જીએસટી કાઉન્સિલે 177 આઈટમોને 18 ટકા ટૅક્સ માળખામાં મૂકી

જીએસટી કાઉન્સિલે 177 આઈટમોને 18 ટકા ટૅક્સ માળખામાં મૂકી
માગ્યા કરતાં વધુ આપ્યું
હવે માત્ર 50 આઈટમને 28 ટકા જીએસટી લાગશે
(પીટીઆઈ)                                ગુવાહાટી, તા. 10 નવે.
ગુવાહાટીમાં જીએસટી કાઉન્સિલની મળેલી 23મી મિટિંગમાં આમ વપરાશની અનેક આઇટમોના જીએસટીના દર 28 ટકાથી ઘટાડી 18 ટકા કરવામાં આવ્યા છે. અગાઉ 28 ટકાના દાયરામાં 227 આઇટમો હતી જે આઇટમોની સંખ્યા આજે કાઉન્સિલે ઘટાડીને 50 કરી છે. બીજા શબ્દોમાં કહીએ તો 177 આઇટમો પર જીએસટીના દર જે 28 ટકા હતા તે ઘટાડી 18 ટકા કરવામાં આવ્યા હોવાની માહિતી નાણાપ્રધાન અરુણ જેટલીએ આજે પત્રકારોને આપી હતી.
તમામ પ્રકારની ચ્યુઇંગ ગમ, ચોકલેટ, ફેસિયલ મેકઅપના પ્રીપરેશન, દાઢીની ક્રીમ, આફ્ટર શેવ આઇટમ, શેમ્પૂ, ડિઓડરન્ટ્સ, વૉશિંગ પાવડર ડિટરજન્ટ, ગ્રેનાઇટ, માર્બલ પર હવે જીએસટીના દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે.
તમામ પ્રકારની રેસ્ટોરંટ ઉપર જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે, જ્યારે ફાઈવ સ્ટાર હૉટલો ઉપર 28 ટકાને બદલે 18 ટકા ટૅક્સ લાગશે. આઉટડોર કેટરિંગ ઉપર 18 ટકાનો ફિક્સ્ડ જીએસટી લાગુ થશે. આ નવા ટૅક્સ સ્લેબ 15 નવેમ્બરથી અમલી બનશે એમ જેટલીએ જણાવ્યું હતું.
કરદાતાઓને રાહત આપતાં જીએસટી રિટર્ન ફાઈલ કરવામાં થતાં વિલંબ સામે પ્રતિ દિવસ ફાઈન્ડ રૂા. 200થી ઘટાડીને રૂા. 50 કરવામાં આવ્યો છે, જ્યારે કોમ્પોઝિશનની મર્યાદા વધારીને રૂા. 1.5 કરોડ કરવામાં આવી છે.
કરદાતાને હવે માત્ર જીએસટીઆર-વન 30 એપ્રિલ, 2018 સુધીમાં ભરવાનું રહેશે. કરદાતાઓ 3-બી ફોર્મ માર્ચ, 2018 સુધી ભરી શકશે, એમ તેમણે જણાવ્યું હતું.
અગાઉ 28 ટકાના દાયરામાં 227 આઇટમો હતી. ફિટમેન્ટ કમિટીએ આ આઇટમોની સંખ્યા ઘટાડી 62 રાખવાની ભલામણ કરી હતી, પણ જીએસટી કાઉન્સિલે વધુ 12 આઇટમોની સંખ્યા ઘટાડી હવે માત્ર 50ની જ રાખી છે. આથી આ નાણાકીય વર્ષમાં સરકારી તિજોરીને રૂા. 20,000 કરોડનો ફટકો પડશે.
પેઇન્ટ્સ અને સિમેન્ટ 28 ટકાના દાયકામાં જ રહેશે. વૉશિંગ મશીન અને ઍર-કન્ડિશનર જેવી લક્ઝરી ગુડ્સ પરના દર 28 ટકા જાળવી રખાયા છે.
રૂા. 1 કરોડના વાર્ષિક ટર્નઓવરના બિઝનેસને કમ્પોઝિશન સ્કીમનો લાભ મળે છે, પણ તેમને ઇનપુટ ક્રેડિટનો લાભ મળતો નથી. અૉપ્શનલ કમ્પોઝિશન સ્કીમનો હેતુ સરળતા આણવાનો અને નાના બિઝનેસો માટે કોમ્પ્લાયન્સ ખર્ચ ઘટાડવાનો છે. નાના બિઝનેસ માટેનું કોમ્પ્લાયન્સ ભારણ હળવું કરવા જીએસટી કાઉન્સિલ દર મહિને 3 રિટર્ન ફાઇલ કરવાની જરૂરિયાતની પુન: સમીક્ષા કરનાર છે.
નવા આડકતરા વેરા જીએસટી પ્રણાલીનો અમલ તા. 1 જુલાઈ 2017થી શરૂ કરાયો છે અને ત્યારથી જીએસટી કાઉન્સિલ દર મહિને મિટિંગ કરે છે. બધાં રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતી જીએસટી કાઉન્સિલે 100થી વધુ આઇટમોના ટૅક્સ દર રેશનલાઇઝ કર્યા છે. જીએસટી હેઠળ ગુડ્સ અને સર્વિસીસને 5, 12, 18 અને 28 ટકાના સ્લેબમાં મૂકવામાં આવી છે.
જીએસટીએનમાં સુધારા
દરમિયાન જીએસટી નેટવર્કે (જીએસટીએન) આજે જણાવ્યું હતું કે વેપારી ગૃહો હવે ટ્રાન્ઝિશન ક્રેડિટનો દાવો કરવા પોર્ટલ પર અનલોડેડ ફોર્મમાં ફેરફારો કરી શકશે. જે કરદાતાઓએ ફોર્મ 9 નવેમ્બર, 2017 પહેલાં ફાઇલ કર્યું હોય તેમના માટે જીએસટી પોર્ટલ પર રિવાઇસ ફોર્મ જીએસટી ટ્રાન-1 ડેકલેરેશનની સુવિધા આપવામાં આવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer