ડેવલપરનું દેવાળું થાય તો પણ ફ્લૅટ બુક કરનાર ગ્રાહકોને રક્ષણ મળશે

નવી દિલ્હી, તા. 10 અૉક્ટો.
 ધી ઇન્સોલ્વન્સી ઍન્ડ બેક્રપ્સી બોર્ડ અૉફ ઇન્ડિયા (આઈબીબીઆઈ)એ તેના કાયદામાં કેટલાક મહત્ત્વના સુધારા કર્યા છે જેનો ઉદ્દેશ ગ્રાહકો ખાસ કરી ફ્લેટ ખરીદદારોને વધુ અધિકારો આપવાનો એટલે કે જેપી ઇન્ફ્રાટેક જેવા રિયલ એસ્ટેટ ક્ષેત્રના માંધાતાઓ સામે તેમના હિતોનું રક્ષણ કરવાનો છે.
સુધારેલા કાયદાને ગત સપ્તાહે રેગ્યુલેટરી ફૉર ઇન્સોલ્વન્સી ઍન્ડ બેક્રપ્સી પ્રોસિડિંગ્સ દ્વારા નોટિફાય કરવામાં આવ્યો હોઈ તેના દ્વારા એવું સુનિશ્ચિત કરવામાં આવશે કે બૅન્કો તેમ જ અન્ય ક્રૅડિટર્સ તેના કારણે જેમના હિતોને અસર થાય છે તેમનું રક્ષણ કરી પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા ન કરી લે.
બૅન્કો એવા ક્રૅડિટર્સની કમિટીનો હિસ્સો છે, જે કોઈ પણ કંપનીને બેક્રપ્સી માટે દાખલ કરાયા બાદ નિર્ણય લેનારો મુખ્ય સમૂહ બને છે.
કાયદામાં કરાયેલાં આ સુધારાએ છીદ્ર પૂરી દીધું છે કેમ કે ફ્લેટ ખરીદદારો એવો મત ધરાવે છે કે તેમના હિતોનું રક્ષણ કરવા કંઈ જ કરાયું નથી, એમ બેક્રપ્સી કેસોને લગતા એક નિષ્ણાત વકીલે જણાવ્યું હતું.
કંપની બાબતોના મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જેપી ઇન્ફ્રાટેકના કેસને કારણે મંત્રાલયમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. કંપનીએ બેક્રપ્સી પ્રોસેસમાં જવા બાદ ફ્લૅટ ખરીદદારો પાસે પોતાનો દાવો કરવા માટેનો કોઈ ઉપાય ન હતો.
દરમિયાન ગયા વર્ષે ઘડવામાં આવેલા નવા કાયદાનો ઉદ્દેશ ઇન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોફેશનલ્સની નિમણૂક દ્વારા રેઝોલ્યુશન પ્રક્રિયા ઝડપી બનાવવાનો છે. આ પ્રોફેશનલ્સ કંપનીની કામગીરીનો ચાર્જ લઈ તેમનો પ્લાન તૈયાર કરશે.
આ કાયદા હેઠળ ક્રૅડિટર્સની કમિટી સંમત થાય તો એક ઇન્ફર્મેશન મેમોરેન્ડમ તૈયાર કર્યા બાદ અન્ય રસ ધરાવતી કંપનીઓ પાસેથી ઉક્ત કંપનીને હસ્તગત કરવા માટે અરજીઓ મગાવશે.
ઇન્સોલ્વન્સી નિષ્ણાતોએ કહ્યું હતું કે આ પ્લાન માટેનો કાયદો કૉર્પોરેટ ડેબ્ટર (કંપની) અને તેના કર્મચારી, સભ્યો, ક્રૅડિટર્સ, ગેરંટર્સ તેમ જ રેઝોલ્યુશન પ્લાનમાં સામેલ અન્ય સ્ટેકહોલ્ડર્સ પર બંધનકર્તા થશે.
સુધારેલા કાયદાને આધારીત નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ તેને મળેલી બીડ મુજબ ફાઈનલ રેઝોલ્યુશન પ્લાન નક્કી કરશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer