અરવિંદના ડી-મર્જરથી એપરલ બિઝનેસનો વિકાસ ઓર ઝડપી થશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 નવે.
અરવિંદ લિ.માંથી બ્રાન્ડેડ એપરલ બિઝનેસને છૂટો પાડી તેને અરવિંદ ફેશન્સ લિ.માં અને એન્જિનિયરીંગ બિઝનેસને છૂટો પાડી તેને અન્વેષણમાં અને પાછળથી અનુપ એન્જિનિયરિંગ લિ.માં લઈ જવાશે. આ સમગ્ર પ્રક્રિયાથી કંપનીના બ્રાન્ડેડ એપરેલ બિઝનેસને ગતિ મળશે.
આ ડિમર્જરના પગલે અરવિંદ લિ.ના રૂા. 10ની ફેસ વેલ્યૂના દરેક 5 શૅર દીઠ અરવિંદ ફેશન્સ લિ.નો રૂા. 4ની ફેસ વેલ્યૂનો એક શૅર શૅરધારકોને અપાશે. આ ઉપરાંત અરવિંદ લિ.ના 27 શૅરોની સામે અનુપ એન્જિનિયરિંગનો રૂા. 10ની ફેસ વેલ્યૂનો એક ઈક્વિટી શૅર અપાશે. અરવિંદ ફેશન્સ લિ.નું અને અનુપ એન્જિનિયરિંગનું બીએસઈ અને એનએસઈ પર જુદું લિસ્ટિંગ આઠેક મહિનામાં પૂરું થઈ જશે.
ડીમર્જરથી બ્રાન્ડેડ એપરલ બિઝનેસની વેલ્યૂ જે અનલોક હતી તે હવે ઝડપથી વધશે. અરવિંદના અન્ય બિઝનેસ કરતાં બ્રાન્ડેડ એપરલનો બિઝનેસ સૌથી ઝડપથી વિકસી રહ્યો છે. કંપની ઈન્ટરનેશનલ બ્રાન્ડસ અને પોતાની બ્રાન્ડનો સમૃદ્ધ પોર્ટફોલિયો ધરાવે છે. આ બ્રાન્ડોમાં યુએસ પોલો એસોસિયેશન, એરો, ફલાઈંગ મશીન, ટોમી હીલફીગર, ગેપ, કેલ્વીન કલેઈન, હેન્સ, ઘંટ, નેપટીકા, આઈઝોડ, ઈદ હાર્ડી, એલી, ચેરોકી, ધી ચિલ્ડ્રન્સ પ્લેસ અને એરોપોસ્ટલનો સમાવેશ થાય છે. તે વેલ્યૂ ચેઈન `અન લિમિટેડ' ધરાવે છે. આ ઉપરાંત વિશ્વના સૌથી મોટા બ્યુટી રિટેલર `સેફોરા'માં ફ્રેન્ચાઈઝ પાર્ટનર છે. છેલ્લાં પાંચ વર્ષોમાં અરવિંદનો બ્રાન્ડેડ એપરલ બિઝનેસ 25 ટકાથી વધુ ઝડપે વિકસ્યો છે. પ્રોમોટરો જે અરવિંદ લિ.માં 43 ટકા હિસ્સો ધરાવે છે. તેને અરવિંદ ફેશન્સ લિ.માં 36 ટકા હિસ્સો અને અનુપ એન્જિનિયરિંગમાં 38 ટકા હિસ્સો મળશે.
અનુપ એન્જિનિયરિંગની ઈફેક્ટિવ શૅરમૂડી વધી રૂા. 10.21 કરોડ થશે, જે પોસ્ટ ડીમર્જર રૂા. 1.02 કરોડની છે.
અરવિંદ ફેશન્સનો 10 ટકા હિસ્સો ગત નવેમ્બરમાં પ્રાઈવેટ ઈક્વિટી રોકાણકારોને રૂા. 740 કરોડમાં વેચવામાં આવ્યો હતો. કંપનીની વેલ્યુએશન ત્યારે રૂા. 8000 કરોડ મૂકવામાં આવી હતી. વળી કંપનીનો ઈક્વિટી બેઝ માત્ર રૂા. 5.77 કરોડ છે, જે વધી રૂા. 23.07 કરોડ થશે. તેની આંતરિક વેલ્યૂના આધારે આ શૅર રૂા. 280 આસપાસ લિસ્ટ થવાની શક્યતા મૅનેજમેન્ટે વ્યક્ત કરી છે. અરવિંદ ફેશનના 1400 રીટેલ આઉટલેટ છે અને દર વર્ષે 150 સ્ટોલનો ઉમેરો થાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer