તુવેરની વિક્રમજનક આયાત, નજીકના ભવિષ્યમાં ભાવ વધવાની શક્યતા ઓછી

વિશેષ પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 11 જાન્યુ. 
આયાતમાં છુટછાટના પરિણામસ્વરૂપ ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી કઠોળમાં તુવેરની વિક્રમજનક આયાત થઇ છે. સુત્રોના મતે 31 ડિસેમ્બર, 2021 સુધી પાંચ લાખ ટનથી વધારે તુવેરની આયાત કરાઇ છે અને માર્ચના અંત સુધી કુલ આયાત 6.5 લાખ ટનને પાર કરી જવાની સંભાવના છે, જ્યારે 2020-21માં તેની આયાત 4.42 લાખ ટન હતી. 
તુવેરની આ જંગી આયાતથી રિટેલ કિંમતોમાં સ્થિરતા આવી, જ્યારે મુખ્ય ઉત્પાદક રાજ્યોની મંડીઓમાં નવી તુવેરની આવક શરૂ થઇ ચૂકી છે. ગ્રાહક બાબતોના વિભાગના આંકડાઓ મુજબ ઓક્ટોબર 2021ની શરૂઆતની તુલનામાં તુવેર દાળની રિટેલ કિંમતોમાં ઘટાડો આવ્યો છે. રિટેલ ફુગાવાની ગણતરીમાં તુવેર દાળનું વેઇટેજ 0.8 ટકા છે, જે મોંઘવારી માપવાનું એક ટૂલ્સ છે. 
નોંધનિય છે કે, ભારત પોતાની ઘરેલુ વપરાશની લગભગ 10-12 ટકા જરૂરીયાત આયાતથી સંતોષે છે. ઉત્પાદનમાં સ્થાનિક અછતની આશંકાએ મે-2021માં તુવેર, અડદ અને મગની આયાતને પ્રતિબંધિતમાંથી મુક્ત શ્રૈણીમાં ટ્રાન્સફર કરી દીધી અને તેની આયાત હવે માર્ચ 2022 સુધી કરી શકાય છે. 
વર્ષ 2016માં જ્યારે તુવેર દાળની રિટેલ કિંમતો 200 રૂપિયા પ્રતિ કિગ્રા સુધી પહોંચી ગઇ, તો ભારતે મોઝામ્બિકની સાથે પાંચ વર્ષની માટે વાર્ષિક બે લાખ ટન તુવેરની આયાત માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. એમઓયુને સપ્ટેમ્બર 2021માં વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. ભારતે માલવી અને મ્યાનમારની સાથે વર્ષ 2025 સુધી અનુક્રમે 50 હજાર ટન અને એક લાખ ટન તુવેર વાર્ષિક આયાતની માટે સમજૂતી કરી છે. 
સારી તુવેરનો મંડી ભાવ 6,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, જે સરકાર દ્વારા ખરીફ 2021-22ની માટે જાહેર કરેલી લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) છે. પાછલા વર્ષે ઓક્ટોબરમાં કમૌસમી વરસાદને કારણે કર્ણાટક અને મુખ્ય ઉત્પાદક ક્ષેત્રોમાં તુવેરના પાકને નુકસાન થયુ પરંતુ હવે આયાત વધારે થવાથી ભાવમાં વૃદ્ધિ થઇ નથી. 
અલબત્ત સપ્ટેમ્બર 2021માં કૃષિ મંત્રાલય દ્વારા જારી ખાદ્યાન્ન ઉત્પાદનના પ્રથમ અગ્રીમ અનુમાન અનુસાર, 2021-22 પાક વર્ષ (જુલાઇ-જૂન)માં ભારતનુ તુવેર ઉત્પાદન રેકોર્ડ 44.3 લાખ ટન થવાનો અનુમાન છે. નોંધનિય છે કે, તુવેર 180 દિવસનો પાક છે જે કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને અન્ય રાજ્યોમાં ઉગાડવામાં આવે છે. વર્ષ 2020-21માં ભારતના કુલ કઠોળ ઉત્પાદનમાં તુવેરનુ યોગદાન લગભગ 17 ટકા છે. 
વેપારીઓનું કહેવુ છે કે તુવેરની વધારે આયાતથી હવે તેની ખાતરી થઇ ગઇ છે કે સ્થાનિક બજારમાં જરૂરીયાતને પૂરી કરવા માટે પુરતો જથ્થો છે. આગામી દિવસોમાં મંડીમાં તુવેરના ભાવ વધવાની સંભાવના નથી. 
આ દરમિયાન, રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કાટિંગ સંગઠન (અપેડા) એ એમએસપી હેઠળ તુવેરની પ્રાપ્તિ માટે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ખેડૂતોની નોંધણી શરૂ કરી દીધી છે. નાફેડના એમડી સંજીવ કુવાર ચઢ્ઢાના મતે અમે ચાલુ સીઝનમાં ખેડૂતો પાસેથી 7-8 લાખ ટન તુવેરની પ્રાપ્તિનું લક્ષ્યાંક લઇ ચાલી રહ્યા છે. નાફેડને 21 લાખ ટન કઠોળનો બફર સ્ટોક રાખવો ફરજિયાત છે, જેને ભવિષ્યમાં ભાવ વધારો રોકવા માટે ખુલ્લા બજારમાં ઠાલવવામાં આવે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer