લાખો કરદાતા જુલાઈનું જીએસટીઆર-1 ભરી શકયા નહીં

લાખો કરદાતા જુલાઈનું જીએસટીઆર-1 ભરી શકયા નહીં
વેપારીઓને જીએસટીઆર-3 ફાઇલ કરવામાં હજી મુશ્કેલી
કોજેન્સીસ
નવી દિલ્હી, તા. 10 અૉક્ટો.
જુલાઈ માસ માટે જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ) રિટર્ન-1 લગભગ 40 લાખ દરદાતાઓએ નોંધાવ્યા છે. જોકે, કુલ 65 લાખ રજિસ્ટર્ડ કરદાતામાંથી 40 લાખ કરદાતાઓએ જીએસટી-આર વન ફાઇલ કરતાં 25 લાખ જેટલા રજિસ્ટર્ડ કરદાતાઓ જુલાઈના રિટર્ન ભરવાની આજની છેલ્લી તારીખે રિટર્ન ભરી શકયા નહોતા. સરકારે શેષ કરદાતા કયા કારણોસર રિટર્ન ભરી શકયા નથી તેની તપાસ કરવાનો આદેશ ઇન્કમ ટૅક્સ વિભાગના અધિકારીઓને આપ્યો છે. સરકારના એક ટોચના અધિકારીના જણાવ્યા મુજબ કુલ 65 લાખ કરદાતા જીએસટીઆર-વન ભરવા માટે પાત્ર છે તેમાંથી રિટર્ન ફાઇલ કરવાના આજે અંતિમ દિવસે સવાર સુધીમાં આશરે 40 લાખ કરદાતાઓએ જુલાઈ મહિના માટે જીએસટીઆર-વન ફાઇલ કર્યા છે.સરકારે આ સંદર્ભે સ્પષ્ટ કર્યું છે કે જુલાઈ મહિના માટે જીએસટીઆર-વન ફાઇલિંગ માટે હવે કરદાતાઓને કોઈ મુદત વધારો આપવામાં નહીં આવે.
જે કરદાતા જીએસટીઆર-વન જુલાઈ માટે ભરવામાં નિષ્ફળ જશે તો તેમની પાસેથી માલ ખરીદનાર ગ્રાહકોને ઇનપુટ ટૅક્સ ક્રેડિટ ચૂકવેલા ટૅક્સ સામે મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
આ જ પ્રમાણે જુલાઈ અને અૉગસ્ટ મહિના માટે પણ જીએસટીઆર-3બી ફાઇલ કરવામાં 11.50 લાખ પાત્ર કરદાતાઓ નિષ્ફળ ગયા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.
જુલાઈ મહિના માટે 65 લાખ માત્ર કરદાતાઓમાંથી જીએસટીઆર-3બી રિટર્ન ફાઇલ કરવામાં 53.5 લાખ અને અૉગસ્ટ માટે 46.5 લાખ કરદાતાઓ સફળ થયા છે. આમ, જીએસટીઆર 3બી ફાઇલ કરવામાં જુલાઈમાં 11.5 લાખ અને અૉગસ્ટમાં 18.5 લાખ રજિસ્ટર્ડ કરદાતા નિષ્ફળ ગયા હોવાનું બહાર આવ્યું છે.
આટલી મોટી સંખ્યામાં રજિસ્ટર્ડ કરદાતાઓ રિટર્ન કયા કારણોસર ભરી શકયા નહીં  તેની તપાસ કરવાની જવાબદારી સરકારે આઈટી વિભાગના અધિકારીઓને સોંપી છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer