પેટકોકની આયાતમાં ડિસેમ્બરમાં 73 ટકાનો ઉછાળો

પેટકોકની આયાતમાં ડિસેમ્બરમાં 73 ટકાનો ઉછાળો
નવી દિલ્હી, તા. 14 જાન્યુ.  
પેટકોકની આયાત ડિસેમ્બર 2021માં વધીને 9.87 લાખ ટન  થઇ હતી, જે 2020ના ડિસેમ્બર કરતાં 73 ટકાનો વધારો દર્શાવે છે. નવેમ્બર 2021ની સરખામણીમાં પણ તે 70 ટકાનો વધારો દર્શાવે છે, એમ લાવી કોલ ઇન્ફો રિપોર્ટ જણાવે છે. પેટ્રોલિયમ કોક અથવા પેટકોક ક્રૂડ તેલના રીફાનિંગની આડપેદાશ છે. તેના ભાવ કોલસાની સમકક્ષ આવવાથી તેની આયાત વધી છે. 
2021માં બળતણ તરીકે વાપરી શકાય એવાક પેટકોકની આયાત ધીમી હતી કેમ કે ટેરના ભાવ ઊંચા હતા અને પુરવઠો તંગ હતો. પરંતુ તાજેતરમાં બળતણ કક્ષાના પેટકોકના ભાવ કોલસાની બરોબરીમાં આવવાથી ગ્રાહકો કોલસાને બદલે તેનો ઉપયોગ કરતા થયા છે, એમ રિપોર્ટ જણાવે છે.  
2021ના પ્રારંભે ભારતીય ગ્રાહકો માટે અમેરિકાનો ઉચ્ચ કેલરી મૂલ્ય ધરાવતો કોલસો તમામ ઘન બળતણોમાં સૌથી સસ્તો હતો. પરંતુ પાછળથી  આંતર રાષ્ટ્રીય બજારમાં ઉર્જા કટોકટી પેદા થવાથી બંને બળતણોના ભાવમાં ઉછાળો આવ્યો.  હવે કોલસો અને પેટકોક બંનેના ભાવ ઢીલા પડ્યા છે. પરંતુ કોલસાની તુલનામાં પેટકોકનાં ભાવ વધુ દબાયા હોવાથી કેટલાક ગ્રાહકો માટે તે વધુ આકર્ષક બન્યો છે, એમ રિપોર્ટ જણાવે છે.  
છેલ્લા કેટલાક મહિનાઓથી  પેટકોકની આયાતમાં ઉછાળો આવ્યો હતો. આમ છતાં 2021માં પેટકોકની કુલ આયાત 49.72 લાખ ટન હતી જે 2020ની તુલનામાં અડધા કરતા પણ ઓછી છે.  
પેટકોકનો સૌથી મોટો વપરાશકાર સિમેન્ટ ઉદ્યોગ છે, જે ઊંચા ભાવને લીધે કોલસા તરફ વળી ગયો હતો. હવે તાજેતરમાં કોલસાના ભાવ વધી જતા સિમેન્ટ ઉદ્યોગ ફરીથી પેટકોક તરફ વળી રહ્યો છે, એમ અહેવાલ જણાવે છે.  
ડિસેમ્બરમાં અમેરિકન પેટકોકની આયાતમાં 143 ટકાનો અને સાઉદી અરેબિયન પેટકોકની આયાતમાં 63 ટકાનો વધારો થયો હતો. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer