સૌરાષ્ટ્રમાં કપાસ-મગફળીની ચિક્કાર આવકોએ ભાવમાં ગાબડું

અમારા પ્રતિનિધી તરફથી
 રાજકોટ, તા. 10 નવે.
સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસની ચિક્કાર આવકો ચાલુ થઈ છે. આના કારણે મગફળીના ભાવ સરકારી ટેકાના ભાવ કરતાં પણ નીચા ગયા છે. એક્લા ઓંદલ યાર્ડમાં જ મગફળીની એકાદ લાખ ગૂણીની આવક રહી હતી અને સામે માગ ઠંડી રહી હતી. મગફ્ળી પિલાણબરના ભાવ ખાંડીએ રૂા.300 તૂટી અને રૂા.13500 રહ્યા હતા જ્યારે સીંગદાણા ટને રૂા.2000 તૂટી અને 56 થી 57 હજાર રહ્યા હતા.  સીંગતેલ લૂઝ રૂા.810 હાજર અને વાયદામાં   825 ભાવ હતા. અને કપાસિયા વોશ 612 થી 615 હતું, કપાસિયા વોશમાં 40 ટેન્કર કામકાજ હતા જ્યારે પામતેલ લૂઝ રૂા.597 અને સોયા લૂઝ રૂા. 665 હતું. સૌરાષ્ટ્રમાં કપાસની બે લાખ મણની આવક હતી અને ભાવ રૂા.800 થી 925 સુધી હતા, સૌથી વધુ આવક બોટાદ ખાતે 45 હજાર મણની હતી. ગુજરાતમાં 18 હજાર ગાંસડી રૂ ની આવક હતી અને ભાવ હાજરના રૂા. 37200થી 37500 અને ડિસેમ્બર ડિલિવરી રૂા.37500થી 37600 હતા.
 તેલ અને બિયામાં હાલ ખરીદી નથી અને એકંદર નરમાઈ છે ત્યારે સરકારે રૂા. 900માં મગફળી ખરીદવાની શરૂઆત કર્યા બાદ સ્ટોકિસ્ટો, મિલરો અને સટોડિયાઓ સક્રિય થઈ ગયા છે. ગયા વર્ષે સરકારે આશરે 2.25 લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદી હતી.
દરમિયાન આજે ઉઘડતી બજારે નીચે મુજબ ભાવ હતા :
સીંગતેલ લૂઝ 10 કિલો રૂા.810, લાઇન તેલિયા રૂા.1255 , લેબલ ટીન 15 કિલો રૂા. 1450, નવા ટીન રૂા.1480, કપાસિયા તેલ લૂઝ કિ.612, 15 કિલો રૂા.1090, પામતેલ રૂા.900, સૂર્યમુખી 15 લિટર રૂા.1150, મકાઈ તેલ 15 લિટર રૂા.1100, સરસવ તેલ રૂા.1100, વનસ્પતિ રૂા.970, કોપરેલ રૂા.2700-2800, દિવેલ રૂા.1580.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer