પેટ્રોલ-ડીઝલના વેટમાં 4 ટકાનો ઘટાડો

ગુજરાત-મહારાષ્ટ્રની જનતાને દિવાળીની ભેટ
અમારા પ્રતિનિધિ તરફથી,
અમદાવાદ/મુંબઈ,
 તા.10 ઓક્ટો.
પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની બૂમાબૂમ વચ્ચે ગુજરાતમાં ચૂંટણીના પડઘમ પણ હવે વાગી ગયા હોવાથી સરકારે પ્રજાને દિવાળીની ભેટરૂપે વેટમાં 4 ટકાનો ઘટાડો જાહેર કર્યો છે. વેટમાં અપેક્ષા કરતાં મોટો ઘટાડો કરવાને લીધે પેટ્રોલ અને ડીઝલમાં લગભગ ત્રણ રૂપિયા જેટલો ફાયદો થશે.
દરમિયાન મહારાષ્ટ્રમાં વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં ચાર ટકાનો ઘટાડો કરવામાં આવતા મંગળવાર રાતથી પેટ્રોલ અને ડીઝલ સસ્તાં થશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. 
પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂા.2.33 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂા.1.25નો ઘટાડો થશે, જોકે રાજ્ય સરકારે વિવિધ સેસમાં ઘટાડો કર્યો નથી, એમ ઓલ ઈન્ડિયા પેટ્રોલ ડીલર્સ ઍસોસિયેશનના પ્રવક્તા અલી દારૂવાલાએ જણાવ્યું હતું. 
નાણા પ્રધાન અરુણ જેટલીએ દરેક રાજ્ય સરકાર સાથે રાજ્ય સ્તરે પેટ્રોલ-ડીઝલ પર કર ઓછા કરવાની ભલામણ કરતા આ પગલું ભરવામાં આવ્યું હતું. 
અત્યાર સુધી ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર 24 ટકા વેટ લાગતો હતો. તે હવે 4 ટકા ઘટાડવામાં આવતા 20 ટકા વેટ થયો છે. જોકે તેના પર કેન્દ્ર સરકારની ચાર ટકા સેસ હજુ યથાવત રહેવા પામી છે.
મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલે ગાંધીનગરમાં વેટ ઘટાડાની  જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પેટ્રોલના પ્રતિ લિટર ભાવમાં રૂા. 2.93 પૈસા અને ડીઝલના પ્રતિ લિટર ભાવમાં રૂા.2.72 પૈસાનો ઘટાડો થશે. હવેથી પેટ્રોલ પ્રતિ લિટર રૂા.67.53 પૈસા અને ડીઝલ પ્રતિ લિટર રૂા.60.77 પૈસાના ભાવે મળશે. બુધવારે સવારે છ વાગ્યે નવો ભાવ અમલી બનશે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer