જીએસટી પોર્ટલની ખામી દૂર કરવા સુરતના વેપારીઓની માગ

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 10 નવે.
છેલ્લાં ઘણા સમયથી ઉદ્યોગજગત તથા વેપારીઆલમમાં શાસક પક્ષ અને વડા પ્રધાન મોદીના નિર્ણયને લઈને આકરી આલોચના થઈ રહી છે. વેપારીઓ અને ઉદ્યોગકારો નોટબંધીને ભૂલી ગયા છે પણ જીએસટીની આકરી જોગવાઇઓના વિરોધમાં છે. જો સરકાર જીએસટી દર તથા ખામીઓ નિવારશે તો વેપારીઓની માગણીનો ઉકેલ આવી જાય તેમ છે, એમ સ્થાનિક વેપારી વર્ગનું માનવું છે.
વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઇ ગઇ છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ વિરોધ પક્ષ કૉંગ્રેસ કેન્દ્રના જીએસટી અને નોટબંધીના નિર્ણયો ખોટા હોવાનું લોકોને ગાઇ-વગાડીને કરી રહ્યા છે. જોકે, આ બધા વચ્ચે ઉદ્યોગજગત અને વેપારીઓનું મન પારખવાનો અમે પ્રયાસ કર્યો હતો. એમાં જીએસટીનાં અમલીકરણની ખામીઓને દૂર કરવામાં સરકાર સક્ષમ બને તો મોટા ભાગનો ઉકેલ આવી જાય તેમ હોવાનું બહાર આવ્યું છે. સરકારનો જીએસટીનો નિર્ણય આવકાર્ય છે પરંતુ તેનાં અમલીકરણ અને કરમાળખામાં જે મોટાં છીંડાઓ છે તે આંખે ઊડીને વળગે છે તેવી વેપારીઓની ફરિયાદ છે.
આ બાબતે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ(જીજેઈપીસી)નાં ગુજરાત રિજનના ચેરમેન દિનેશભાઈ નાવડિયા સાથે વાત થતાં તેમણે ટાંક્યું હતું કે, જીએસટી ખરેખર સારો કાયદો છે. હીરાઉદ્યોગને તેનાથી ફાયદો જ થયો છે. ઊલટુ જે લોકો વગર ચોપડે માત્ર ચિઠ્ઠી પર વ્યવહાર કરતાં હતાં તેને જીએસટી આવવાથી ફાયદો જ થયો છે. આ બાબત અમે અનેક વખત ઉદ્યોગના સેમિનાર અને સંમેલનોમાં ઉદ્યોગકારો અને ટ્રેડર્સનાં મુખે સાંભળી છે. જીએસટી પોર્ટલની ખામીઓ સરકાર દૂર કરે તેમ જ કરમાળખાને એક જ ટેક્સનાં દાયરામાં લાવે તેવી જરૂરિયાત છે. 28 ટકાના ટેક્સનાં માળખામાં આવતાં અનેક ઉત્પાદનો 18 ટકા કે પાંચ ટકાનાં સ્લેબમાં આવવાં જરૂરી છે. કેન્દ્રના નોટબંધી અને જીએસટીનો નિર્ણયથી અર્થતંત્રને જે નુકસાન પહોંચ્યું છે એકમાત્ર સરકાર જ જવાબદાર નથી. નોટબંધીનો નિર્ણય પણ સારો હતો. બૅન્કોના અધિકારીઓ અને કર્મચારીઓની વૃત્તિ-વર્તનને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો લોકોએ કરવો પડયો હતો. જીએસટી પોર્ટલમાં જે ક્ષતિઓ છે તેમાં કંપનીની ભૂલ જવાબદાર છે. સરકાર કંપની સામે પગલાં લે અને પોર્ટલને ઝડપથી કાર્યરત કરે.
સુરતના ડાયમંડ ટ્રેડર મૂળ માંડવીના નિલેશભાઈ ભીખડીયા કહે છે કે, જીએસટી આવવાથી હીરાઉદ્યોગને કોઈ મોટું નુકસાન પહોંચ્યું નથી. ઊલટુ કાયદેસર ધંધો કરવાની રીત અમલી બનતાં તેનો લાંબા ગાળે ફાયદો દેશનાં અર્થતંત્રને થશે તેમાં કોઈ બેમત નથી. કારીગર વર્ગને જીએસટીના કાયદાથી કોઈ નુકસાન પહોંચ્યું નથી. વેપારી-ટ્રેડર્સને જે મુશ્કેલી છે તેને દૂર કરવા સરકારે કમર કસવી જોઈએ. અમારા મતે હાલમાં તો ચૂંટણીને કારણે વિરોધને વધુ હવા આપવામાં આવી રહી છે. રાધેક્રિષ્ન ડાયમંડના ઠાકરશીભાઈ તેજાણી પણ વાતમાં સૂર પુરાવતાં કહે છે કે, અમારા મતે અત્યારે ગુજરાતમાં બે મોટાઉદ્યોગને ટાર્ગેટ બનાવીને શાસક અને વિરોધ પક્ષ પ્રચાર ઝુંબેશ કરી રહ્યા છે તેને ધ્યાને લેવા કરતાં લોકોએ પોતાના મનથી લાંબાગાળાનો વિચાર કરવો જરૂરી છે. જીએસટીનો નિર્ણય દેશનાં અર્થતંત્રને લાંબાગાળે ફાયદો કરાશે. આ પહેલાં 1990ની ઉદારીકરણની નીતિ વખતે પણ વિરોધ થયો હતો. પરંતુ હાલમાં આપણને જે પણ સારાં પરિણામો મળ્યાં છે તે અગાઉની સરકારની સફળ નીતિનાં કારણે મળ્યા છે જે ભૂલવું જોઈએ નહિ.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer