ખાંડ કારખાનાં ટૅક્સ મુદ્દો ભાજપને પરેશાન કરશે?

સુરત, તા. 10 નવે.
આવતી કાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બારડોલીમાં પક્ષના એક કાર્યક્રમમાં ભાગ લેવા આવશે. વર્ષ 2014માં યુપીએ સરકારે દક્ષિણ ગુજરાતની સુગર ફૅક્ટરીઓ પર લાદેલો ઇન્કમ ટૅક્સનો પ્રશ્ન આજે પણ યથાવત્ છે. રૂા. 3200 કરોડનાં આઈટી રિકવરી પ્રશ્ને ખેડૂત સમાજના આગેવાનોએ અમિત શાહને મળવા માટે સમય માગ્યો છે. જોવાનું રહેશે બારડોલી મુલાકાત વેળાએ  અમિત શાહ ખેડૂતોને મળશે કે નહિ.
ત્રણ વર્ષથી દક્ષિણ ગુજરાતની સુગર ફૅક્ટરીઓના હોદ્દેદારોથી લઈને ખેડૂતો આઈટીના પ્રશ્ને મુશ્કેલી અનુભવી રહ્યા છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓ વખતે વડા પ્રધાન મોદીએ તેની જાહેરસભામાં અનેક વખત યુપીએ સરકારને તેના આ નિર્ણય માટે ઝાટકણી કાઢી હતી. તેમ જ એનડીએ સરકાર બનતાં ખેડૂતોના આ પ્રશ્ને ઉકેલ આવી જશે. જોકે, હજુ સુધી આઈટી રિકવરી મુદ્દે કોઈ ઉકેલ આવ્યો નથી. ખેડૂત સમાજે એક લાંબા આવેદનપત્રમાં અમિત શાહને લખ્યું છે કે, શેરડીઓની સુગર ફૅક્ટરીઓ ઉપર ચાર વર્ષની આકારણી કરીને રૂા. 3200 કરોડની રિકવરીની બાકી બોલાઈ રહી છે. જેને મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવો આવશ્યક છે. કાયદામાં સંશોધન કરીને રિકવરી મુદ્દે કાયમી ઉકેલ લાવી શકાય તેમ છે. વડા પ્રધાન જે તે સમયે તેની સભાઓમાં આઈટી મુદ્દેઁ વચન આપ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોએ ખેતરમાંથી શેરડી લાવવાની અને તેના ઉપર 18 ટકા જીએસટી લાદવામાં આવ્યો છે તેને દૂર કરવા માટે પત્રમાં માગ કરવામાં આવી છે.  
નોંધવું કે, અગાઉ ખેડૂત સમાજે ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ સમક્ષ પણ આઈટી નોટિસનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. બીજી તરફ સ્થાનિક નેતાઓનું દિલ્હીમાં કંઈ ઊપજતું ન હોવાનું ચિત્ર પણ સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે. રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ આવી છે ત્યારે નેતાઓ વોટ માગવા આવે છે. એવામાં વોટ માગતા પહેલાં ખેડૂતોના પડતર પ્રશ્નોના નિરાકરણની આવશ્યકતા જણાઈ છે. 
આઈટી નોટિસ પ્રશ્ને ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે અનેક વખત આ મુદ્દે રજૂઆત કરી છે, પરંતુ તમામ રજૂઆતો એળે ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બારડોલીની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વધુ એક વખત તેમને રૂબરૂ મળીને રજૂઆત કરવાનું નક્કી કર્યું છે. આ માટે પક્ષના નેતાઓને ફોન અને પત્ર દ્વારા અમિત શાહ સાથેની મુલાકાત અંગે સમય માગ્યો છે. જિલ્લા અધ્યક્ષના કહેવા મુજબ પક્ષનો કાર્યક્રમ હોવાથી ખેડૂતોને મળવાને લઈને કોઈ નિર્ણય કરાયો નથી. 
જોવાનું રહેશે કે ચૂંટણીઓ માથા ઉપર છે ત્યારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેના બારડોલી કાર્યક્રમ વખતે ખેડૂતોને મળે છે કે નહિ. વિધાનસભાની ચૂંટણી અગાઉથી જ શાસક પક્ષ ભાજપ પ્રત્યે લોકોની સ્વયંભૂ નારાજગી જોવા મળી રહી છે. એવામાં સુગર ફૅક્ટરીઓને આઈટી નોટિસનો મુદ્દો ભાજપની મુશ્કેલી વધારી શકે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer