તોફાની સત્ર બાદ અંતે પસંદગીના શૅરોમાં લેવાલી

વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 11 જાન્યુ.
આઈટી, પાવર અને રિયલ્ટી શૅર્સમાં ઉછાળાના ટેકે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો તોફાની સત્રના અંતે વધારે બંધ રહ્યા હતા. સેન્સેક્ષ 221.26 પોઈન્ટ્સ (0.37 ટકા) વધીને 60,616.89ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈમાં નિફ્ટી 52.50 પોઈન્ટ્સ (0.29 ટકા) વધીને 18,055.80ના સ્તરે બંધ રહ્યો હતો. 
નિફ્ટીમાં 1757 કંપનીઓના શૅર ભાવ વધ્યા હતા, 1481 કંપનીઓના શૅર ભાવ ઘટયા હતા અને પંચાવન કંપનીઓના શૅર ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો. નિફ્ટીમાં એચસીએલ ટેકનોલોજીસ, અદાણી પોર્ટસ, ઓએનજીસી, એચડીએફસી અને ટેક મહિન્દ્રના શૅર ભાવ સૌથી અધિક વધ્યા હતા, જ્યારે જેએસડબ્લ્યૂ સ્ટીલ, તાતા સ્ટીલ, બીપીસીએલ, હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝ અને કોલ ઈન્ડિયના શૅર ભાવ સૌથી અધિક ઘટયા હતાં. 
ક્ષેત્રવાર સૂચકાંકોમાં મેટલ સૂચકાંક સૌથી વધુ બે ટકા ઘટયો હતો. જ્યારે આઈટી, પાવર, ઓઈલ અને ગૅશ તેમ જ રિયલ્ટી સૂચકાંકમાં ઉછાળો આવ્યો હતો. બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ફ્લેટ રહ્યા હતાં.   
જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું કે, કોવિડના વધતા કેસ અને ફુગાવામાં વધારો થવાના વચ્ચે પણ સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોમાં વધારો નોંધાયો હતો. ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં વધારો કરવાનો સંકેત આપતા વૈશ્વિક બજારો આંશિક નબળા પડયા હતાં. અમેરિકાના ફુગાવામાં વધારો થયો છે. ટ્રેડર્સ અમેરિકાના રિટેલ ફુગાવાના આંકડાની રાહ જોઈ રહ્યા હતા.
દલાલ સ્ટ્રીટનો સ્કોરકાર્ડ
બીએસઈમાં આજે 3513 કંપનીઓમાં ટ્રેડિંગ થયુ હતું, જેમાં 1933 કંપનીઓના શૅર ભાવ વધ્યા હતા, 1513 કંપનીઓના શૅર ભાવ ઘટયા હતા અને 67 કંપનીઓના શૅર ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો. 615 કંપનીઓ બાવન અઠવાડિયાની ટોચને સ્પર્શી હતી, જ્યારે સાત કંપનીઓ બાવન અઠવાડિયાની નીચલી સપાટીને સ્પર્શી હતી. મંગળવારે કુલ 773 કંપનીઓને અપર સર્કીટ લાગી હતી અને 187 કંપનીઓને લોઅર સર્કીટ લાગી હતી. 
બીએસઈમાં ટ્રેન્ડિંગ શૅર્સ
બીએસઈમાં આજે અદાણી એન્ટરપ્રાઈસિસ, અદાણી ગ્રીન, ગ્રીવ્ઝ કોટન, સુઝલોન, વીગાર્ડ, સ્વાનએનર્જી, થર્મેક્સ, એસઆરએફ જેવા શૅર્સ ટ્રેન્ડિંગમાં હતાં.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer