આસામમાં ચાનું ઉત્પાદન ઘટવાથી ભાવમાં મજબૂતી

કોલકાતા, તા. 10 નવે.
 આસામમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદ પડયા પછી શિયાળો વહેલો બેઠો. તેથી ચાના ઉત્પાદનને અસર થઈ છે. એક પખવાડિયામાં જ તેના ભાવ 5-11 ટકા જેટલા વધ્યા છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ના અમલના પગલે આવેલી પ્રારંભિક મુશ્કેલી ઓછી થવાથી ચાનું વેચાણ માંડ વધ્યું, ત્યાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદ પડયો. તેથી ચાનું ઉત્પાદન ઓછામાં ઓછું 20 ટકા જેટલું ઘટયું છે, એમ ઈન્ડિયન ટી એસોસિયેશનના અધ્યક્ષ આઝમ મોનેમે જણાવ્યું હતું.
અૉક્ટોબર સુધી વરસાદ પડતો રહેતા ચાનું ઉત્પાદન ઘટયું છે. નવેમ્બરમાં શિયાળો વહેલો બેસવાનો હોવાથી ઉત્પાદનને અસર થશે, એમ જણાવતા મોનેમે કહ્યું કે આ વર્ષે ચાનું ઉત્પાદન 13,000 કિ.ગ્રા. કરતાં ઓછું થશે. આ વર્ષે અૉગસ્ટ સુધી ચાનું ઉત્પાદન ગયા વર્ષના 7667.2 કિ.ગ્રા. કરતાં 4.36 ટકા વધારે હતું.
દેશમાં 2016માં 12,673.60 લાખ કિ.ગ્રા. ચાનું ઉત્પાદન થયું હતું અને તે જ વર્ષે સપ્ટેમ્બરમાં 1900 લાખ કિ.ગ્રા. ચાનું ઉત્પાદન નોંધાયું હતું, જેમાં આસામનો હિસ્સો 1122.20 લાખ કિ.ગ્રા. હતો.
શિયાળો વહેલો શરૂ થવાથી પ્રોત્સાહન પૅકેજ પાછા ખેંચાતા ચાના બગીચાઓ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહને બદલે પહેલા સપ્તાહમાં બંધ થશે. સપ્ટેમ્બરથી ચાનો પુરવઠો ઓછો થવાથી સારી ગુણવત્તાની આસામ સીટીસી અને ઓર્થોડોકસ ચાના ભાવ અૉક્ટોબરના ત્રીજા સપ્તાહના લિલામમાં વધ્યા હતા. જોકે, આસામની કેટલીક સારી વેરાયટીની ચાના ભાવ ગયા વર્ષ કરતાં લગભગ 11 ટકા જેટલા ઊંચા રહ્યા છે.
એકંદરે સીટીસી, ડસ્ટ અને ઓર્થોડોકસ ચાના ભાવ લગભગ 5થી 11 ટકા જેટલા ઊંચા છે, એમ કોલકાતા ટી ટ્રેડર્સ એસોસિયેશનના સચિવ જે. કલ્યાણ સુંદરમે કહ્યું હતું. ચાની બધી જ વેરાયટીની માગ મજબૂત છે અને ઓર્થોડોકસ ચાની નિકાસ બજાર પણ સ્થિર છે, એમ સિંઘે જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer