મગફળીની સરકારી ખરીદીમાં `ગોકળગાય ગતિ''

લાભપાંચમથી આજ સુધી ફક્ત 76,761 ટનની ખરીદી, ખુલ્લા બજારમાં ધૂમ આવક
રાજકોટ, તા. 10 નવે.
ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની ખરીદીમાં ગોકળગાય ગતિ જોતા ખેડૂતો ખુલ્લા બજારમાં વેચવા લાગ્યા છે. લાભપાંચમથી ગુજરાતમાં મગફળી ટેકાના ભાવથી ખરીદવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સરકારે ફક્ત 76,761 ટન મગફળી ખરીદી છે. ગયા વર્ષે સમગ્ર સિઝન દરમિયાન કુલ 2.10 લાખ ટનની પ્રાપ્તિ કરવામાં આવી હતી.
મગફળી ખરીદવા માટે સરકારનો ભાવ રૂા. 890 છે. જોકે, સરકારને વેચવા માટે ખેડૂતોએ સાત બારના ઉતારા, પાણીપત્રક, કેન્સલ ચેક, ઉતારાનો દાખલો વગેરે દસ્તાવેજો આપવાના છે. પૂર્વ નોંધણી વિના સરકાર ખરીદતી પણ નથી. ખેડૂતો તેનાથી પરેશાન થઇ ગયા છે. વળી એક ખેડૂત પાસેથી રોજ ફક્ત 68 ગૂણી ખરીદવાનો નિયમ છે. આ વર્ષે ઉત્પાદન 30 લાખ ટન કરતાં વધારે છે. આવી સ્થિતિમાં ખેડૂતો માલ ન વેચે તો પછી મંદીનું જોખમ છે. એ કારણે ખુલ્લા બજારમાં વેચવાલી ભારે વધી ગઇ છે.
સૌરાષ્ટ્રમાં ગોંડલ અને રાજકોટ બન્ને યાર્ડઝ મગફળીથી ઊભરાય છે. રાજકોટમાં બુધવારે દોઢ લાખ ગૂણી આવી જતા હવે આવકો બંધ કરવી પડી છે. ગોંડલમાંય ગઇકાલે એક લાખ ગૂણી આવી પડતા આવકો ઠપ કરી દેવાનો વખત આવ્યો છે. અન્ય યાર્ડમાં આવકોનું દબાણ આટલું બધું નથી. સૌરાષ્ટ્રમાં રોજ સરેરાશ 70થી 80 હજાર ગૂણી મગફળી આવે છે.
વેપારીઓ કહે છે, ગયા વર્ષે સરકારી ખરીદીની અપેક્ષા હતી એટલે ખેડૂતોએ માલ સાચવ્યો હતો, પરંતુ અંત સુધી ખરીદીમાં વેગ નહીં આવતા ખેડૂતોએ મગફળી સસ્તામાં વેચવાનો વખત આવી ગયો હતો. આ વર્ષે ખેડૂતો અગમચેતી વાપરીને અત્યારથી જ વેચી રહ્યા છે.
ખુલ્લા બજારમાં મગફળીનો ભાવ છેલ્લા અઠવાડિયામાં મણે રૂા. 20-25 જેટલો ઘટી જતા ઝીણીમાં રૂા. 600-830 અને જાડીમાં રૂા. 620-800 સુધી બોલાય છે.
 સીંગદાણાની માગ વિદેશમાં નબળી છે અને પીલાણમાં મગફળી પોસાય તેમ નથી. એ કારણે મિલોની માગ પણ ઓછી છે. આ સ્થિતિમાં મગફળીના ભાવ ઘટતા જાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer