સેબી સહારા ગ્રુપ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં

નવી દિલ્હી, તા.10 અૉક્ટો.
એમ્બી વેલીના લિલામમાં અવરોધ સર્જવાનો આક્ષેપ કરી સેબીએ સહારા ગ્રુપ વિરુદ્ધ અદાલતના તિરસ્કારની અરજી સુપ્રીમ કોર્ટમાં નોંધાવી છે.
જસ્ટિસ ગોગોઇના નેતૃત્વ હેઠળની બેંચે જણાવ્યું હતું કે પોતે આ કેસ ચીફ જસ્ટિસ મિશ્રાને સુપરત કરશે કે જેમના નેતૃત્વ હેઠળની બેંચ સેબી - સહારા કેસની સુનાવણી હાથ ધરી રહી છે. કેસની સુનાવણી હાથ ધરાશે ત્યારે બેંચ અંગે નિર્ણય લેશે.
સેબીને રૂા.360 અબજ ચૂકવવા સહારા ગ્રુપે આપેલી ખાતરીમાં અસહ્ય વિલંબને પરિણામે સુપ્રીમ કોર્ટે આ વર્ષની શરૂઆતમાં બોમ્બે હાઇ કોર્ટના સત્તાવાર લિક્વીડેટરને સહારાની પુણે નજીકની મિલકત  વેચી દેવાનો આદેશ આપ્યો હતો.
સત્તાવાર લિકવીડેટરે આ મિલકતની કિંમત રૂા.370 અબજ અંદાજી હતી પરંતુ કંપનીએ આ મૂલ્યાંકનને પડકાર્યું હતું  અને જણાવ્યું હતું કે મિલકતની આંકવામાં આવેલી કિંમત કરતાં બજાર કિંમત બમણી છે.
સેબીએ દાવો કર્યો હતો કે પોતાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને સહારા ગ્રુપે તેના ગ્રાહકો પાસેથી રૂા.240 અબજની રકમ એકત્રિત કરી હતી.
વારંવાર સમન્સ મોકલાયા છતાં કોર્ટ સમક્ષ હાજર ન થવાને પરિણામે  સહારા ગ્રુપના વડા સુબ્રતો રોયને 2014ના માર્ચમાં કોર્ટે જેલમાં મોકલ્યા હતા.
લંડન અને ન્યૂ યોર્કમાં હોટેલો સહિત પોતાની ઘણી મિલકત વેચીને કંપનીએ રૂા.150 અબજની રકમ ચૂકવી દીધી છે, એવો દાવો કંપનીએ કર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer