ઉત્પાદન પડતર વધી જતાં સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 14 જાન્યુ. 
મોરબી અને આસપાસના વિસ્તારોમાં આવેલા સિરામિકના યુનિટો વધતી જતી ઉત્પાદન પડતરને લીધે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોલસો, ગેસ અને સિરામિકમાં વપરાતી માટી સહિતના મટિરીયલના ભાવ વધી રહ્યા હોવાથી છેલ્લાં કેટલાક મહિનાઓમાં આશરે 100 જેટલા યુનિટો બંધ પડી ગયા છે. મોરબીમાં 800 જેટલા યુનિટો છે એ જોતા બંધ યુનિટોની ટકાવારી 10 ટકા કરતા વધી જાય છે. 
મોરબી સિરામીક એસોસીએશનના સૂત્રો કહે છે, ઉત્પાદન પડતરમાં થઇ રહેલો વધારો ગંભીર બાબત છે. અધૂરામાં પુરું ઉંચા ભાવને લીધે ખપત પર માઠી અસર પડવાને લીધે સિરામિક ફેક્ટરીઓમાં સ્ટોક જમા થઇ રહ્યો છે અને કાર્યશીલ મૂડી રોકાણ ગઇ હોવાની વાત સામે આવી છે. ગેસના ભાવ છેલ્લાં કેટલાક મહિનાઓમાં ખૂબ વધી ગયા છે. યુનિટો બંધ થતા વપરાશ ઉપર માઠી અસર થઇ છે. અગાઉ 65 લાખ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ વપરાતો હતો તેના સ્થાને 55 સુધી આંકડો આવી ગયો છે. એક તરફ વૈશ્વિક સ્તરે નિકાસમાં ઉંચા કન્ટેઇનર ભાડાં અને ફ્રેઇટ નડી રહ્યા છે. એવામાં લોકલ માગ પણ ઉંચા ભાવને લીધે ઘટી રહી છે. 
મોંઘા કાચા માલને લીધે ફિનીશ પ્રોડક્ટ મોંઘી થઇ છે અને તેની અસર નિકાસ ઉપર આવ્યા વિના રહી નથી. નિકાસમાં ધીરે ધીરે ઘટાડો થઇ રહ્યો છે. વૈશ્વિક બજારમાં માગ ઓછી થઇ છે તો સ્થાનિકમાં પણ માગ પ્રોત્સાહક નથી.  ઉત્પાદન પડતરમાં 30 ટકા જેટલો વધારો થઇ ગયો છે. જે મોરબીના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય બજારમાં ટકવા દે તેવો નથી. યુરોપ અને ચીન જેવા દેશો ભારતીય પ્રોડક્ટને હરિફાઇ આપવા લાગ્યા છે.ઉત્પાદકો અને ખરીદનારાઓને કિંમત નડી રહી છે. જોકે અગાઉ કરવામાં આવેલા સોદા કે ઓર્ડરમા ભાવ વધારો ચાલતો નથી એટલે ઉત્પાદકોને મોંઘા ભાવની પ્રોડક્ટસ આપવી પડે છે. ઉદ્યોગકારો કહે છે, સરકાર દ્વારા એક તરફ રાજ્યમાં વાઇબ્રન્ટ જેવી સમિટો યોજીને ઉદ્યોગોને આકર્ષવામાં આવે છે પણ બીજી તરફ હયાત ઉદ્યોગોની મુશ્કેલીમાં ઘટાડો થાય તેવા કોઇ પગલા ભરતી નથી. મોરબીનો સિરામિક ઉદ્યોગ વિદેશી હૂંડિયામણ અને રોજગારીનું સર્જન કરી આપે છે પણ સરકાર કોઇ રાહત આપતી નથી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer