પાંચ લાખ કરોડ ડૉલરના અર્થતંત્રનું સ્વપ્ન સિદ્ધ થશે
ભારતનો આર્થિક વિકાસ દર (જીડીપી) આ વર્ષ 2021 દરમિયાન વધીને 11.5 ટકા થશે, તેવો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)નો અંદાજ આશ્ચર્યજનક નથી, પણ સરકારના તથા રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાના અંદાજોને આપવામાં આવેલી સ્વીકૃતિની મહોર છે. કોરોનાની મહામારીએ જાગતિક અર્થતંત્રોનાં વિકાસને પાછળ પાડી દીધો ત્યારે ભારતનું એક માત્ર અર્થતંત્ર બે આંકડામાં વિકાસ કરનારું હશે, એવું આઈએમએફએ તેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અહેવાલમાં કહ્યું છે.
કોરોના મહામારી ફાટી નીકળવાના પગલે દેશમાં માર્ચના અંતે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યો ત્યારથી સમય ગુમાવ્યા વિના સરકારે એક બાજુ આ મહામારીને નિયંત્રણમાં લેવાના પગલાં લીધા અને નિયમનકારોના સહયોગમાં નીતિ વિષયક નિર્ણયો લીધા તથા વ્યાપાર-ઉદ્યોગોએ, વિજ્ઞાનીઓ, તબીબી ક્ષેત્ર, સવિશેષ તો ખેડૂતોએ આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય આપત્તિનો સામનો કરવામાં એકતા બતાવી તેનું આ સહિયારું પરિણામ છે. આ મહામારીએ ભારતને વિશ્વમાં સૌથી ઝડપી દરે વિકસતા અર્થતંત્ર તરીકેની નામના પુન: અપાવી છે. મોદી સરકારના પ્રધાનો તો કહે, હવે તો અર્થશાસ્ત્રીઓ પણ કહી રહ્યા છે કે ભારતનું પાંચ લાખ કરોડ ડૉલરનું અર્થતંત્ર બનવાની મહત્ત્વકાંક્ષા નિર્ધારિત સમયે પૂરી થશે. આઈએમએફના વડા ક્રિસ્ટલીના જ્યોર્જીયેવાએ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્યણક પગલાંની પ્રશંસા કરતા વિકાસની આ પ્રક્રિયાને જાળવી રાખવાની સલાહ સરકારને આપી છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ વર્ષ 2021-22નું બજેટ રજૂ કરે ત્યારે આર્થિક વિકાસને વધુ વેગવંત બનાવવના ક્યાં પગલાંની જાહેરાત કરશે તે જાણવું મહત્ત્વનું હશે. આ વર્ષનું ત્રીજું ત્રિમાસિક માઇનસ વિકાસ દર બતાવે તો પણ ચોથું અને છેલ્લું ત્રિમાસિક ચોક્કસ પોઝિટિવ બનશે. જોકે, અર્થતંત્ર સામેના પડકારો ઓછા થયા નથી. ઉદાર નાણાં નીતિ અપનાવવાથી ફુગાવો વધવાના જોખમ છે તો લૉકડાઉનની આર્થિક અસરમાંથી ઘણા ક્ષેત્રો હજી પૂરા બહાર આવ્યા નથી. આ વર્ષના બજેટ અંદાજો મહામારીને કારણે અસ્તવ્યસ્ત થઈ ગયા છે ત્યારે આગામી વર્ષના અંદાજો વધુ વાસ્તવિક બનાવવા પડશે.
આ મહામારીએ દેશની બે વિશેષતાને ફરીથી અંકિત કરી છે. એક, ભારતીય અર્થતંત્રનો પાયો આંતરિક માગનો હોવાથી તેને વૈશ્વિક પ્રતિકૂળતાની પ્રમાણમાં ઓછી અસર થઈ છે. બીજું,દેશ ઉપર બાહ્ય આક્રમણ આવ્યું કે કુદરતી આપત્તિ આવી ત્યારે દેશના 130 કરોડ લોકો તમામ મતભેદો ભૂલીને સંગઠિત બની શત્રુને પરાજિત કર્યો છે. આ આપત્તિમાં કોરોના શત્રુ અદૃશ્ય અને નાથવો મુશ્કેલ લાગતો હતો ત્યારે દેશના વિજ્ઞાનીઓએ તેમનું કૌવત બતાવી બે વૅક્સિનના પરીક્ષણ કરીને ઉત્પાદન શરૂ કર્યું છે. આ યજ્ઞમાં તબીબો અને કોરોના યોદ્ધાઓનો સહયોગ અદ્ભુત રહ્યો તે આર્થિક વિકાસની સિદ્ધિના પાયામાં રહેશે.
દેશની અખંડિતતા સામે ગંભીર પડકાર
ગણતંત્ર દિનની પરેડમાં કોરોના વૅક્સિનની બોટલ સહિત અનેક ક્ષેત્રે ઉપલબ્ધીઓને પ્રદર્શિત કરતા ટેબ્લો મંથર ગતિએ ચાલતા હતા તો આકાશમાં રાફેલ વિમાનો ગર્જના કરતા હતા. આવા દિવસે દેશના 72માં ગણતંત્રના પર્વની પવિત્રતાને અભડાવામાં આવી એ ઘટના સૌને માટે શરમજનક, દુ:ખદ અને બોધપાઠ લેનારી છે.
સરકારે આમાંથી ઘણા બોધપાઠ લેવાના છે: ખેડૂતો ટ્રેકટર સાથે બળપૂર્વક ઘુસી ગયા એ માત્ર કાયદો- વ્યવસ્થાની નિષ્ફ્ળતા નહીં, દેશની અખંડિતતા સામે ગંભીર પડકાર હતો. આવી અંધાધૂંધી સર્જનારા તત્વોને અને તેમની પાછળની તાકાતને વીણી વીણીને નિર્દયતાપૂર્વક નસીહત નહીં આપવામાં આવે તો આવનારા દિવસોમાં તેઓ આનાથીય ગંભીર સ્થિતિ સર્જાશે. હજારોની સંખ્યામાં ટ્રેકટરોને લાવવામાં આવ્યા પછી તેમને શરતો સાથે રૅલી કાઢવાની મંજૂરી પ્રશાસને આપી ત્યારે તેમાંથી તોફાનો થશે એ શક્યતાને પોલીસ અને ખેડૂત સંગઠનોના નેતાઓ બંનેને,વધુ તો પોલીસને, સમજાવી જોઈતી હતી. ખેડૂત નેતાઓને જો એવું લાગતું હતું કે આંદોલનનો દોર તેમના હેતુને બદનામ કરનારા તત્વોના હાથમાં જતો રહ્યો છે તો તેમણે આંદોલનને મોકૂફ રાખ્યું હોત અથવા સમેટી લીધું હોત તો તેમની નિષ્ઠા દેખાઈ હોત. આંદોલનકારીઓ લાલ કિલ્લા પર ચડી ગયા અને ફરજ પરસ્ત પોલીસ કર્મીઓના જાન લેવાની કોશિશ કરી તેને હળવાશથી લઇ શકાય નહીં. આમાં ગુપ્તચર તંત્રની સરિયામ નિષ્ફ્ળતા સામે આવી છે. તોફાનો વધવા લાગ્યા ત્યાં સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવાનું વહીવટીતંત્રને સૂઝ્યું નહીં, તે દુ:ખદ છે. મુંબઈમાં 2/11ની ઘટના વેળા ઈન્ટરનેટ સેવા ચાલુ હોવાથી આતંકીઓના હત્યાકાંડનું જીવંત પ્રસારણ કરવામાં આવતું હતું, તે ઘટના શું ભૂલી જવાઈ છે?
આ ઘટનાને ખેડૂત સંગઠનોએ વખોડતા તેની જવાબદારી લેવામાંથી હાથ ઊંચા કરી લીધા છે. તેઓ કહે છે કે, અમારામાંથી કોઈએ આ તોફાન કર્યા નથી. તેઓ આવું વિશ્વાસથી કહેતા હોય તો ઉપદ્રવીઓ વિશેની પોલીસને નહીં આપે ત્યાં સુધી તેમની નિર્દોષતા સાબિત નહીં થાય.
આ સમસ્યાને હલ કરવામાં સરકારે વધુ પડતી ઉદારતા બતાવી તેનું પણ આ પરિણામ છે. બે મહિના થવા આવ્યા આ આંદોલનને, તેથી દેશના ખેડૂતો જગબત્રીસીએ ચડ્યા છે અને દેશ તથા સરકાર વિરોધી તત્વોને મોકળું મેદાન મળ્યું છે.
© 2021 Saurashtra Trust
Developed & Maintain by Webpioneer