હજારો વાહનો ખરીદાયાં પરંતુ ટૅક્સ જમા ન થતાં તપાસ શરૂ

વાહનોના ટેક્સની રકમ આશરે રૂા. 18 કરોડ છે
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 14 જાન્યુ. 
અમદાવાદમાં હજારો વાહનોની ખરીદી પાછલા કેટલાક મહિનાઓમાં થઇ છે. પરંતુ તેનો ટેક્સ ન ભરાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોંકી ઉઠયું છે, અને હવે વાહન ધારકોને નોટિસ ફટકારવાની કાર્યવાહી શરૂ થઇ છે. જોકે ડીલર દ્વારા પણ ગ્રાહકો પાસેથી ટેક્સ વસૂલી લઈ અને સરકારમાં નહીં ભરાતો હોવાની પણ શક્યતા દેખાય છે. જોકે આ મામલે હવે ઉંડી તપાસ શરૂ થશે કારણકે મામલો કરોડો રૂપિયાનો છે. 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ વિભાગની બેઠકમાં એવી માહિતી અપાઇ હતી કે વર્ષ 2019માં કુલ 24,487 વાહનો ખરીદવામાં આવ્યા હતા. જોકે મોટાંભાગના વાહનો પર ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી. આ વાહનોના ટેક્સની રકમ આશરે રૂ.18 કરોડ જેટલી થાય છે. આથી કોર્પોરેશન દ્વારા હવે વાહનધારકોને નોટિસ પણ મોકલાશે. 
એવું પણ બની શકે કે ગ્રાહકો પાસેથી વાહનોનો ટેક્સ લઇને અમુક ડીલરો દ્વારા કોર્પોરેશનમાં જમા કરાવવામાં ન આવ્યો હોય, આથી જ તમામ ડેટા સાથે તપાસ થશે.  
કોર્પોરેશને આરટીઓ પાસેથી પણ વિગતો મગાવી છે અને નોટિસ દ્વારા જે ગ્રાહકોએ ટેક્સ ભર્યો છે. તેની પણ રીસીપ્ટ મેળવવામાં આવશે. ક્રોસ ચાકિંગ કરવામાં આવશે. બાદમાં જવાબદાર હશે. તેના સામે કાર્યવાહી પણ કરાશે અને ટેક્સ પણ વસૂલાશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer