તામિલનાડુના પ્રસિધ્ધ પુવાન કેળાં અને કેળાંના પાઉડરની નિકાસનું અભિયાન

વૈજ્ઞાનિક ઢબે ખેતીથી બે વર્ષમાં આ બ્રાન્ડ પ્રસ્થાપિત કરાશે 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 11 જાન્યુ.
કેન્દ્રિય વ્યાપાર અને વાણિજ્ય મંત્રાલયે `બ્રાન્ડ ઈન્ડિયા' અભિયાનનાં ભાગરૂપે ખેડૂતોને તેમની નિપજની સીધી નિકાસ કરવાની સુવિધા મળે તેવું લક્ષ્યાંક રાખ્યું છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે હવે ખેડૂતોને વિશેષ તાલિમ આપવામાં આવશે. આવા જ એક પ્રયાસનાં ભાગરૂપે ફીઓ સંસ્થા દ્વારા તામિલનાડુનાં પ્રસિદ્ધ પુવાન વેરાયટીનાં કેળાંના વિવિધ ઉત્પાદનો ને નવું વૈશ્વિક બજાર આપવા માટે તિરૂચી પંથકનાં ખેડૂતોને જરૂરી તાલિમ આપવાનો નિર્ણય કર્યો છે.    
ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (ફીઓ) એ પુવાન વેરાયટીનાં કેળાંની ખેતી કરતાં તામિલનાડુનાં તિરૂચિરાપલ્લી વિસ્તારના ખેડૂતોને ટેકનોલોજી આધારિત ખેતી કરવાની કળામાં પારંગત કરવાનું બીડું ઝડપ્યું છે. આ તાલિમ દ્વારા વૈશ્વિક બજારમાં કેળાની નિકાસ વધારી શકાય અને કેળાનાં અન્ય ઉત્પાદનોની ગુણવત્તા સુધારીને તેના સારા ભાવ લઇ ખેડૂતોની આવક વધારી શકાય તેને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ સંસ્થાઐ આ અભિયાનનાં ભાગરૂપે તિરૂચીનાં ખેડૂતો માટે એક સ્કીલ ડેવલપમેન્ટ કાયર્યક્રમનું આયોજન પણ કર્યુ હતું.  
આ તાલીમ દરમિયાન ખેડૂતોને જાણવા મળ્યું કે તેમના વિસ્તારની જમીન અને આબોહવા પુવાન કેળાના પાક માટે શ્રેષ્ઠ છે. પણ તે જલ્દી ખરાબ થઇ જતા હોવાથી ખેડૂતોની નિપજનાં 35 ટકા કેળાં તો બગાડમાં જતા રહેતા હોય છે. ફીઓના પ્રતિનિધિઓએ ખેડૂતોને જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં કેળાનાં પાઉડરની વિશેષ માંગ રહે છે. તેથી જો ખેડૂતો કેળાં પાકતાની સાથે જ અમુક નિપજમાંથી કેળાંનો પાઉડર બનાવી શકે તો તેમના માલનો બગાડ નહીં થાય અને વૈશ્વિક બજારમાં કેળાનાં પાઉડરની નિકાસ કરીને તેમને વધુ વળતર પણ મળી શકશે.  
આ માટે ફીઓના પ્રતિનિધિઓએ એગ્રિકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફુડ પ્રોડક્ટસ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (એપેડા)ના અધિકારીઓ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં સૂત્રો તથા વિદેશ વ્યાપાર વિભાગનાં ધિકારીઓ વચ્ચે સંકલન સાધીને આ વિસ્તારનાં કેળાંને નિકાસલક્ષી ગુણવત્તાવાળા બનાવવા ઉપરાંત ખેડૂતોને નિકાસ માટે જરૂરી ગુણવત્તાનું સર્ટીફિકેટ કેવી રીતે મેળવી શકાય, પોતાની પોડક્ટનું વૈશ્વિક બજારમાં માર્કાટિંગ કેવી રીતે કરી શકાય તથા મોટા જથ્થામાં માલ લઇને સ્થાનિક ખેડૂત ઉત્પાદક કંપની દ્વારા તેનું વેચાણ કરીને વધુ નફો કેવી રીતે મેળવી શકાય તેની વિશેષ જાણકારી પણ આપી હતી.  આ સમયે રાષાયણિક ખાતરોના જરૂર પૂરતા જ ઉપયોગની માહિતી પણ આપવામાં આવી હતી. કેળાની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને વૈશ્વિક વેપાર વધારવા માટેના આ પ્રયાસ આગામી  બે-ત્રણ વર્ષમાં ફળદાયી પરિણામો આપશે એવી આશા જન્મી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer