કોરોનાએ માથું ઊંચકતાં બસ ટ્રાવેલ્સ ઉદ્યોગને સ્પીડ બ્રેકર

કોરોનાએ માથું ઊંચકતાં બસ ટ્રાવેલ્સ ઉદ્યોગને સ્પીડ બ્રેકર
દોઢસો લોકોની મર્યાદા આવી જતાં અનેક પ્રસંગો રદ
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 14 જાન્યુ. 
કોરોનાના કેસ વધતા ગુજરાતમાં ટ્રાવેલ્સ ઉદ્યોગ ફરીથી મુશ્કેલીમાં આવી ગયો છે. ખાસ કરીને નવી માર્ગદર્શિકામાં સરકારે માત્ર 150 મહેમાનોને જ લગ્નમાં આવવાની છૂટ આપતા લગ્ન પ્રસંગ માટે અગાઉ બુક કરેલી બસ ધીમે ધીમે રદ્દ થવા લાગી છે અને લોકો પણ હાલ લગ્ન પ્રસંગ મોકૂફ રાખવા લાગતા બસ ઉદ્યોગને ફટકો પડી શકે તેમ છે. 
ગુજરાત  ટુરીસ્ટ વ્હીકલ ઓપરેટર એસોસિયેશનના કહેવા મુજબ નવેમ્બર-ડિસેમ્બરમાં કોરોનાના કેસ નહીવત થઇ જવાથી ગુજરાતીઓ પરિવાર સાથે ફરવા નીકળ્યા હતા અને બસોનું બાકિંગ પણ ફૂલ રહ્યું હતું. પરિણામે બસ સંચાલકો માટે સારી સીઝન હતી, પરંતુ તેવી જ અપેક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં યોજાનાર લગ્ન પ્રસંગમાં બાકિંગ ઉપર હતી. જો કે રોકેટ ગતિએ વધી જતા કોરોના કેસના કારણે હવે આશા ઉપર પાણી ફરી વળે તેવું લાગી રહ્યું છે. 
અંદાજે 80 ટકા બસનું બુકીંગ હાલ કેન્સલ થયું છે આથી ટ્રાવેલ્સનો ધંધો પડી ભાંગ્યો છે. આ ઉપરાંત જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઘણી બધી ગ્રુપ ટુર પણ ગુજરાતમાંથી ઉપડવાની હતી તે પણ બંધ રહી છે. 
અધૂરામાં પૂરું અમદાવાદથી સુરત, ભુજ, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, જામનગર અને કચ્છ સહિતના શહેરો વચ્ચે દોડતી ડેઇલી સર્વિસ લક્ઝરી બસોમાં મુસાફરોની સંખ્યા પણ ઘટી ગઈ છે.  હવે ખાલી બસો દોડાવવાનું પણ પોસાય તેમ નથી અને કોરોનાના ડરથી લોકો ટ્રાવેલ બંધ કરી રહ્યા છે ત્યારે બસ ઉદ્યોગ સાવ હાલ પડી ભાંગ્યો છે. 
એર ટ્રાવેલમાં પણ આવી જ અસર જોવા મળી છે. અમદાવાદ એરપોર્ટ ઉપર આવતી ફ્લાઈટમાં 30 ટકા ઓછી થઈ ગઈ છે અને હજુ પણ આવનારા દિવસોમાં તેમાં ઘટાડો થાય તેવા પૂરતા એંધાણ છે. આથી જ બસ ટ્રાવેલ્સ ધંધો ફરીથી કોરોનાના અગાઉના સમય જેવી દશામાં આવી ગયો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer