શૅરબજારમાં જીએસટીના ઓછાયાથી વધઘટે નિફ્ટી 12 પૉઇન્ટ સુધારે 10321

જીએસટીમાં સુધારાના પગલે ક્ષેત્રવાર શૅરોમાં વધઘટ
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 10 નવે 
શૅરબજારના ટ્રેડિંગનો દૌર આજે મુખ્યત્વે જીએસટી કાઉન્સીલની મહત્ત્વપૂર્ણ બેઠકના પરિણામને આધારે ચાલ્યો હતો. કાઉન્સીલે એફએમસીજી કંપનીઓને વેરામાં રાહત આપવાથી એચયુએલનો ભાવ આખરી તબક્કામાં રૂા. 37 વધીને ટ્રેડિંગ અંતે 1290 બંધ હતો. એનએસઈ ખાતે દિવસભરના ચઢાવ ઉતાર પછી આખરી સમયે નિફ્ટી ગુરુવારના બંધથી 12 પોઇન્ટ વધીને 10321.75 બંધ રહ્યો હતો. જ્યારે બીએસઈ ખાતે સેન્સેક્સ 63 પોઇન્ટ સુધારે 30314 બંધ હતો. આજે બજારમાં શૅર સ્પેસિફિક વધઘટ મોટી રહી હતી.
આજે એસબીઆઈ, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાનાં ત્રિમાસિક પરિણામ ધર્યાથી સારા આવવાથી એસબીઆઈ 5 ટકા વધીને રૂા. 333 બંધ હતો. જ્યારે એલએનટીની સારી અૉર્ડર બુકના સંકેતથી શૅર રૂા. 47 વધીને રૂા. 1264 રહ્યો હતો. બૅન્ક અૉફ ઇન્ડિયાનો નફો સુધરવા સાથે એનપીઓ 1.8 ટકા ઘટી હતી. જોકે, વાહન શૅરો જીએસટી કાઉન્સિલથી નિરાશ થતા તાતા મોટર્સ અને તાતા મોટર્સ (ડી) અનુક્રમે રૂા. 18 (રૂા. 422) અને રૂા. 5 (રૂા. 241) બંધ હતા, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રત્યાઘાતી ઘટાડે શૅરનો ભાવ રૂા. 16 ઘટાડે રૂા. 884.90 રહ્યો હતો. વ્યક્તિગત શૅરોમાં ગૂગલ દ્વારા જસ્ટ ડાયલમાં હિસ્સો ખરીદવાની વાટાઘાટને લીધે શૅરનો ભાવ ટ્રેડિંગ દરમિયાન 20 ટકા ઉછળ્યો હતો, પરંતુ આ અહેવાલ મોટા હોવાની જાહેરાત છતાં ભાવમાં 8 ટકા સુધાર જળવાયો હતો.
આજે યુરોપિયન બજારોની શરૂઆતથી સુધારાના સંકેતથી સ્થાનિક બજારોમાં ખરીદી રહી હતી. જોકે, જીએસટી કાઉન્સીલની બેઠકના અહેવાલ પછી ફાર્મા ઇન્ડેક્સ 1.3 ટકા ઘટયો હતો.
આજે મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા 3 ટકા વધીને ત્રણ મહિનાની ઊંચાઇએ રૂા. 1412 રહ્યો હતો. કંપનીનો નફો અંદાજથી વધુ 14.11 અબજ આવ્યો હતો. જ્યારે બોશનો ભાવ નફા ઘટાડાના અહેવાલથી 3.1 ટકા ઘટયો હતો. જ્યારે સ્ટીલ અૉથોરિટી ઇન્ડિયા (સેઇલ)ની ખોટ પાછલા ત્રિમાસિક (રૂા. 7.32 અબજ) સામે ઘટીને રૂા. 5.39 અબજ રહેવાથી શૅરનો ભાવ 3 ટકા વધ્યો હતો.
આજે એનએસઇ ખાતે જીએસટીમાં રાહત નહીં મળવાથી નિફ્ટીમાં રંગ ઉત્પાદન અને કન્ઝયુમર ડયુરેબલ્સની મુખ્ય કંપનીઓના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જેથી નિફ્ટીમાં મુખ્ય શૅરોમાં 28 ઘટયા હતા. જ્યારે 22 સુધારે રહ્યા હતા. સેન્સેક્ષના 31 શૅરમાં 17માં ઘટાડો અને 14માં સુધારો હતો. સિમેન્ટની અગ્રણી ઉત્પાદક એસીસીનો ભાવ રૂા. 5 ઘટીને રૂા. 1755 અને અંબુજાનો ભાવ રૂા.1 ઘટીને રૂા. 270 રહ્યો હતો. મેરીકો રૂા. 3 ઘટાડે રૂા. 310 બંધ હતો. એનએસઈ ખાતે કુલ 889 શૅર ઘટયા હતા, જ્યારે 626 શૅરના ભાવ સુધારે રહ્યા હતા. આજે નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ 4.3 ટકા વધ્યો હતો. જ્યારે ફાર્મામાં 1.3 ટકા અને ઊર્જા ઇન્ડેક્સમાં 1.6 ટકા ઘટાડો થયો હતો.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer