આયકર મુક્તિ મર્યાદામાં વધારો કરવા માગ

રાજકોટ મશીનરી ડીલર્સ ઍસોસિયેશન દ્વારા કેન્દ્રીય અંદાજપત્ર સૂચનો કરાયાં
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ,તા.14 જાન્યુ. 
આયકરમાં પાંચ લાખ કે તેનાથી નીચેની આવક ધરાવતા વર્ગને મુક્તિ આપવામાં આવી છે પણ પાંચ લાખ કરતા થોડી વધારે આવક થાય તો જૂના સ્લેબ મુજબ અઢી લાખ જ બાદ મળી શકે છે. આમ તેમને સાડા બાર હજારનો ટેક્સ ભરવો પડે છે તેમાં ફેરફાર કરીને પાંચ લાખ ઉપરાંતની આવક થાય તો પણ પાંચ લાખ પૂરાં બાદ આપવા જોઇએ તેવી માગણી રાજકોટ મશીનરી ડિલર્સ એશોસીએશન દ્વારા કેન્દ્રીય અંદાજપત્ર પૂર્વે નાણાપ્રધાન સમક્ષ કરવામાં આવી છે. 
સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ પટેલ અને મંત્રી અશ્વિનભાઇ પટેલે કરેલી રજૂઆત પ્રમાણે પાંચ લાખ સુધીની આવક સંપુર્ણ કરમુક્ત કરવી, પાંચથી દસ લાખ સુધી 10 ટકા ટેક્સ, દસથી વીસ લાખ સુધી 20 ટેક્સ અને વીસ લાખથી ઉપરની આવક ઉપર 30 ટકા ટેક્સ કરવા ભલામણ કરવામાં આવી છે. સિનીયર સિટીઝનને પાંચ લાખ પૂરાં બાદ આપવા જરુરી છે. 
સુપર સિનીયર સિટીઝનની સંખ્યા આખા દેશમાં નહીવત છે ત્યારે તેમને પાંચને બદલે સાડા સાત લાખ બાદ આપવા જોઇએ. અને સાડા સાતથી દસ લાખ સુધી 10 ટકા સ્લેબ કરી આપવો જોઇએ. એ પછી દસથી વીસ લાખ થાય તેને 20 ટકા અને ઉપર હોય તો 30 ટકા ટેક્સ કરવો જોઇએ. મહિલાઓ માટે કોઇ મુક્તિમર્યાદા નથી. નવા અંદાજપત્રમાં ઓર્ડિનરી કરતા વધારે મુક્તિ મળવી જોઇએ. 
ગેસની પાઇપલાઇન 100 જિલ્લા પૂરતી વિનામૂલ્યે આપવાની જાહેરાત સરકારે કરી છે પણ તે હજુ વિસ્તારવાની જરુર છે અને એ100ને બદલે 200 જિલ્લાઓનો તેમાં સમાવેશ કરવો જોઇએ. આર્થિક રીતે પછાત હોય તેવા જિલ્લા ઉમેરવા જોઇએ. મેટ્રો ટ્રેન 27 શહેરોમાં શરૂ કરવાનું ગયા અંદાજપત્રમાં નક્કી થયું હતુ તેમાં આ વર્ષે વધારાના 25 શહેરો ઉમેરાય તો લોકોને ફાયદો થાય તેમ છે. 
ખેડૂતો માટે સ્વામિત્વ કાર્ડ આખા દેશમાં લાગુ કરવાનું નક્કી થયું છે પણ તે દિશામાં કોઇ કાર્યવાહી નથી થઇ તો એ ઝડપી પ્રક્રિયા થાય તો ખેડૂતોને જમીનની માલિકી નક્કી થઇ જાય.  
બેંક ડિફોલ્ટ થાય તો સરકારે પાંચ લાખની રકમની બાંહેધરી આપેલી છે પણ સિનીયર સિટીઝનોના કેસમાં તમામ રકમ આપી દેવી જોઇએ. કારણકે તેના ઉપર જ આવી વ્યક્તિનો નિર્વાહ ચાલતો હોય છે. સિનીયર સિટીઝનોને વીમાના પ્રિમિયમમાં 18 ટકા જીએસટી ચૂકવવો પડે છે તેમાંથી મુક્તિ જરુરી છે. મેડિક્લેમની રકમ સામાન્ય કરદાતાને રુ. 25 હજાર અને સિનીયર સિટીઝનને રુ. 50 હજાર બાદ મળે છે પણ અત્યારે મેડિકલ ખર્ચ ઉંચો થઇ ગયો છે એટલે આ મર્યાદા બમણી કરવી જોઇએ. 
બચત ખાતા પર મળતું વ્યાજ ફક્ત 10 હજાર સુધી બાદ મળે છે તેના બદલે 20 હજાર કરવા જોઇએ. સિનિયર સિટીઝન માટે 50 હજારથી વધારીને આ રકમ એક લાખની કરવી જોઇએ. બક્ષીસવેરાની મુક્તિ મર્યાદા 50 હજારની છે તે એકલાખ સુધીની કરી આપવા ભલામણ કરવામાં આવી છે. 
શોર્ટટર્મ કેપિટલ ગેઇન 15 ટકા જેટલો લાગે છે તેમાં વ્યાજબી સુધારો કરીને 10 ટકા સુધી નીચે લાવવો જોઇએ. એમ થાય તો લોકોની બચતવૃત્તિ અને શેરબજારમાં પ્રવૃત્ત થવાની વૃત્તિમાં વધારો થશે.લોંગ ટર્મ કેપિટલ ગેઇન ખરીદાકિંમતને આધારે 10 ટકા કરવામાં આવ્યો છે. તે નાબૂદ કરવો જોઇએ. એક લાખને બદલે બે લાખ બાદ કરી આપ્યા પછી 10 ટકા લગાવવામાં આવે તેવી જોગવાઇ અંદાજપત્રમાં કરવી જોઈએ.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer