પસંદગીના શૅર્સમાં ખરીદી નીકળતાં નિફ્ટી 10000ના સ્તરને પાર

મિડ કેપ, સ્મોલ કેપ શૅર્સમાં તેજીનો માહોલ
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 10 અૉક્ટો.
સ્થાનિક શૅરબજારમાં આજે સુધારાનું વલણ ચાલુ રહ્યું હતું. જીએસટી દર 27 આઇટમમાં ઘટાડવાને પગલે અને સ્થાનિકમાં મ્યુચ્યુઅલ ફંડોની જંગી રોકડની સ્થિતિને લીધે ચુનંદા સ્ટોકમાં નીચા મથાળે લેવાલી ચાલુ રહી હતી. જેથી આજે બજારની શરૂઆતથી એનએસઈ ખાતે નિફ્ટી સતત 10000ની સપાટી ઉપર ફરતો રહ્યો હતો. જે વધીને 10034 સુધી ગયો હતો. ટ્રેડના મધ્ય ભાગે દૈનિક સટ્ટાકીય લેણ-વેચાણ થકી સાંકડી વધઘટ બાદ નિફટી ગઈકાલના બંધથી 31 પોઇન્ટ સુધરીને 10019.85ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે બીએસઈ ખાતે સેન્સેક્ષ 77 પોઇન્ટ વધીને 31,924.41ના સ્તરે બંધ હતો.
આજના સુધારાની આગેવાની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ફાર્મા કંપનીઓએ લીધી હતી. યુએસએફડીએ દ્વારા બાયોકોન પ્લાન્ટને મંજૂરી આપવાથી દવા ઉદ્યોગનું મોરલ વધ્યું છે. લુપિને નવી દવા બજારમાં મૂકતાં શૅરનો ભાવ રૂા. 21 સુધરીને 1060, બાયોકોન પણ રૂા. 20 વધ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 12 વધીને રૂા. 843 રહ્યો હતો. ઇસ્ટ ઇન્ડિયા સિક્યુરિટીઝના ઉપપ્રમુખ સેગરાજ બારિયાએ જણાવ્યું હતું કે રોકાણકારો સપ્ટેમ્બર '17નાં કંપની પરિણામો જોયાં પછી નવી ખરીદી કરશે એમ જણાય છે.
ઇન્ફોસીસમાં શૅરની બાયબેક તારીખ જાહેર થવાથી શૅર રૂા. 12 વધીને રૂા. 935 અને કોલ ઇન્ડિયા રૂા. 4 સુધારે રૂા. 285 બંધ રહ્યો હતો. બીએસઈમાં આજે દિવસના ટ્રેડ અંતે 1590 શૅરના ભાવ વધ્યા હતા. જ્યારે 1129 શૅર ઘટાડે હતા. એનએસઈમાં મિડ કેપ ઇન્ડેક્સ 154 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 63 પોઇન્ટ વધ્યો હતો. જ્યારે બૅન્કકેસ 95 પોઇન્ટ ઊંચો મુકાયો હતો. જેની સામે ઘટનારા અગ્રણી શૅરોમાં નફાતારવણીથી સનફાર્મા રૂા. 3 ઘટીને રૂા. 527, ટિસ્કો રૂા. 6.50 ઘટાડે રૂા. 690 અને એચયુએલ રૂા. 10 ઘટાડે રૂા. 1210 અને આઈટીસી રૂા. બે ઘટીને રૂા. 266 બંધ હતો. જાણકારોના અનુમાન પ્રમાણે ફન્ડસ દ્વારા મેટલ અને અૉટો સેક્ટર્સના શૅર્સમાં નીચા મથાળે ખરીદી વધશે. કેમિકલ કંપની યુપીએલ 3.4 ટકા અને જીએચસીએલ 8.3 ટકા વધ્યો હતો. ચીનથી રસાયણની આયાત ઓછી થવાથી સ્થાનિક ઉદ્યોગને લાભ થવાની શક્યતાએ આ ક્ષેત્રમાં ચમકારો આવ્યો છે. જોકે, આજે વેદાન્ત અને તાતા સ્ટીલ 0.9 ટકા અને આઇશર મોટર્સ 1 ટકા ઘટયા હતા જ્યારે તાતા કન્સલ્ટન્સી 0.2 ટકા જ્યારે ઇન્ડસઇન્ડ બૅન્ક 1.5 ટકા સુધર્યા હતા.
વૈશ્વિક બજારોમાં સાવધાનીના સૂર વચ્ચે સ્થાનિકમાં નિફ્ટી ટૂંકાગાળા માટે રેન્જબાઉન્ડ રહેવાની સંભાવના છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer