ગુજરાતમાં રૂનું પ્રેસિંગ 11 ટકા ઘટ્યું

ગુજરાતમાં રૂનું પ્રેસિંગ 11 ટકા ઘટ્યું
મહારાષ્ટ્રનો કપાસ બહુ ઓછો આવતા ઉત્તર ગુજરાતમાં પ્રેસીંગ 40 ટકા ઘટી ગયું 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 11 જાન્યુ. 
ગુજરાતમાં રૂની ગાંસડીનું પ્રેસીંગ ડિસેમ્બર મહિના દરમિયાન 13.63 લાખ ગાંસડીનું કરવામાં આવ્યું છે. જ્યારે ચાલુ સીઝન દરમિયાન ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં કુલ 33,09,031 ગાંસડી બાંધવામાં આવી છે. પાછલા વર્ષની તુલનાએ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં 4,12,180 ગાંસડી ઓછી બંધાઇ છે. ગયા વર્ષની તુલનાએ 11 ટકા ઓછી ગાંસડી ગુજરાતમાં બાંધવામાં આવી છે. 
સૌરાષ્ટ્રમાં ડિસેમ્બર દરમિયાન 9,37,371 ગાંસડી, ઉત્તર ગુજરાતમાં 3,41,083 ગાંસડી, મેઇન લાઇનમાં 1,19,800 ગાંસડીઅને કચ્છ વિસ્તારમાં 32,400 ગાંસડી બાંધવામાં આવી છે. નવેમ્બરમાં ગુજરાતમાં 11,75,842 ગાંસડી અને ઓક્ટોબરમાં 7,69,860 ગાંસડી બાંધવામાં આવી હતી. એ રીતે આ વર્ષે દૈનિક ધોરણે 46,150 ગાંસડીનું પ્રેસીંગ કરવામાં આવ્યું છે. 
ગુજકોટ એસોસીએશન દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ડિસેમ્બરમાં 582 જિનીંગ મિલો ચાલુ હતી. સૌરાષ્ટ્રમાં એમાંથી 385, ઉત્તર ગુજરાતમાં 155, મેઇન લાઇનમાં 31 અને કચ્છ વિસ્તારમાં 11 જિનીંગ મિલો ચાલુ અવસ્થામાં હતી.  સમગ્ર સીઝન દરમિયાન ડિસેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રમાં 21,90,153 લાખ ગાંસડી બાંધવામાં આવી છે. જે ગયા વર્ષ કરતા 6.59 ટકા અર્થાત 1,35,331 ગાંસડી વધી છે. 
ઉત્તર ગુજરાતમાં 8,10,697 લાખ ગાંસડી બાંધવામાં આવી છે, જે પાછલા વર્ષથી 39.30 ટકા અર્થાત 5,24,908 ગાંસડી ઘટી છે. મેઇનલાઇનમાં 13 ટકા ઓછી ગાંસડી બંધાઇ છે અને ડિસેમ્બર સુધીમાં 2,04,978 ગાંસડીનો આંક આવ્યો છે. કચ્છ લાઇનમાં 9.87 ટકા વધારે પ્રેસીંગ થતા કુલ 1,03,204 ગાંસડી બાંધવામાં આવી છે. આમ ગુજરાતમાં કુલ 4,12,180 લાખ ગાંસડી ઓછી બંધાતા કુલ આંક 33,09,031 એ પહોંચ્યો છે. 
અમદાવાદના બ્રોકર અજયભાઇ શાહ કહે છેકે,ઉત્તર ગુજરાતમાં પ્રેસીંગ ઘટવાનું કારણ મહારાષ્ટ્રની આવકનું છે. ઉત્તર ગુજરાતમાં વીજાપુર અને કડી બન્ને મહત્વના પ્રેસીંગ મથકો છે. જ્યાં પ્રેસીંગ થતા કુલ કપાસના જથ્થામાંથી 50 ટકા જેટલો મહારાષ્ટ્રથી લાવવામાં આવતો હોય છે. મહારાષ્ટ્રથી આ વર્ષે આવક થતી નથી. ડિઝલના ઉંચા ભાવને લીધે તોતીંગ ભાડાં, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કપાસિયાના સમાન ભાવથી ખેડૂતોને ઉત્તર ગુજરાતમાં કપાસ વેચવામાં પોસાણ નથી. જોકે આ કારણથી મહારાષ્ટ્રમાં પ્રેસીંગ વધશે પણ ગુજરાતનો આંકડો ઘટશે. 
તેમણે ઉમેર્યું કે, સૌરાષ્ટ્રમાં 55થી 65 લાખ ગાંસડી દર વર્ષે બંધાતી હોય છે તે આંકડો જળવાય રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 25-27 લાખ ગાંસડી બંધાતી હોય છે તેમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. મેઇન લાઇનમાં પણ પ્રેસીંગનો આંકડો થોડો ઓછો આવશે, જોકે કચ્છમાં જળવાઇ રહેવાની શક્યતા છે. ગુજરાતમાં 90 લાખ ગાંસડી આસપાસ પ્રેસીંગ થતું હોય છે તેમાં ય એ કારણથી ઘટાડો જોવા મળશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer