રિટેલર્સ અને કરિયાણાની દુકાનો માગમાં અણધારી વૃદ્ધિને પહોંચી વળવા તૈયાર છે

રિટેલર્સ અને કરિયાણાની દુકાનો માગમાં અણધારી વૃદ્ધિને પહોંચી વળવા તૈયાર છે
ઈ-કૉમર્સ કંપનીઓએ ખરીદી વધારી
મુંબઈ, તા. 14 જાન્યુ.
દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર ફરી વળી છે ત્યારે લૉકડાઉનની સ્થિતિમાં અણધારી માગ વધે તો તેને પહોંચી વળવા માટે રિટેલર્સ અને ઘણી કરિયાણાની દુકાનો ખાદ્ય તેલ, ખાંડ અને મીઠા સહિતની આવશ્યક ચીજ-વસ્તુઓનો પુરવઠો ભરવો શરૂ કર્યો છે. બીજી બાજુ સંગઠિત રિટેલર્સ આવો ઉતાવળિયો નિર્ણય લેવા માગતા નથી. પુરવઠાની સંભવિત ખેંચને કારણે તેઓ અત્યારથી લોજિસ્ટિક્સની સમસ્યા સર્જવા નથી માગતા. 
લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું છે તેથી વધારાનો ખર્ચ ઓછો થયો હોવાથી ખાદ્ય પદાર્થ સિવાયની ચીજો વેચતા રિટેલર્સે તેમના સપ્લાયર્સ પાસેથી ખરીદી ઓછી કરી છે. જોકે, ટેલિવિઝન પેનલ્સની ઓનલાઈન માગ વધી છે.  
વસ્ત્રોના રિટેલર્સ પરિસ્થિત ઉપર નજર રાખી રહ્યાં છે. કરિયાણાની દુકાનોએ બીજા સપ્તાહે પણ વધુ માલનો સંગ્રહ કર્યો છે કારણકે તેલ, ખાંડ અને મીઠાની માગમાં વૃદ્ધિ થઈ છે.  
દેશભરમાં કરિયાણાની દુકાનોને ડિજિટલ ઉકેલ પૂરો પાડતી સ્નેપબિઝના સીઈઓ પ્રેમ કુમારે કહ્યું કે, અમારા નેટવર્કના રિટેલર્સે એક સપ્તાહથી માલનો સંગ્રહ શરૂ કરી દીધો છે, જેથી માગ વધ્યા પછી દોડાદોડી કરવી પડે નહીં. ખાદ્ય તેલની માગમાં 20-22 ટકા, મીઠા અને ખાંડની માગમાં સાત ટકાની વૃદ્ધિ થઈ છે.  
કુમારે કહ્યું કે વેપારીઓ જામેલી બ્રાન્ડ્સનું વેચાણ વધુ કરી રહ્યાં છે કારણકે તે થોડી સસ્તી હોય છે અને અનેક લોકોએ ખર્ચ ઓછો કરીને સસ્તા વિકલ્પને પસંદ કર્યા છે.  
જોકે, મોટી રિટેલ શ્રૃંખલા સ્પેન્સરના રિટેલ અને તેની સબસિડિયરી નેચર્સ બાસ્કેટની સ્થિતી જુદી છે. આ કંપનીઓએ માલનો સંગ્રહ શરૂ નથી કર્યો. તેમનું માનવું છે કે પૂરવઠા સાંકળમાં હજી કોઈ સમસ્યા જોવા મળી નથી. સ્પેન્સરના રિટેલ અને નેચર્સ બાસ્કેટના સીઈઓ દેવેન્દ્ર ચાવલાએ કહ્યું કે, એફએમસીજી કંપનીઓને લોજિસ્ટિક્સની સમસ્યા નથી અને ગ્રાહકોએ પણ ગભરાટભરી ખરીદી શરૂ કરી નથી. અગાઉની લહેરોમાં પૂરવઠાની સમસ્યા સર્જાઈ નહોતી.  
એપેરલ રિટેલમાં લાઈફસ્ટાઈલ પરિસ્થિતી ઉપર નજર રાખી રહી છે. આ રિટેલ ચેઈનના સીઈઓ દેવરંજન ઐયરે કહ્યું કે, દિલ્હી, હરિયાણા, કર્ણાટકમાં સાપ્તાહિક લોકડાઉન અને ચેન્નાઈમાં રવિવારે લૉકડાઉન હોવાથી માગ ઉપર અસર થઈ છે અને માલ ભરાવો થયો છે. આ મહિનાના અંતે નિર્ણય લેવાશે.  
વિજય સેલ્સે કહ્યું કે, તેણે ખરીદી ઘટાડી દીધી છે પણ સ્થિતી નિયંત્રણમાં છે. વિજય સેલ્સના મૅનાજિંગ ડિરેક્ટર નિલેષ ગુપ્તાએ કહ્યું કે, સંક્રમણનું પ્રમાણ ઘટે તે પછી ગ્રાહકો સ્ટોર્સમાં ખરીદી માટે પાછા ફરશે. આ વખતે બીજી લહેરની સરખામણીએ સુધારો ઝડપી છે.  
ગોદરેજ એપ્લાયન્સીસના બિઝનેસ હેટ અને એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડન્ટ કમલ નંદીએ કહ્યું કે, અૉક્ટોબરથી માગ ઘટાડા તરફી છે અને તહેવારોમાં પણ માગ ઓછી હતી. રિટેલર્સે અૉક્ટોબરથી માલ સંગ્રહ ઓછો કરી દીધો છે. જોકે, માલનો ભરાવો હજી નથી થયો.  
ઈ-કોમર્સ માટે ધંધો `જૈસે થે` સ્થિતીમાં છે. કોડાક, થોમસન, બ્લેપન્ક્ટ અને વેસ્ટિગહાઉસ જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સનું બ્રાન્ડિગ લાયસન્સ ધરાવતી સુપર પ્લાસ્ટ્રોનિક્સના સીઈઓ અવનીત સિંહ મારવાહે કહ્યું કે, દુકાનદારોએ ખરીદીમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે, પણ ઈ-કોમર્સ કંપનીઓએ તેમની ખરીદી વધારી છે. અગાઉ કંપનીનું 55-60 ટકા વેચાણ ઈ-કોમર્સ શ્રૃંખલા દ્વારા થતું હતું, જે હવે વધીને 75 ટકા થયું છે. ઈ-કોમર્સ કંપનીઓ ગણતંત્ર દિવસના સેલ પહેલા માલ ભરી રહી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer