ઓએનજીસી વિદેશ રશિયન તેલક્ષેત્રમાં 49 ટકા હિસ્સો ખરીદશે

ઓએનજીસી વિદેશ રશિયન તેલક્ષેત્રમાં 49 ટકા હિસ્સો ખરીદશે
નવી દિલ્હી તા. 10 નવે.
ઓએનજીસી વિદેશની આગેવાની નીચે ભારતીય તેલ કંપનીઓનું કોન્સોરશીયમ રશિયન કંપની રોસનેફ્ટની માલિકીના વાનકોર તેલક્ષેત્ર સમૂહમાં આવતા ફેબ્રુઆરી સુધીમાં 49 ટકા હિસ્સો ખરીદનાર છે.  
ઓએનજીસી વિદેશનો હિસ્સો 26 ટકા હશે જયારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, એચપીસીએલ અને બીપીસીએલ તેના ભાગીદારો હશે. વાનકોર સમૂહમાં સુઝુન્સકોય, ટાગુલસ્કોય અને લોદોકનોય એ ત્રણ તેલ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.  
આ સોદાનું મૂલ્ય એક અબજ ડૉલર જેટલું હોવાનો અંદાજ છે. તેની વાતચીત અંતિમ તબક્કામાં છે અને ફેબ્રુઆરી સુધીમાં પૂરી થવાની ધારણા છે.  
ગયે વર્ષે ભારતીય કંપનીઓએ વાનકોર ક્ષેત્રમાં 4.2 અબજ ડૉલરની કિંમતે 49.9 ટકા હિસ્સો ખરીદ્યો હતો. વાનકોર રશિયાનું બીજા ક્રમનું સૌથી મોટું તેલ ક્ષેત્ર છે, જે રશિયાના તેલના ઉત્પાદનમાં 4 ટકાનો ફાળો આપે છે. રોસનેફ્ટ આ ક્ષેત્રમાં 50.1 ટકા હિસ્સો ધરાવે છે. પાછળથી આઈઓસી, ઓઇલ અને બીપીસીએલે પૂર્વ સાઈબેરિયામાં આવેલા તાસ-યુરયાખ ક્ષેત્રમાં 1.12 અબજ ડૉલરની કિંમતે 29.9 ટકા હિસ્સો ખરીદ્યો હતો, જેનાથી રશિયાના તેલ ઉદ્યોગમાં ભારતીય તેલ કંપનીઓનું રોકાણ 5.46 અબજ ડૉલર થયું હતું.  
વાનકોર ક્ષેત્ર રોજના 4.42 લાખ બેરલ તેલનું ઉત્પાદન કરે છે જયારે તાસ રોજના 21,000 બેરલ તેલ આપે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer