તેજી પછી ઘઉં વાયદામાં સતત પીછેહઠ

ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 14 જાન્યુ.
અમેરિકામાં ઘઉનો પાક મોટો આવશે એવા કૃષિમંત્રાલયના અહેવાલ પછી શિકાગોમાં સીબીઓટી ઉપર માર્ચ વાયદો 7.49 ડોલર પ્રતિ બુશેલ (25.216 કિલો) સુધી ઘટ્યો હતો. અલબત્ત, એ અગાઉ પુરવઠાની અછતની ચિંતાઓએ નવેમ્બરમાં વાયદાને 9 વર્ષની ઊંચાઈએ પહોંચાડી દીધો હતો. કોમોડિટી ફંડો અત્યારે મંદીમાં છે અને વેચવાલ છે. તેજીવાળાઓ અત્યારે છાશ ફૂંકી ફૂંકીને પી રહ્યા છે. ગત સપ્તાહે વાયદો 3.6 ટકા ઘટ્યો હતો. 
યુરો નેક્સ્ટ ઘઉ વાયદો પણ ત્રણ સત્ર વધ્યા પછી અમેરિકા તરફથી નકારાત્મક સમાચાર આવતાં ખેલાડીઓએ લેણ સરખું કરવા લાગતાં ઘટી ગયો હતો. એ પછી તો યુરોપિયન ઘઉની ઊંચા ભાવની નિકાસની આશા પણ ઠગારી નિવડવી શરૂ થઈ હતી. પેરિસસ્થિત યુરો નેક્સ્ટ માર્ચ માલિંગ વાયદો 3.5 યુરો ઘટીને ટન દીઠ 273.25 યુરો (311.86 ડોલર) મુકાયો હતો. અહી એ નોંધવું રહ્યું કે અમેરિકન કૃષિ મંત્રાલયે યુરોપિયન યુનિયનના દેશોનો પાક બે લાખ ટન અને આર્જેન્ટિનાનો પાક પાંચ લાખ ટન વધુ ઉતરવાનું અનુમાન કર્યું હતું. જો કે બ્રાઝિલ અને પરાગ્વેમાં દુષ્કાળને લીધે યુરોપિયન યુનિયન અને આર્જેન્ટિનાના પાકનો વધારો સરભર થઇ જશે.  
2021માં અનાજના વૈશ્વિક ભાવ 28 ટકા ઉછળ્યા હતા. હવે યુનોની કૃષિ સંસ્થા ફાઓ માને છે કે આ વર્ષે ભાવ વધતાં અટકી સ્થિર થવા લાગશે. ફ્રાન્સના આંકડા અનુસાર યુરોપિયન યુનિયનના સોફ્ટ ઘઉની વર્તમાન મોસમની 2021/22ની નિકાસ ગત મોસમ કરતાં સારી રહેવાની અપેક્ષા છે. 9 જાન્યુઆરી સુધીમાં આ નિકાસ 151.11 લાખ ટને પહોંચી ગયો હતો. અલબત્ત, બ્રાઝિલની હરીફાઈ વધવાથી જર્મન ઘઉંની નિકાસમાં પીછેહઠ થવા લાગી છે.  
એનાલિસ્ટો દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જણાયું કે 1 ડિસેમ્બરે અમેરિકન ઘઉનો સરેરાશ સ્ટોક 2007 પછીનો સૌથી વધુ હતો. અમેરિકન કૃષિ વિભાગનો અંદાજ છે કે 2022માં શિયાળુ ઘઉનું વાવેતર ગત વર્ષ કરતાં 2.2 ટકા વધીને 344.7 લાખ એકરમાં થયું છે. સાથે જ 1 ડિસેમ્બરે ઘઉનો પુરાંત સ્ટોક 14 વર્ષની ઊંચાઈએ 1.390 અબજ બુશેલ રહ્યો હતો. ભારતના કૃષિ મંત્રાલયના તાજા અહેવાલ પ્રમાણે રવિ ઘઉનું વાવેતર ગત વર્ષના 339.81 લાખ હેક્ટરથી ઘટીને સહેજ ઘટીને 333.97 લાખ હેકટરમાં થયું છે. જ્યારે ચોખાનું વાવેતર 18.69 લાખ હેકટરથી ઘટીને 16.44 લાખ હેકટરમાં થયું છે. 
બ્યુએનોસ ગ્રેન એક્સ્ચેન્જના અનુમાન મુજબ આ વર્ષે ઘઉની ઊપજ સારી આવી હોવાથી આર્જેન્ટિનાના ખેડૂતો આ વર્ષે 218 લાખ ટન ઘઉની લણણી કરશે. દક્ષિણપૂર્વ બ્યુએનોસ એરિસમાં લણણી શરૂ થઈ ગઈ છે ત્યારે ઊભા ઘઉમાં ઉતારો વધી રહ્યો છે. આ વિસ્તારની ગણના આર્જેન્ટિનાના સૌથી મહત્ત્વના ઘઉ ઉત્પાદક વિસ્તારોમાં થાય છે.   

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer