વૈશ્વિક સોનું બે અઠવાડિયાંની ઊંચાઇ ઉપર

વૈશ્વિક સોનું બે અઠવાડિયાંની ઊંચાઇ ઉપર
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ.તા. 10 ઓક્ટો.
બુલિયન બજારના પ્રવાહો બે દિવસથી પલટાયા છે. ગયા અઠવાડિયામાં ભારે મંદી થયા પછી ડૉલરમાં આવેલા કડાકા અને ભૂરાજકીય કટોકટીની અસરથી તેજી છે. સોનું મંગળવારે 1291 ડૉલરની બે અઠવાડિયાની ઉંચી સપાટીએ પહોંચ્યું હતું. સ્પેન અને ઉત્તર કોરિયાના તણાવથી સોનાને ટેકો મળ્યો છે. જોકે અમેરિકા વ્યાજદરમાં વધારો કરશે એવા ભયને લીધે સોનાનો સુધારો મર્યાદિત બની રહ્યો છે.
પ્યોન્ગયેંન્ગ હજુ પણ મિસાઇલ હુમલા કરવા માટે હાકલા પડકારા કરી રહ્યા છે તેના તરફે ચીન અને રશિયા આકરું વલણ અખત્યાર કરી રહ્યા છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વળતા હુમલાની વાત ગઇકાલે ટ્વીટ કરીને ઉચ્ચારી હતી એટલે રોકાણકારોમાં ચિંતાનું વાતાવરણ છે. આ તરફ સ્પેનના લીડર કાર્લ્સપ્યુગડેમોને બાર્સિલોનાની સંસદમાં પોતાને એકતરફી સ્વતંત્રતા મળે તે માટે લખીને જણાવ્યું છે. એ માટે વોટ પણ લેવામાં આવે તેમ કહ્યું છે. સ્પેન સ્વતંત્ર થવા ઇચ્છે છે એટલે ત્યાં રાજકીય અસ્થિરતા સર્જાવાનો ભય દેખાય છે. 
ડૉલર ઇન્ડેક્સમાં ઉંચા મથાળેથી નફારુપી વેચવાલી હતી. જોકે ડૉલર ઇન્ડેક્સમાં અફડાતફડી ચાલુ રહેવાની સંભાવના અમેરિકાના વ્યાજદરને લીધે છે. ફેડ ડિસેમ્બરમાં વ્યાજદર વધારો કરવા મક્કમ દેખાય છે.
રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામદીઠ રૂા. 30,650ની સપાટીએ જળવાયેલું રહ્યું હતુ. મુંબઇમાં સોનાનો ભાવ રૂા. 100ના સુધારા સાથે રૂા. 29,910 હતો. ચાંદી ન્યૂ યોર્કમાં 17.16 ડૉલરની સપાટીએ હતી. સ્થાનિક બજારમા રૂા. 150 વધતા કિલોએ રૂા. 40,300 અને મુંબઇમાં રૂા. 285ના ઉછાળા સાથે રૂા. 39,805 હતા.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer