દિલ્હીમાં ખાનગી અૉફિસો બંધ : ઘરેથી કામ કરવાનો આદેશ

દિલ્હીમાં ખાનગી અૉફિસો બંધ : ઘરેથી કામ કરવાનો આદેશ
નવી દિલ્હી, તા. 11 જાન્યુ.
દિલ્હીમાં કોરોનાનો પ્રકોપ વધતાં ખાનગી ક્ષેત્રની તમામ અૉફિસો બંધ કરીને ઘરેથી કામ કરવાનો આદેશ અપાયો છે. માત્ર ખાનગી બૅન્કો, વીમા કંપનીઓ, દવા કંપનીઓ, માક્રોફાઈનાન્સ કંપનીઓ, વકીલોની અૉફિસો અને કુરિયર સહિતની આવશ્યક સેવાઓને જ આ આદેશમાંથી  મુક્તિ અપાઈ છે. આ નિર્ણય દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લેવાયો છે. અત્યાર સુધી અૉફિસોને અડધા કર્મચારીઓને અૉફિસમાં બોલાવીને અને બાકીના અડધા પાસે ઘરેથી કામ કરાવીને કામકાજ ચાલુ રાખવાની છૂટ અપાઈ હતી. અત્રે મોટા ભાગની સરકારી અૉફિસો 50 ટકા હાજરીથી કામ કરી રહી છે.  
ગઈકાલે દિલ્હી સરકારે રેસ્ટોરાં અને બારને બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને માત્ર માલસામાન લઈ જવાની અથવા હોમ ડિલિવરીની જ છૂટ રાખી હતી. દિલ્હીમાં ગઈકાલે કોરોનાના 19000 નવા કેસ નોંધાયા હતા, જે રવિવારના 22,751 કેસ કરતાં થોડા ઓછા છે. ગઈ કાલે પોઝિટિવિટી રેટ 25 ટકા હતો, જે 5 મે પછીનું સૌથી ઊંચું પ્રમાણ છે. ગઈકાલે દિલ્હીમાં મહામારીએ 17 જણાનો ભોગ લીધો હતો.   દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દર જૈને કહ્યું કે દિલ્હીમાં કોરોનાના કેસ એકબે દિવસમાં જ સર્વોચ્ચ સપાટીએ પહોંચી જશે. ત્યાર પછી કેસની સંખ્યા ઘટવા લાગશે. આમ છતાં લોકો બેદરકાર ન બની જાય તે માટે અમારે કદાચ નવેસરથી કર્ફ્યુ લાદવો પડશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer