પ્રાઈમ લોખંડમાં ભાવ કાપીને માલબોજો હળવો કરવાનું વલણ

અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 14 જાન્યુ.  
મુંબઈ કાલમ્બોલી બજાર અને આંશિક રીતે દારૂખાના અને લોખંડનાં અન્ય જથ્થાબંધ બજારોમાં માલની રવાનગી સતત ઘટાડે રહેવાનું ચક્ર ચાલુ રહ્યું છે. લોખંડના રાલિંગ માલોમાં સાંકડી વધઘટ વચ્ચે ભાવ પર એકંદરે દબાણ ચાલુ રહ્યું હોવાનું પીઢ વેપારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દિવાળી પછીથી અન્ય બજારોની જેમ લોખંડ બજારમાં પણ સુસ્તી વ્યાપી છે. જેમનો માલ સરકારી પ્રોજેક્ટો અને સીધો વપરાશકારોને જાય છે તેમની માલ રવાનગી ચાલુ છે. પરંતુ સમગ્ર રીતે કાલમ્બોલી-દારૂખાનામાં ચહલપહલ તદ્દન ઘટી ચૂકી છે.   દારૂખાના વિસ્તારના રાલિંગ લોખંડના વેપારીએ જણાવ્યું હતું કે `છેલ્લા 15 દિવસથી જૂના બાંધકામ અને રિપારિંગ પ્રોજેક્ટોમાં થતા લોખંડ સપ્લાયમાં 50 ટકાનો ઘટાડો થયો છે. પરપ્રાંતીય અને મહારાષ્ટ્રના આંતરિક વિસ્તારના કામદારો પુન: પાછા ફરવામાં ઉતાવળ ન કરતા હોવાથી અનેક બાંધકામ કૉન્ટ્રાક્ટરોએ નવી ખરીદી ઘટાડી છે, અથવા રોકી છે. 
બીજી તરફ પ્રાઇમ લોખંડના મુખ્ય વિતરકોને માસિક ક્વોટા પ્રમાણે માલ ઉઠાવવો પડતો હોવાથી તેઓ પણ માલ વેચવા ઉત્સુક છે. જેથી ખાનગીમાં ભાવકાપથી માલ વેચાઈ રહ્યો હોવાના અહેવાલ છે. દરમિયાન, રાલિંગ ટીએમટી બારનો ભાવ ટનદીઠ રૂ. 58,000 ક્વોટ થય છે. જ્યારે પ્રાઇમ સળિયાનો ભાવ રૂ. 62,000-63,000 વચ્ચે ફરી રહ્યો છે.  
સ્ટીલ ચેમ્બર ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ સંપતજી તોતલાએ જણાવ્યું કે નવા કોરોના વેવની બાબતે અનિશ્ચિતતા વધી રહી છે. છતાં બજારોમાં માલની રવાનગી સતત ઘટી રહી છે. તેમાં સુધારો થવાના કોઈ સંકેત હાલ મળતા નથી તેથી અનેક સ્ટોકિસ્ટ-સપ્લાયરો પુન: ચિંતામાં છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer