દેશનું સૌપ્રથમ બિટકોઇન ઈટીએફ ગિફ્ટ સિટીમાં કાર્યરત બનશે

દેશનું સૌપ્રથમ બિટકોઇન ઈટીએફ ગિફ્ટ સિટીમાં કાર્યરત બનશે
ક્રિપ્ટોમાં રોકાણ કરવાની તક
માર્ચ સુધીમાં આઈએફએસસીની મંજૂરી મળવાની ધારણા
મુંબઈ, તા. 14 જાન્યુ. 
જો ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસીઝ સેન્ટર (આઈએફએસસીએ), ઈન્ડિયા આઈએનએક્સને મંજૂરી આપશે તો દેશનું સૌપ્રથમ બિટકોઇન અને એથરમ ફ્યુચર્સ ઈટીએફ ગિફ્ટ સિટીમાં કાર્યરત બનશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જની આંતરરાષ્ટ્રીય શાખાએ ક્લિન્ગ બ્લોક ચેઇન સાથે મળીને ગિફ્ટ આઈએફએસસીમાં ડિજિટલ એસેટ આધારિત પ્રોડક્ટ્સ લૉન્ચ કરવાની અનુમતિ માગી છે. એક્સચેન્જે ક્લિન્ગ બ્લોક ચેઇન આઈએફએસસી સાથે આ પ્રોડક્ટ્સ લૉન્ચ કરવાના કરાર કર્યા છે. 
ઈન્ડિયા આઈએનએક્સના મેનાજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વી. બાલસુબ્રહ્મણ્યમે જણાવ્યું છે કે ગિફ્ટ આઈએફએસસી ખાતે ઈન્ડિયા આઈએનએક્સ ડિજિટલ એસેટ આધારિત પ્રોડક્ટ્સ લૉન્ચ કરવા માગે છે અને એ માટે તેણે રેગ્યુલેટરી સેન્ડબોક્સ હેઠળ આઈએફએસસીએને અરજી કરી છે. અન્ય આંતરરાષ્ટ્રીય ફાયનાન્સ સેન્ટરો સાથે અમારાં ઉત્પાદનોને સ્પર્ધાત્મક બનાવવા ઉત્પાદનના નવીનીકરણ માટેની અમારી પહેલના ભાગ રૂપે અમે બિટકોઈન ઈટીએફ શરૂ કરવા માગીએ છીએ. અમે આ નવા યુગની એસેટ્સ આવશ્યક તમામ રેગ્યુલેટરી મંજૂરીઓ મેળવ્યા બાદ પ્રવર્તમાન કાયદાનું પાલન કરીને રજૂ કરવા ઈચ્છીએ છીએ. 
સામ ઘોષ દ્વારા પ્રમોટ થયેલી કોસ્મિયા ફાયનાન્સિયલ હોલ્ડિગ્સ અને ક્લિન્ગ ટ્રાડિંગ ઈન્ડિયા વચ્ચે સમાન ભાગીદારમાં સ્થપાયેલી ટોરસ ક્લિન્ગ બ્લોકચેઇન આઈએફએસસી, ભારતનું સૌપ્રથમ બિટકોઇન અને ઈથરમ ફ્યુચર્સ ઈટીએફ તેમજ અમેરિકામાં લિસ્ટેડ લાર્જ કેપ ડિસ્કાઉન્ટ મેટાવર્સ શરૂ કરવા માગે છે. અમેરિકા સિવાયના અન્ય દેશમાં આ સૌપ્રથમ ક્રિપ્ટો વાયદા ઈટીએફ હશે. ટોરસ ક્લિન્ગ બ્લોકચેઇન, ઈન્ડિયા આઈએનએક્સને સ્માર્ટ ઓર્ડર રાટિંગ દ્વારા મોટા પાયે અવિરત પ્રવાહિતા પૂરી પાડશે. પ્રોડક્ટ, ટોરસની ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુશન ટીમ અને પાર્ટનર્સ દ્વારા ડિસ્ટ્રિબ્યુટ કરાશે. 
ઈટીએફને શૅર્સની માફક જ ધ્યાન ઉપર લેવાતા હોવાથી ઉદાર રેમિટન્સ સ્કીમ હેઠળ બિટકોઈનના વાયદાના ઈટીએફમાં કાયમી વસવાટ ધરાવતા ભારતીયો રોકાણ કરી શકશે. ક્રિપ્ટોકરન્સી વિશે નિયમનકારી અનિશ્ચિતતાને પગલે ભારતમાં આ ડિજિટલ અસ્ક્યામતોમાં રોકાણ કરવું રોકાણકારો માટે મુશ્કેલ બન્યું છે. આઈએફએસસીએ જો ઈન્ડિયા આઈએનએક્સને મંજૂરી આપશે તો નિવાસી ભારતીયો આઈએનએક્સ સાથે રજિસ્ટર્ડ બ્રોકર્સ દ્વારા ક્રિપ્ટો ઈટીએફમાં રોકાણ કરી શકશે. 
ટોરસ ક્લિન્ગ બ્લોકચેઇન પહેલા બે વર્ષમાં ઈટીએફ અને ડિસ્કાઉન્ટ સર્ટિફિકેટો દ્વારા બ્લોકચેઇન આધારિત પ્રોડક્ટ્સમાં ગ્રાહકો મળવાને પગલે એક અબજ ડોલરની અસ્ક્યામતોના મેનેટમેન્ટનો અંદાજ ધરાવે છે. કંપનીના સીઈઓ ક્રિશ્ન મોહન મીનાવલ્લીએ જણાવ્યું કે ભવિષ્યમાં ક્રિપ્ટો અસ્ક્યામતો મોટા પાયે જોવા મળશે. ગિફ્ટ સિટી ડોલર એસેટ્સમાં અગ્રણી બનવા ઈચ્છે છે. આઈએનએક્સ સાથે સંયુક્તપણે અમે અરજી કરી છે અને આ વર્ષે માર્ચ મહિના સુધીમાં અમને મંજૂરી મળવાની ધારણા છે.
અસ્ક્યામતોનો આ એક નવો જ વર્ગ છે અને તેનાથી ઘરઆંગણાના તેમજ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ડિજિટલ એસેટ્સમાં રોકાણની તક સર્જાશે. આ વાયદા ઈટીએફ દ્વારા અમે ડિજિટલ એસેટ્સના બજાર તેમજ નિયંત્રિત બજારો વચ્ચેનો તફાવત પૂરવા ઈચ્છીએ છીએ.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer