કોરોનાની ત્રીજી લહેરમાં શ્રમિકોની હિજરત નહિવત્

રાજકોટના ઔદ્યોગિક એકમો અને ખેતીના મજૂરોમાં વતન જવાનો નથી ઉચાટ
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 14 જાન્યુ. 
કોરોનાની પહેલી અને બીજી વેવમાં ઉદ્યોગો અને ખેતીમાં કામકાજ કરનારા મજૂરોએ મોટાંપાયે વતનભણી દોટ મૂકી હતી. પ્રથમ લહેરમાં મજૂરોના મનમાં ભય અને ઉચાટ હતો તે હવે બિલકુલ રહ્યો નથી. કોરોનાની ત્રીજી લહેરમાં રાજકોટની લગભગ બધી ઔદ્યોગિક વસાહતોમાં અને ખેતી ક્ષેત્રમાં પણ મજૂરોના પેટનું પાણી હલ્યું નથી એટલે ઘણી રાહત છે.  
રાજકોટ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારો તથા ખેતીમાં પાંચ લાખ કરતા વધારે સંખ્યામાં મજૂરો કામકાજ કરતા હોય છે. મોટાંભાગના ગુજરાત બહારના રાજ્યોમાંથી આવે છે. ખેતીના મજૂરો પંચમહાલ અને ગોધરા તરફથી આવે છે. જ્યારે બહારના રાજ્યોમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર અને ઉત્તરપ્રદેશના મજૂરો મહત્તમ સંખ્યામાં હોય છે. જોકે હાલ મજૂરો અંગેની કોઇ સમસ્યા નથી. 
રાજકોટની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત શાપર-વેરાવર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ કિશોરભાઇ ટીલાળા કહે છે, મજૂરોની કોઇ સમસ્યા આ વર્ષે થઇ નથી. બધા જ પોતપોતાના કામકાજમાં વ્યસ્ત છે. ક્યાંય વતન ભાગી જવા માટેનો ઉચાટ કે કોરોના અંગેનો ગભરાટ દેખાતો નથી. મજૂરો રોટેશનમાં વતન જઇ આવતા હોય છે પણ કોરોનાને કારણે ક્યાંય મજૂરો જતા રહ્યા હોય કે જવા લાગ્યા હોય તેવું જોવા મળ્યું નથી. શાપર અને આસપાસના વિસ્તારોમાં બે લાખ જેટલા મજૂરો કાર્યરત હોવાની ધારણા છે. 
મેટોડા જીઆઇડીસીના પ્રમુખ નરેન્દ્રાસિંહ જાડેજા કહે છેકે, મજૂરો વેક્સિનેટેડ છે અને કોરોનાની અસર પણ ફક્ત પાંચેક દિવસ રહેતી હોવાથી ગભરાટનું વાતાવરણ નથી. ક્યાંક કોરોના થાયતો પણ હળવા લક્ષણો આવે છે. ઉત્પાદનની પ્રવૃત્તિમાં ધમધમાટ છે. ક્યાંય કોઇ સમસ્યા જોવા મળતી નથી. ઉદ્યોગો પાસે ઓર્ડરો પણ સારાં છે એટલે ઉત્પાદન પ્રભાવિત થતું નથી. 
પ્લાસ્ટિક, લોખંડ અને વિવિધ પ્રકારના કેમિકલ્સના ભાવ છેલ્લાં કેટલાક સમયમાં વધી જતા ખાસ્સી સમસ્યાનો સામનો ઉદ્યોગકારોને કરવો પડ્યો હતો. પરંતુ હવે મોટાંભાગની ચીજોના ભાવ સ્થિર થઇ ગયા છે. વળી, ભાવવધારો પણ પચી ગયો હોવાથી મુશ્કેલી ઘણી હળવી થઇ ગઇ હોવાનું ઉદ્યોગકારોએ કહ્યું હતુ. 
આજી જીઆઇડીસીના પ્રમુખ નરેશ શેઠના કહેવા પ્રમાણે ઉદ્યોગો પર કોરોનાનો ઓછાયો આ વખતે દેખાતો નથી. ઔદ્યોગિક પ્રવૃત્તિ જેમની તેમ જળવાઇ રહી છે. મજૂરો અને ઉદ્યોગકારો પૂર્ણપણે વેક્સિનેટેડ હોવાને લીધે ચિંતા નથી. આજી જીઆઇડીસીમાં આશરે 10થી 12 હજાર જેટલા મજૂરો કામકાજ કરી રહ્યા હોવાનો અંદાજ છે. 
ખેતીમાં અત્યારે કપાસની છેલ્લી વીણીની સીઝન છે. એ સિવાય નિંદામણની કામગીરી રવી પાકોમાં ચાલી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં વિવિધ પાકો તૈયાર થવા લાગશે એટલે ખેતરમાં કામકાજ વધશે. પરંતુ મજૂરોની અછત હોય એવી પરિસ્થિતિ જોવા મળતી નથી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer