રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે ગુજરાતમાં કરશે રૂા. 5.95 લાખ કરોડનું રોકાણ

રાજ્યમાં 10 લાખ રોજગારી તકોનું સર્જન કરશે
મુંબઈ, તા. 14 જાન્યુ. 
વર્ષ 2035 સુધીમાં કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવાના લક્ષ્ય તરફ આગળ વધતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ કુલ રૂ. 5.95 લાખ કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર કર્યા છે. આ પ્રોજેક્ટ્સ થકી ગુજરાતમાં 10 લાખ જેટલી સીધી/ આડકતરી રોજગારીની તકોનું સર્જન થશે.  
ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન મુક્ત બનાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 100 ગીગાવોટ વૈકલ્પિક ઊર્જા પ્લાન્ટ અને ગ્રીન હાઈડ્રોજન ઇકો-સિસ્ટમના વિકાસ માટે આગામી 10થી 15 વર્ષના ગાળામાં રૂ. 5 લાખ કરોડના રોકાણનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. કંપની રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઈડ્રોજનના કેપ્ટિવ ઉપયોગ તરફ દોરી જતી નવી ટેકનૉલૉજી અને નીતનતા અપનાવવા માટે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (એસએમઈ) ને સહાયરૂપ બનવા તથા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા ઇકો-સિસ્ટમ વિકસાવશે. 
રિલાયન્સ કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવા અને સ્વચ્છ ઊર્જાના રોકાણના વાતાવરણના વિકાસ માટેના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને અનુસરે છે. 
રિલાયન્સે 100 ગીગાવોટ વૈકલ્પિક ઊર્જા પ્રોજેક્ટ સ્થાપવા માટે કચ્છ, બનાસકાંઠા અને ધોલેરામાં જમીન શોધવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કંપનીએ કચ્છમાં 4.5 લાખ એકર જમીનની માંગણી કરી છે. 
કંપની વધુ રૂ. 60,000 કરોડનું રોકાણ સોલાર મોડ્યુલ્સ અને ઇંધણના સેલ્સ વિકસાવવા અને રૂ. 25,000 કરોડનું રોકાણ વર્તમાન પ્રોજેક્ટ્સ અને નવા સાહસો માટે પાંચ વર્ષમાં કરશે.  
વધુમાં, રિલાયન્સે જિઓ નેટવર્કને ફાઈવ-જીમાં અપગ્રેડ કરવા આગામી 3-5 વર્ષમાં રૂ. 7,500 કરોડ, 5 વર્ષમાં રિલાયન્સ રિટેલમાં રૂ. 3,000 કરોડનું રોકાણ કરશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer