કાંદામાં સરકારી હસ્તક્ષેપથી વાવેતર ઘટશે

સૌરાષ્ટ્રમાં વાવણી 50 ટકા ઘટવાની ધારણા : ભાવ હજુ ઊંચા રહેશે
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 10 નવે.
કાંદાના ભાવ છેલ્લા દોઢ મહિનાથી સળગી રહ્યા છે તેને લઇને સરકારે રાજ્ય સરકારની એમએમટીસી જેવી એજન્સીઓને બહારથી આયાત કરવાની છૂટ આપી છે. દેશમાં અછત ન સર્જાય તે માટે આયાતની છૂટ આપવામાં આવી છે. જોકે આ પ્રકારે ભાવને કાબૂમાં લેવાના સરકારી પ્રયત્નોને લીધે ખેડૂતોમાં ભારોભાર રોષ છે. કાંદાની મંદી વખતે ખેડૂતોને કોઇ પૂછવાવાળું હોતું નથી અને તેજીમાં સરકાર આડેધડ પગલાં લે છે.
સરકારી પગલાઓને લીધે કાંદાના ખેડૂતોને અપૂરતું વળતર મળે છે તેના પરિણામે જ  સૌરાષ્ટ્રમાં કાંદાના વાવેતર પચાસ ટકા જેટલા ઘટી ગયા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાય છે. સમય કાંદાના વાવેતરનો છે, ભાવમાં તેજી પણ છે. છતાં બજારમાં માલ આવે ત્યારે મંદી થઇ જતી હોવાથી ખેડૂતો હવે છેતરાવાના મૂડમાં નથી એમ મહુવા પંથકના એક ખેડૂતે કહ્યું હતું. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પાણીની પણ સમસ્યા છે એટલે વાવેતર ઓછાં થઇ રહ્યાં છે. 
કાંદાનો ભાવ છૂટક બજારમાં એક કિલોએ રૂા. 40-45 જેટલો ચાલે છે. જથ્થાબંધ બજારમાં તેજી અટકી છે પણ હજુ ભાવ ઘટવા મુશ્કેલ છે. ગોંડલ યાર્ડમાં રોજ 20થી 25 હજાર ગૂણીની આવક થાય છે. રાજકોટમાં ત્રણથી ચાર હજાર ગૂણીની આવક થાય છે. મહુવામાં અઢી હજાર ગૂણીની આવક થઇ હતી. કાંદાનો ભાવ રૂા. 400-575 પ્રતિ મણ ચાલે છે. નબળા કાંદા રૂા. 150થી 200માં વેચાય છે. ઊંચા ભાવને લીધે રિટેલ બજારમાં માગ ઓછી છે. સૌરાષ્ટ્રમાંથી બંગાળ અને બિહારમાં કાંદા મોકલવામાં આવે છે. પંજાબમાં અલવરના કાંદા જતા હોવાથી રવાનગી નથી. અલવરમાં પંથકમાંથી 30 હજાર ગૂણી જેટલી આવક થાય છે. ત્યાં 40 કિલોનો ભાવ રૂા. 500-600 જેટલો ચાલે છે.
સરકારી એજન્સીઓ ઇજિપ્ત અને ચીનની ડુંગળી લાવે તેવી શક્યતા છે. જોકે એ માટે હજુ કોઇ જથ્થો નક્કી થયો નથી. એમએમટીસી આવનારા દિવસોમાં ટેન્ડર બહાર પાડીને ખરીદી કરશે. અત્યાર સુધીમાં 11,400 ટનની આયાત ખાનગી ટ્રેડરોએ કરી નાખી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer