ઝવેરીઓને ધનતેરસ ફળી, સોનાની માગમાં વૃદ્ધિ

ઝવેરીઓને ધનતેરસ ફળી, સોનાની માગમાં વૃદ્ધિ
લાંબા સમય બાદ ઘરાકી નીકળી : ગુજરાતમાં રૂા.100 કરોડનું વેચાણ
વ્યાપાર ટીમ
મુંબઈ, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, તા. 17 અૉક્ટો.
ધનતેરસ એટલે જાણે વણજોયા મુહૂર્તમાં સોનાની ખરીદી કરવાનો સુવર્ણ અવસર. દર વર્ષે દિવાળીએ ધનતેરસની માગ સોની બજારના વેપારીઓને રાહત આપનારી નીવડે છે. નોરતાની ઘરાકી નિષ્ફળ ગયા પછી ગયા સપ્તાહે પુષ્ય નક્ષત્રની માગમાં પણ ઉત્સાહ ન હતો. જોકે, ધનતેરસે ઝવેરીઓના ચહેરા પર લાલી પ્રસરાવી દીધી હતી. મુંબઈ, રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા સહિતનાં તમામ શહેરોના ઝવેરીઓને ત્યાં સવારથી સોનું અને ચાંદી ખરીદવા પડાપડી હતી.
ગુજરાતમાં 90થી 100 કરોડનાં સોના-ચાંદી અને ડાયમંડનાં ઝવેરાત વેચાયાં હોવાની ધારણા રખાતી હતી. રાજકોટ ઝવેરીઓએ કહ્યું હતુ કે, શહેરમાં આશરે 14થી 18 કિલો સોનાનું વેચાણ થયું હતું. અમદાવાદમાં અંદાજે 35થી 40 કરોડના અલંકારો વેચાયા હતા.
રાજકોટના જાણીતા જ્વેલર્સ ઝવેરી ભાનુભાઈ ઍન્ડ સન્સવાળા ચંદ્રકાંતભાઈ ફિચડિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે નોટબંધી, કેવાયસી અને જીએસટીને કારણે પુષ્ય નક્ષત્ર અને તે પહેલાં દશેરા ઉપર સોનાના દાગીના અને લગડીનાં વેચાણમાં સાવ મંદી પછી હવે કેવાયસી નીકળી જતાં અને ગ્રાહકોના સેન્ટિમેન્ટમાં વધારો થતાં બજારમાં સોનાના દાગીનાનું આજે ધનતેરસના રોજ સારું વેચાણ થયું હતું જ્યારે મધુરમ જ્વેલર્સવાળા મનોજભાઈ આદેશરાએ જણાવ્યું હતું કે આજની ધનતેરસની સોનાની ખરીદી સારી રહી હતી.
ગોલ્ડ ડીલર્સ ઍસોસિયેશનના ચૅરમૅન શિલ્પા લાઇફસ્ટાઇલવાળા પ્રભુદાસ પારેખે જણાવ્યું હતું કે આજે બજારમાં ઘરાકી ઘણી સારી છે જ્યારે ઍસોસિયેશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ જણાવ્યું હતું કે ધનતેરસની માગ ઘણી સારી છે. રાધિકા જ્વેલર્સવાળા અશોકભાઈ ઝંઝુવડિયાએ કહ્યું હતું કે આ વખતે ધનતેરસનાં કામકાજ સારાં થયાં છે.
જ્યારે ઝવેરીભાઈ માંડલિયાએ જણાવ્યું હતું કે આ ધનતેરસ સારી ગઈ છે અને બજારમાં સારી એવી રોનક જોવા મળી હતી. લગડીમાં પણ સારાં કામકાજ હતાં. મનસુખભાઈ હકમીચંદે કહ્યું હતું કે ધનતેરસ સારી ગઈ છે અને લોકે શુકનવંતી ખરીદી કરવા ઊમટી પડયા હતા. ભુજના પી.જી. જ્વેલર્સવાળા જગદીશભાઈ ઝવેરીએ કહ્યું હતું કે આ વખતે દશેરા અને પુષ્ય નક્ષત્રમાં સોનાના વેપાર સાવ ઠંડા રહ્યા બાદ સરકારે કેવાયસી કાઢી નાખતા 50 હજાર સુધીની  ખરીદી કરનારાઓ ઊમટી પડયા હતા. એના કરતાં મોટી વાત એ હતી કે વેપારીઓના સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો.
ભાવનગરના સનતભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે જીએસટી અને પાન કાર્ડે સોનાના વ્યવસાયને સાવ બેસાડી દીધો હતો તે કેવાયસીની જરૂરત નીકળી જતાં આ ધનતેરસે સારાં કામકાજ થયાં હતાં. વડોદરાના વ્રજ જ્વેલર્સવાળા મનોજભાઈ ચોકસીએ કહ્યું હતું કે આજે ધનતેરસે લોકો સોનાના દાગીના ખરીદવા ઠીક ઠીક સંખ્યામાં બહાર આવ્યા હતા અને વીંટી, બુટી, ચેન અને હળવા વજનના હાફ સેટની ઘરાકી નીકળી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer