આયારામ - ગયારામનું રાજકારણ : રામ જવાબ આપશે?

કોવિડ મહામારીના ત્રીજા અવતારનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ચૂંટણી પંચે ચૂંટણીની પ્રચાર સભાઓ ઉપર નિયંત્રણ મૂક્યાં છે અને પ્રતિબંધ મૂક્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપ વધે નહીં તે માટે બંધીની મુદત લંબાવવામાં આવે એવી શક્યતા છે. રાજકીય નેતાઓ હડતાળ-બંધની હાકલ કરવા ટેવાયેલા છે પણ હવે એમની પ્રવૃત્તિ ઉપર આવેલી `બંધી' સ્વીકારવાની ફરજ પડશે. શક્ય છે કે હવે ચૂંટણી પ્રચારની નવી પદ્ધતિ - અપરોક્ષ પ્રચાર - સ્વીકારવી પડશે. ટેક્નૉલૉજીનો આશ્રય અને ઉપયોગ વ્યાપક બને તો મહામારીનો લાંબાગાળાનો - કાયમી લાભ ગણાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારોને વિશેષ સલાહ આપી છે કે મહામારીના પ્રતિકારમાં ઉપચાર કરતાં અટકાવ વધુ કામિયાબ નીવડશે. માસ્ક ઉપર ભાર મુકાય અને - જાહેરસભાઓની જેમ બજાર - મૉલમાં નિયંત્રણ ભલે મુકાય પણ આમલોકોની રોજી-રોટીનો ખ્યાલ રાખવો જરૂરી છે. અર્થતંત્ર હવે થાળે પડી રહ્યું છે ત્યારે તેને બ્રેક લાગે નહીં, સંપૂર્ણ લૉકડાઉન થાય નહીં તે જરૂરી છે. શક્ય છે, અને આશા પણ છે કે મહામારી સામેના મહા-વિશ્વયુદ્ધનો અંત જલદી આવે.
પાંચ રાજ્યોની ચૂંટણીમાં સૌથી વધુ ધ્યાન ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગોવા ઉપર છે. કિસાન આંદોલનની અસરની હવે ચર્ચા નથી. ઉત્તર પ્રદેશમાં ઓવૈસીએ મુસ્લિમ મતદારોની વોટ બૅન્ક, `ટેઇક ઓવર' કરવાના પ્રયાસ કર્યા. કૉંગ્રેસ અને સમાજવાદી પક્ષની વગમાં મુસ્લિમ વોટ જાય નહીં તે માટે જોરદાર પ્રયાસ અને જુસ્સાદાર - ભડકામણાં ભાષણ કર્યાં પણ તેની ખાસ અસર પડી લાગતી નથી. ભાજપ અને સમાજવાદી પક્ષ વચ્ચે સીધો મુકાબલો છે. બહુજન સમાજ પાર્ટીના માયાવતીએ મેદાન છોડી દીધું છે અને કૉંગ્રેસના ભાવ પુછાતા નથી. આ સંજોગોમાં અખિલેશ યાદવે ભાજપને હરાવવા માટે તમામ તાકાત ભાજપના વિધાનસભ્યો, પ્રધાનોને તોડવા માટે લગાડી છે. 2017 અને 2019માં મોદીએ સૌથી પછાત વર્ગને જીતીને અભૂતપૂર્વ વિજય મેળવ્યો હતો. હવે અખિલેશ આવા પછાત વર્ગના નેતાઓને ખેંચી રહ્યા છે. આ પડકારને મોદી-યોગી કેવો જવાબ આપશે તે જોવાનું છે. પણ એક વાત નક્કી છે કે બંગાળમાં ભાજપે મમતાદીદીના સભ્યોને તોડયા છતાં મતદારો મમતાને જ વફાદાર રહ્યા. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ પછાત-દબાયેલા વર્ગના મતદારો અખિલેશનો ભરોસો કરશે? કે યોગી-મોદીનો? ભાજપ હવે તેના વર્તમાન વિધાનસભ્યોને ફરીથી ટિકિટ આપશે.
અખિલેશ યાદવે પક્ષપલટાથી હવા ઊભી કરી છે પણ ચૂંટણીની ટિકિટોમાં ભાગ પડાવાશે. સમાજવાદી પાર્ટીના જૂના નેતા નારાજ થઈને ઊલટી ગંગા શરૂ નહીં કરે? શરદ પવાર અને સંજય રાઉત પણ ભાગ પડાવવા માગે છે તેની હજુ તો શરૂઆત છે - ટિકિટો અપાય અને પરિણામ આવે પછી કેવા પલટા આવશે?
મહારાષ્ટ્રના ત્રણે શાસક પક્ષો ગોવા અને ઉત્તર પ્રદેશમાં સાથે રહ્યા નથી. કૉંગ્રેસનો સાથ છોડયો છે. પંજાબમાં નવજોત સિદ્ધુ કૉંગ્રેસ હાઈકમાન્ડને પડકારે છે ત્યારે કૉંગ્રેસ અને આપના મુખ્ય પ્રધાનપદના ઉમેદવારોનું નામ જાહેર કરવાની કોઈની હિંમત નથી.
માર્ચની 10મીએ પરિણામ ભાજપ અને વિપક્ષના ભાવિ નક્કી કરશે. આયારામ - ગયારામના રાજકારણનો જવાબ રામ આપશે?

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer