સૌરાષ્ટ્રમાં લસણનું વાવેતર ત્રણ ગણું થવાનો અંદાજ

વાવેતરની કામગીરી મહદ્ અંશે પૂર્ણ : મધ્યપ્રદેશમાં વાવણી જળવાશે
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 10 નવે.
સૌરાષ્ટ્રમાં લસણનું 90 ટકા વાવેતર સંપન્ન થઇ ચૂક્યું છે. જીરું સિવાયના તમામ રવી પાકોમાં મંદીનો માહોલ છે અને લસણ ખેડૂતોને સલામત લાગી રહ્યું હોવાને લીધે આ પાક તરફ ઝુકાવ રહ્યો છે. દરમિયાન લસણ બજારમાં વેચવાલીનું દબાણ વધવાને લીધે ભારે મંદીનો માહોલ છે.
ગુજરાત સરકારે જાહેર કરેલા રવી પાકોના અંદાજ પ્રમાણે 2100 હેક્ટરમાં લસણનું વાવેતર 6 નવેમ્બર સુધીમાં થયું છે. ગયા વર્ષમાં ફક્ત 200 હેક્ટરમાં થયું હતું. વેપારીઓના મતે આગલા વર્ષના વાવેતર કરતાં ત્રણ કે ચાર ગણું વાવેતર થઇ શકે છે. ગુજરાત સરકારનાં છેલ્લાં ત્રણ વર્ષના આંકડાઓ પ્રમાણે 8500 હેક્ટરમાં લસણની વાવણી થાય છે. સરકારી ચોપડે વાવણીનો આંકડો ક્રમશ: વધતો જશે.
ગોંડલના એક અગ્રણીએ કહ્યું કે, જીરું સિવાયના પાકોના ભાવ ખૂબ નીચા છે. ડુંગળીમાં તાજેતરમાં તેજી થઇ છે, પણ ખેડૂતોને એમાં જોખમ લાગે છે. કારણ કે સરકારના હસ્તક્ષેપ વધુ પ્રમાણમાં થાય છે.  લસણ એ રીતે સલામત પાક લાગતો હોવાથી વાવેતર વધારે થયું છે. સૌરાષ્ટ્રમાં મોટે ભાગે વાવેતર થઇ ગયા છે. મધ્યપ્રદેશમાં પણ મહદઅંશે વાવણી થઇ ચૂકી છે, ત્યાં લગભગ ગયા વર્ષ જેટલો વિસ્તાર લસણ હેઠળ આવી જવાની ધારણા છે.
લસણના ભાવમાં પ્રવર્તમાન સમયે ભારે મંદી પ્રવર્તી રહી છે. સૌરાષ્ટ્રમાં લસણનો ભાવ પ્રતિ મણ રૂા. 200-450ની રેન્જમાં આવી ગયો છે. બહુ સારો માલ આવે તો રૂા. 600 સુધી વેચાય છે. ઘરાકીનો અભાવ છે. પ્રાદેશિક માગ પણ ઓછી છે એટલે બજાર ચાલે તેવી શક્યતા ઓછી છે. નિકાસ કામકાજો હવે મંદ પડી ગયા છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ યાર્ડમાં આજે 3500 ગૂણી અને રાજકોટમાં 800 ગૂણી ઉપરાંત જામનગરમાં 300 ગૂણીની આવક થઇ હતી.
મધ્યપ્રદેશમાં લસણની આવકો 70થી 80 હજાર ગૂણી સુધી પહોંચી ગઇ છે. મંદસૌરમાં 20થી 22 હજાર ગૂણી, પીપલિયામાં 9 હજાર ગૂણી, નીમચમાં 12-13 હજાર ગૂણી, દલોદામાં 4 હજાર ગૂણી અને જાવરામાં 10 હજાર ગૂણીની આવક થઇ હતી. ત્યાં લસણનો ભાવ રૂા. 800-3000ની રેન્જમાં હતો. મહત્તમ માલ રૂા. 1000-2800ની રેન્જમાં વેચાઇ રહ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer