નોટબંધી સામે જુગલબંધી...?

ગુજરાત વિધાનસભાના ચૂંટણીપ્રચારમાં હવે જાતિવાદ કરતાં નોટબંધી અને જીએસટીનો મુદ્દો ઊછળ્યા પછી શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસની જુગલબંધી થઈ રહી છે! શિવસેના તો ભાજપ સાથેની ભાગીદારી તોડવા માટે તૈયાર છે. મોકાની રાહ જુએ છે. નારાયણ રાણેને ભાજપ સરકારમાં લઈને ફડણવીસ શિવસેના સામે પાળ બાંધી રહ્યા છે તેથી ઉદ્ધવ ઠાકરે પણ રોષે ભરાયા છે. શિવસેનાની ધમકીઓ વધવા લાગતાં ફડણવીસે શરદ પવારને સાથે રાખવાની બારી ખોલી, પણ હવે શરદ પવારે જ બારી બંધ કરી છે! ઉદ્ધવ ઠાકરે આવી ખાતરી મેળવવા માટે જ પવારને મળ્યા હતા - શિવસેના ભાજપ સાથેની ભાગીદારી તોડે તો પવાર ફડણવીસ સરકારને નહીં બચાવે એવી ખાતરી  મળી છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ભાજપની નેતાગીરીને આશા હતી કે શિવસેનાની ખોટ નારાયણ રાણે અને શરદ પવાર પૂરી કરશે. અમિત શાહે પણ મુંબઈ મુલાકાત દરમિયાન વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે (શિવસેના ભાજપ સાથે રહે કે નહીં તો પણ) ભાજપ સરકાર તેની પાંચ વર્ષની મુદત પૂર્ણ કરશે.
હવે ગુજરાતમાં કૉંગ્રેસ આક્રમક બન્યા પછી અને જાતિવાદનું જોર દેખાયા પછી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના નંબર ટુ નેતા પ્રફૂલ પટેલે ગુજરાતમાં કૉંગ્રેસ મોરચામાં જોડાવાની તૈયારી - ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે ગુજરાતમાં રાષ્ટ્રવાદીને સ્થાન નથી, છતાં મોરચામાં જોડાય તો એવી હવા ઊભી થાય કે કૉંગ્રેસ મોરચો `િવન'માં છે! બન્નેને લાભ થઈ શકે. આવાં જોડાણનો માર્ગ મોકળો કરવા માટે શરદ પવારે મહારાષ્ટ્રથી શરૂઆત કરી છે. સોનિયા ગાંધીને શરદ પવાર ઉપર ભરોસો નથી એ વાત જગજાહેર છે. આ શંકા-અવિશ્વાસ દૂર કરવા માટે શરદ પવારે હવે રાહુલ ગાંધીના ભારોભાર વખાણ કર્યા છે અને ગાંધી પરિવાર કૉંગ્રેસની એકતા જાળવે છે તેમાં ખોટું શું છે? એવો પ્રશ્ન કર્યો છે.
શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને હૈયાધારણ - ખાતરી આપી કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ ભાજપની સરકારને નહીં બચાવે- આમ છતાં શિવસેનાના વિધાનસભ્યે અને કાર્યકરોમાં ચિંતા છે. સરકાર છોડયા પછી રાજ્યમાં તરત ચૂંટણી આવે તો-? ઉદ્ધવ ઠાકરે પણ અત્યારે તૈયારી ભલે કરતા હોય- વિશ્વાસ જાગતો નથી કે ચૂંટણી થાય તો સાથ કોણ આપશે? એમને શરદ પવાર ઉપર પણ ભરોસો નથી. રાહુલ ગાંધીને `સર્ટિફિકેટ' આપ્યા પછી પવાર સાહેબ શિવસેનાને ટેકો આપે ખરા? વળી એમણે વડા પ્રધાન બનવા અંગે જે વાત કરી તે પણ શિવસેનાને `ખટકે' છે. ``સામના''માં એમની ટીકા પણ થઈ છે.
બીજી બાજુ કૉંગ્રેસને પણ પવાર ઉપર ભરોસો નથી. `પવાર પહેલાં શિવસેના અંગે એમની વલણ સ્પષ્ટ કરે પછી બીજી વાત''...
વાસ્તવમાં જુગલબંધીની શક્યતાનો આધાર ગુજરાતનાં પરિણામ ઉપર રહેશે.
હવે રાહુલ ગાંધી કેવો પ્રતિભાવ આપે છે અને પ્રીતિ બતાવે છે તે જોવાનું છે. શક્ય છે કે પવારની જેમ અન્ય નેતાઓ પણ સૂરમાં સાથ આપવા લાગે તે પછી - અને ગુજરાતની ચૂંટણી - મતદાન પહેલાં રાહુલ ગાંધી વિધિસર કૉંગ્રેસનાં પ્રમુખપદે હોય જેથી ગુજરાતમાં પ્રભાવ પડે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચેન્નાઈમાં ડીએમકેના સર્વોચ્ચ - કરુણાનિધિને મળ્યા તે પછી અટકળો શરૂ  થઈ છે કે ભાજપ ડીએમકેનો સાથ લેશે. ડીએમકેએ નોટબંધી વિરોધ પ્રદર્શનમાં ભાગ નહીં લેવાની જાહેરાત કર્યા પછી આવી ``મૈત્રી''ની આશા વધી છે. છતાં રાજકારણ અને તામિલનાડુમાં - નિશ્ચિત કાંઈ હોતું નથી.
અભિનેતા કમલ હાસનને પણ રાજકીય મેદાનમાં ઊતરવાની ઉતાવળ છે, જ્યારે રજનીકાંત હવાની રૂખ જોઈ રહ્યા છે.
બંગાળમાં પણ પ્રદેશ કૉંગ્રેસપ્રમુખ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીને મળ્યા તે પછી ચર્ચા શરૂ થઈ છે : ભાજપમાં જોડાય તેવી વકી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer