ઓર્ગેનિક ખાદ્યોની નિકાસ રૂંધાઇ જશે

ઓર્ગેનિક ખાદ્યોની નિકાસ રૂંધાઇ જશે
ગુણવત્તા નિયંત્રણ વગર
નવી દિલ્હી, તા. 14 જાન્યુ. 
દેશમાંથી નિકાસ થતા પ્રાકૃતિક ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા અને પ્રમાણિત કરવા માટે કેન્દ્ર સરકાર યોગ્ય પગલાં નહીં લે તો નિકાસમાં અવરોધ સર્જાશે, એવી ચેતવની નિષ્ણાતોએ આપી છે. યુરોપિયન યુનિયને તાજેતરમાં પ્રાકૃતિક ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરતી પાંચ સંસ્થાઓની માન્યતા રદ કરી અને ભારતમાં અનુસરાતી પ્રક્રિયાઓ વિષે ચિંતાઓ વ્યકત થઇ રહી છે તેવામાં આ ચેતવણી આવી પડી છે.  
અમેરિકાના કૃષિ વિભાગ અનુસાર ભારતમાં પ્રાકૃતિક પદાર્થો (ખાદ્ય પદાર્થો અને પીણાં, આરોગ્યપ્રદ વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો, અંગત વપરાશની વસ્તુઓ અને કાપડ )ની બજાર 2026 સુધીમાં 10.1 અબજ ડોલર થવાની ધારણા છે. 2020-21માં તે 1.04 અબજ ડોલરની હતી. પરંતુ ભારતમાં પ્રાકૃતિક ચીજવસ્તુઓની ગુણવત્તા સંબંધી સમસ્યાઓ અને છેતરાપિંડીના કિસ્સાઓમાં થયેલા વધારાને કારણે નિકાસની વિશ્વાસપાત્રતાને ઘસારો લાગ્યો છે, એમ 2021ના સપ્ટેમ્બરમાં જાહેર થયેલો રિપોર્ટ જણાવે છે.   
ભારતની અડધા કરતા વધુ પ્રાકૃતિક નિકાસ અમેરિકા જાય છે. `ગયે વર્ષે આપણે અમેરિકન ક્રુસદ્ધિ વિભાગની માન્યતા ગુમાવી દીધી. ઇથિલીન ઓકસાઇડના મુદ્દે યુરોપિયન યુનિયને ભારતની પાંચ સંસ્થાઓની માન્યતા રદ કરી. હજી કેટલીક સમસ્યાઓ છે,` એમ વિદેશ વેપાર વિશ્લેષક એસ ચંદ્રશેખરને કહ્યું હતું.  
દેશમાં મોટી સંખ્યામાં કૃષિ સ્નાતકો છે .સરકારે સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાનો ઉપયોગ કરીને સક્ષમ માણસો તૈયાર કરવા જોઈએ. લાંબે ગાળે સરકારે એક નેચરલ એન્ડ ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ પ્રમોશન બોર્ડ રચવું જોઈએ જે આવી પ્રવૃત્તિ મોટા પાયે એકાગ્રતાપૂર્વક હાથ ધરે, એમ ચંદ્રશેખરને કહ્યું હતું.      
પ્રાકૃતિકતાના પ્રમાણપત્રની સમસ્યા એવી છે કે કેટલાક અપ્રમાણિક લોકો વ્યવસ્થામાં રહેલી છટકબારીનો લાભ લે છે. આ જ કારણથી આપણી નિકાસ યુરોપિયન ધારાધરોણોને અનુરૂપ ન હતી અને યુરોપિયન યુનિયનના સત્તાવાળાઓ વારંવાર ભારતીય માલ સામે ચેતવણી આપી હતી.   
કૃષિ નિકાસનું નિયમન કરતી સંસ્થા એપેડાએ ગયા ઓક્ટોબરમાં કેટલીક સંસ્થાઓને દંડ ફટકાર્યો હતો અને તેમને નવા વેપારીઓ અને પ્રોસેસરોને પ્રમાણપત્ર આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. એક સર્ટિફિકેશન એજન્સી વનસર્ટની માન્યતા એક વર્ષ માટે નિલંબિત કરાઈ હતી. આ સંસ્થાઓએ મંજૂર કરેલાં કેટલાક શિપમેન્ટ ઇથિલીન ઓકસાઇડ સંબંધી ધોરણોનું પાલન કરવામાં નિષ્ફ્ળ નીવડ્યાં ત્યાર પછી એપેડાએ આ પગલાં લીધાં હતા.  
પ્રાકૃતિક ચીજોના વેચાણમાં સૌથી મોટો પડકાર ચીજની અસલિયતની ખાતરી આપવાનો છે. વસ્તુનું પગેરું મળવાની વ્યવસ્થા અને બ્લોકચિએન ત્રકનોલોજીના ઉપયોગ વગર ગ્રાહકનો વિશ્વાસ જીતવાનું અતિશય મુશ્કેલ બનશે. ભારતની બધી લેબોરેટરીઓ અને પ્રમાણપત્ર એજન્સીઓએને એક બ્લોકચેઈનમાં સાંકળી લેવી જોઈએ જેથી બનાવટી પ્રમાણપત્રો અને રિપોર્ટો પર અંકુશ આવી જાય, એમ એક ખાદ્યનીતિ નિષ્ણાત વીર સારડાએ કહ્યું હતું.   
વિશ્વના કુલ પ્રમાણિત પ્રાકૃતિક ખેડૂતોના 44 ટકા (23.2 લાખ) ખેડૂતો ભારતમાં છે. આમ છતાં ભારતનો કુલ પ્રમાણિત પ્રાકૃતિક ખેતી વિસ્તાર માત્ર 23 લાખ હેકટર છે, એમ અમેરિકન કૃષિ વિભાગનું કહેવું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer