અમેરિકામાં કર સુધારામાં વિલંબ : સોનું મજબૂત

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 10 નવે.
અમેરિકામાં કર ક્ષેત્રે થનારા મોટા સુધારા આડે અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાઇ જવાથી સોનું ચાર અઠવાડિયા બાદ પ્રથમ વખત સુધરવામાં સફળ રહ્યું હતુ. ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ  1284 ડોલર ઔંસદીઠ હતો. સપ્તાહમાં સોનું 1 ટકો વધ્યું છે. અમેરિકામાં રાજકીય અનિશ્ચિતતા છે એ કારણે પણ ટેકો મળી ગયો છે. રિપબ્લિકનનું ટેક્સ અંગેનું નવું આયોજન 2019 સુધી વિલંબમાં પડે તેવી શક્યતા હોવાના સમાચાર બજારમાં ફરી રહ્યા છે. આ સ્થિતિમાં સોનું ઘટવું મુશ્કેલ છે. કારણકે ડોલરના મૂલ્યમાં વધુ તેજી આ એક કારણ લાવી શકે તેમ હતું. રિપબ્લિકન સેનેટ્સ દ્વારા કર અંગેનું સંપૂર્ણ આયોજન હાઉસમાં મૂકી દેવામાં આવ્યું છે. જોકે ચોક્કસ ચાવીરૂપ મુદ્દાઓ અંગે મતમતાંતર થવાને લીધે બિલ ઘોંચમાં પડયું છે. કોર્પોરેટ ટેક્સના દર, રાજ્ય અને સ્થાનિક કરના દર અને એસ્ટેટ ટેક્સ અંગે વિવાદ હોવાનું જાણમાં આવ્યું છે. 
હોંગકોંગની રિસર્ચ કંપનીનું કહેવું છે કે, અમેરિકાએ વ્યાજદરમાં વધારો કરવાની નીતિ અપનાવી છે પણ વૃદ્ધિ ખૂબ ધીમી છે એ કારણે સોનાને ટેકો મળી રહ્યો છે. જેરોમ પોવેલની નવા ફેડ ચેરમેન તરીકે વરણી થઇ છે પણ તેમના ઉપર અગાઉ વધુ અપેક્ષા રખાતી હતી. જોકે તે વ્યાજદર વધારાની ચાલ જાળવી રાખશે કે કેમ તે અંગે હવે શંકા થવા લાગી છે. હાલની પરિસ્થિતિ જોતા સોનાની ચાલ રેન્જ બાઉન્ડ રહેશે.
રાજકોટમાં 24 કેરેટ શુદ્ધતાવાળું સોનું 10 ગ્રામે રૂા. 100 વધી જતા રૂા. 29,700 હતું. આજે રૂા. 100નો સુધારો હતો. મુંબઇમાં રૂા. 40 વધી જતા રૂા. 29,670 હતું. ચાંદી 16.98 ડોલરના સ્તરે હતી. સ્થાનિકમાં કિલોના રૂા. 300 ઘટી જતાં રૂા. 40,000 હતા. મુંબઇ ચાંદી રૂા. 20ના નજીવા વધારામાં રૂા. 39,545 હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer