કાપડ ઉદ્યોગના વેપારીઓ કાળી દિવાળી મનાવવા અડગ

જીએસટીમાં થોકબંધ રાહત પછી પણ
સુરત, તા. 10 અૉક્ટો.
જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણાપ્રધાને કરેલી થોકબંધ જાહેરાતોમાં કાપડ ઉદ્યોગ માટે કોઈ મોટી રાહત નથી. સુરતનાં કાપડ ઉદ્યોગની મહત્ત્વની એકપણ માગણીનો સ્વીકાર કરવામાં આવ્યો નથી એવી પ્રતિક્રિયા કાપડ બજારના અગ્રણીઓએ વ્યક્ત કરી હતી. સુરતના કાપડ ઉદ્યોગકારો સરકારની નીતિઓથી ખાસ્સા નિરાશ અને નારાજ થયા છે. વેપારીઓ પણ કાળી દિવાળી ઉવજવવા અડગ છે.
 જીએસટી કાઉન્સિલની બેઠકમાં જરીના જોબવર્ક પરની 18 ટકા ડયૂટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી છે જે જરી ઉદ્યોગને આવકાર્ય છે. તો બીજી તરફ મેન-મેઈડ ફાઈબર પરની ડયૂટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવી છે જેની માગ પાંચ ટકા હતી. વિવર્સ આલમ નાણાપ્રધાનની આ જાહેરાતથી ખુશ નથી. જ્યારે સુરતના કાપડના વેપારીઓએ રિર્ટન ભરવાની ટર્નઓવરની મર્યાદાની માગ રૂા. પ કરોડ કરી હતી જે સરકારે દોઢ કરોડ સુધી કરી છે. ઉપરાંત રિવર્સ મિકેનિઝમ ચાર્જ (આરએમસી)ને હટાવવાને બદલે માર્ચ 2018 સુધી લઈ જવાની જોગવાઈ કરવામાં આવી છે. 
દક્ષિણ ગુજરાત ટેક્સ્ટાઈલ પ્રોસેસર્સ ઍસોસિયેશનના પ્રમુખ જિતેન્દ્રભાઈ વખારિયા કહે છે કે, સરકાર જે પ્રમાણે કોટનને પ્રોત્સાહન આપે છે તે પ્રમાણે ગરીબોનું કાપડ એવા પોલિસ્ટરને પ્રોત્સાહન આપતી નથી. સરકારની બેવડી રણનીતિનાં કારણે અત્યારે સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો પહોંચ્યો છે. મેન મેઈડ ફાઈબર ઉપરની ડયૂટી ઘટાડીને પાંચ ટકા કરવાની માગ અમારી હતી. જેને સરકારે 12 ટકા કરી છે. કાપડ ઉદ્યોગનો નિરાશાનો માહોલ સરકારના આ પ્રકારના વ્યવહાર અને નીતિથી દૂર થશે નહિ. 
ફોસ્ટા (ફેડરેશન અૉફ સુરત ટેક્સ્ટાઈલ ટ્રેડર્સ ઍસોસિયેશન)ના પ્રમુખ મનોજ અગ્રવાલ કહે છે કે, કાપડના વેપારીઓ માટે કોઈ હકારાત્મક જાહેરાત ગઈકાલની બેઠકમાં કરવામાં આવી નથી. અમે સરકાર પાસે સરળીકરણની માગ કરી હતી. આ માટેના એક પણ પગલાં લેવાયાં નથી. સુરતમાં 90 ટકા કાપડના વેપારીઓનું ટર્નઓવર દોઢ કરોડથી વધારે છે તેમાં આરએમસીની મર્યાદા વધારવાનો લાભ કોઈ પણ વેપારી લઈ શકે તેમ નથી. આરએમસીને લઈને સરકારની બેવડી નીતિ છતી થાય છે. 
આ વખતે સુરતના કાપડના વેપારીઓએ પહેલી વખત દિવાળીમાં માર્કેટોમાં રોશની નહિ કરવાનો નિર્ણય કર્યો છે જેને ફોસ્ટાની આગામી બેઠકમાં બહાલી આપવામાં આવશે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer