા કરવાની જીએસટી ફિટમેન્ટ કમિટીની ભલામણ વિધિવત અમલમાં આવે તે પહેલા દેશભરના જવેલર્સમાં હાહાકાર મચી ગયો છે.  
જનસામાન્ય વપરાશ પરની ચીજો- ટેક્સ્ટાઇલ, તૈયાર વસ્ત્રો અને પગરખાં પરનો જીએસટી પાંચ ટકાથી વધારીને 12 ટકા આવતી 1 જાન્યુઆરીથી કરવામાં આવશે અને હવે મોટા પાયે રોજગારીનું નિર્માણ કરતા જવેલરી ઉદ્યોગ ઉપરનો જીએસટી વધારવાની દરખાસ્ત આવી છે.  
કમિટીની આ ભલામણ હજી પ્રાથમિક તબક્કામાં છે. તેના ઉપર પ્રધાનોનું જૂથ (ગ્રુપ અૉફ મિનિસ્ટર્સ)  27મીના શનિવારે મળનારી માટિંગમાં ચર્ચા કરશે. તેઓ જે નક્કી કરે તેની ભલામણ જીએસટી કાઉન્સિલને મોકલશે અને કાઉન્સિલ તેની સંભવત: ડિસેમ્બરમાં મળનારી માટિંગમાં આ દરખાસ્ત વિધિવત રજૂ કરશે. 
જીએસટી માળખામાં સુતાર્કિકરણ કરવાના નામે કમિટીએ આ ઉપરાંત 12 ટકા અને 18 ટકાના જીએસટી દરને ભેળવીને 17 ટકાનો  દર લાગુ પાડવાની અને કોમ્પેનસેશન દર એક ટકાથી વધારીને 1.5 ટકા કરવાની ભલામણ કરી છે. અત્યારે ઉપલબ્ધ એકસઝમ્પશન્સના દર અને તેની સંખ્યા ઘટાડવાની  પણ દરખાસ્ત છે. સરકારનું માનવું છે કે, કર ચોરી અટકાવવા માટે આ પગલાં આવશ્યક છે. જીએસટી ફીટમેન્ટ કમિટીએ કિંમતી ધાતુઓ (સોનું અને ચાંદી) પરનો જીએસટીને ત્રણ ટકાથી વધારીને પાંચ કરવાની દરખાસ્ત કરી, તેના પગલે ગુજરાતના સોના-ચાંદી વ્યવસાયકારોમાં ચિંતા પ્રવર્તી રહી છે. તેનાથી માંડ બેઠા થયેલો ઉદ્યોગને ફરી ધક્કો લાગશે એટલું જ નહી તેનાથી દાણચોરી વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે.  
અમદાવાદ જ્વેલર્સ ઍસોસિયેશન પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતું કે છેલ્લાં દોઢ વર્ષથી કોરોનાને કારણે નુકસાન ગયું હતું પરંતુ છેલ્લા છ મહિનાથી અમે થોડું નુકસાન સરભર કરી શક્યા છીએ. પરંતુ તેનો મતલબ એવો નથી અમે તે નુકસાનમાંથી બહાર આવી ગયા છીએ.  
ગુજરાત ચેમ્બર અૉફ કૉમર્સના જેમ્સ ઍન્ડ જ્વેલરી ટાસ્ક ફોર્સના આશિષ ઝવેરીએ જણાવ્યું હતું કે જો જીએસટી વધારીને પાંચ ટકા કરાય તો દાણચોરી વધશે. કેમ કે આયાત જકાત સાડા સાત ટકા છે. ભારત સિવાયની વાત કરીએ તો બીજા દેશોમાં ભારતની જેમ આયાત જકાત નથી અને જીએસટી નથી. તેથી આપણા દેશના ભાવ અને ત્યાંના ભાવમાં ફરક પડશે તેથી ચોક્કસ પણે દાણચોરીનું દૂષણ વકરશે.    
જીજેઇપીસીના ગુજરાત રિજનના ચૅરમૅન દિનેશભાઈ નાવડિયા કહે છે કે, માંડ બેઠા થયેલા ઉદ્યોગજગતને શ્વાસ લેવા દેવાની જરૂર છે. એક પછી એક સુધારાવાદી વલણના નામે પ્રસ્તાવોની અમલવારીથી હીરા-ઝવેરાત સહિત તમામ ઉદ્યોગજગતને હેરાનગતિ થશે. સરકાર સોના અને ચાંદી ઉપર જીએસટી ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા કરવાનું વિચારે છે ત્યારે હાલના સંજોગોમાં બહુ જ ઉતાવળો નિર્ણય કહેવાશે. 
સ્લેબ બદલવા બાબત સરકારને હજી અવઢવ 
ઈબ્રાહીમ પટેલ 
સોનાની આયાત જકાત બે ટકા ઘટાડ્યા બાદ સરકારની કરવેરા આવકને સરભર કરવા, ગૂડ્ઝ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) દર ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા કરવાનું સરકાર વિચારે છે. આવા અહેવાલ બાદ આજે બુલિયન બજારમાં સોનાના હાજર ભાવ નિર્ધારિત કરવામાં ટ્રેડરો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા, એમ બુલિયન એનાલિસ્ટ ભાર્ગવ વૈધએ કહ્યું હતું. અલબત્ત, સરકારની ફિટમેન્ટ કમિટીએ જીએસટીના દર વધારવાની આ દરખાસ્ત મૂકી છે. પણ, ગ્રુપ અૉફ મિનિસ્ટર્સ (ગોમ્સ) આ દરખાસ્તની ખાસ લેવાલ હોય તેવું લાગતું નથી.  એક બુલિયન ડિલરે કહ્યું કે ચૂંટણી, લગનસરા અને તહેવારોના આ સમયગાળા જીએસટીના સ્લેબ બદલવામાં સરકાર અત્યંત સાવધ બની ગઈ છે. આ સંદર્ભે અમને દિલ્હીથી કોઈ સંકેત નથી મળતા. 27 નવેમ્બરે ગોમ્સની માટિંગ મળનાર છે, તેમાં કૉમોડિટીના જીએસટી સ્લેબ બદલવાની દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવશે. અને ત્યાર પછી ગોમ્સના સૂચનો જીએસટી કાઉન્સિલની ડિસેમ્બરમાં મળનારી આગામી માટિંગના ટેબલ પર મૂકીને નિર્ણય લેવામાં આવશે. નાગરિકોના સીધા ઉપયોગમાં આવતી કે વપરાતી મહત્ત્વની સંવેદનશીલ ચીજો પર ખૂબ જ ધ્યાન રાખીને આખી કવાયત કરવામાં આવશે, એમ ગોમ્સ નજીકના સૂત્રોનું માનવું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer