લગ્નોમાં ભાડે લેવાતા સાફા, સૂટ અને શેરવાનીના ઓર્ડર ઘટ્યા

લગ્નોમાં ભાડે લેવાતા સાફા, સૂટ અને શેરવાનીના ઓર્ડર ઘટ્યા
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 14 જાન્યુ.
લગ્ન પ્રસંગ સહિતના શુભ અવસરમાં પહેરવામાં આવતા શુટ, શેરવાની, સાફા ભાડેથી આપનારને કોરોનાની ત્રીજી લહેરનું ગ્રહણ નડ્યું છે. ઉત્તરાયણ બાદ શરૂ થતી લગ્નસરાની સીઝનમાં સરકારે મહેમાનોની હાજરી ઓછી કરવાનો નિર્ણય કરતા સાફા, શૂટ, શેરવાનીના ઓર્ડરમાં ભારે ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે.  
કોરાનાની ત્રીજી લહેરના કારણે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કફર્યુંની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં તો લગ્ન પ્રસંગોમાં 150 વ્યકિતની સંખ્યામાં પ્રસંગ પૂરા કરવાનું જાહેરનામુ સરકારે બહાર પાડ્યું છે. જેના કારણે ઉત્તયરાણ બાદ શરૂ થનાર લગ્નપ્રસંગોમાં મહેમાનો હાજરી પાંખી રહેશે. પાછલા વર્ષોમાં લગ્નપ્રસંગોમાં ભાડેથી આઉટફીટ મંગાવીને પહેરવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. જેના કારણે ભાડેથી શૂટ, શેરવાની સહિતના વેડીંગ આઉટફીટની સાથે સાફા, પાઘડીનું પણ ભાડેથી લેવાનું ચલણ વધ્યું છે. ભાડેથી આપનારનો ધંધો કોરોનાને કારણે રીતસરનો ભાંગી પડ્યો છે. લગ્નમાં મહેમાનો સંખ્યા ઘટતા ભાડેથી લેનાર વર્ગ આપોઆપ ઓછો થયો છે.  
પરેશભાઇ સાફાવાળા જણાવે છે કે, શહેરમાં યોજાતા લગ્નોમાં ચણીયા ચોલી, શુટ અને શેરવાની ભાડે લેવાનો ટ્રેન્ડ છે. ગયા વર્ષે કોરોના કારણે ઘણા ખરાએ લોકોએ લગ્ન ઓછા અથવા ઘણા લોકોએ મુલવતી રાખ્યા હતા. આ વર્ષે દિવાળી બાદની લગ્નસરાની સિઝન જામી છે. લોકોને પોતાના બજેટમાં સારા એવા ચણિયા ચોળી અને શુટ ભાડે મળી જતા હોય છે. પરંતુ કોરોનાના કેસમાં ફરી વધારો થતા કેટલાક લોકોએ લગ્ન કેન્સલ કરાવ્યા છે તો ઘણાએ મર્યાદિત સંખ્યામાં પ્રસંગ પૂરો કરશે. આવામાં ફરીથી ગત વર્ષ જેવો જ ઘાટ ઘટાડો છે. 
ગયા વર્ષે કોરોનાને કારણે લગ્નસરાની આખી સીઝન ખરાબ થઇ હતી. આ વર્ષે પણ લગ્નની સિઝન નીકળતા જ કોરોના કેસમાં વધારો થતા અમે શુટ, શેરવાનીના ભાવોમાં કોઇ વધારો કર્યો નથી. ગયા વર્ષે જેટલા જ ભાડાના ભાવ રાખ્યા છે. શુટ અને શેરવાની રૂપિયા 2500 થી 3 હજારમાં ભાડે આપવામાં આવી રહી છે. શાફાનો એક દિવસનો ભાડાનો ભાવ રૂપિયા 600થી 1 હજાર કરવામાં આવ્યો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer