આદિત્ય બિરલા ફૅશને જીએસટીનો લાભ ગ્રાહકોને આપ્યો

એપરલના ભાવમાં 7થી 8 ટકાનો ઘટાડો
મુંબઈ, તા. 14 નવે.
આદિત્ય બિરલા ફૅશન ઍન્ડ રિટેલ લિ. એ પેન્ટલૂન રિટેલ ખાતે એપરલ રેન્જના ભાવ 7થી 8 ટકા જેટલા ઘટાડ્યા છે. આમ કંપનીએ જીએસટીના લાભ તેના ગ્રાહકોને પસાર કર્યા છે અને વેલ્યૂ ફૅશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
કંપની છેલ્લા એક વર્ષથી પેન્ટલૂન સ્ટોરોમાં વત્રોના ભાવ ઘટાડતી રહી છે. અગાઉ રૂા. 1000થી ઓછી કિંમતના ગાર્મેંટ્સ પર વેટ વગેરે 7 ટકાનું ભારણ હતું જે તા. 1 જુલાઈથી જીએસટી અમલી બનતાં ટૅક્સના દર ઘટી 5 ટકા કર્યો છે. જીએસટી અમલ બાદ સપ્લાય ચેઇન એફિશિયન્સી વધી હોવાથી કંપનીને ભાવ ઘટાડવાની તક મળી છે. કંપનીએ સપ્લાય ચેઇન, વેરહાઉસિંગની ઘટેલી કોસ્ટનો લાભ પણ ગ્રાહકોને આપ્યો છે.
આદિત્ય બિરલા ફૅશન ઍન્ડ રિટેલ લિ.ના દેશભરમાં 1893 એક્સ્લુઝીવ બ્રાન્ડ આઉટલેટ્સ અને 210 પેન્ટલૂન વેલ્યૂ સ્ટોરો છે. કંપની રિટેલ સ્પેસ ફોર્મેટમાં 67 લાખ ચો. ફીટ જગ્યા વાપરી રહી છે.
ભાવ ઘટાડાના કારણે ટૂંકા ગાળે કંપનીની આવક ઘટશે પણ લાંબા ગાળે વેચાણ વધશે. આદિત્ય બિરલા ઍન્ડ રિટેલનું વેચાણ તહેવારોની ગ્રાહકીના કારણે અૉગસ્ટ-સપ્ટેમ્બરમાં 23 ટકા વધ્યું હતું. 2017-18ના દ્વિતીય ત્રિમાસિક ગાળામાં કંપનીએ 30 પેન્ટલૂન સ્ટોરો ઉમેર્યા હતા. છેલ્લા એક વર્ષમાં 72 સ્ટોર્સ ઉમેરાયા છે.
જીએસટીના કારણે કંપનીના ધંધાને ફટકો પડયો છે. આથી 2017-18ના દ્વિતીય ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂા. 10 કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી છે જ્યારે આગલા વર્ષના આ જ ગાળામાં રૂા. 65 કરોડનો ચોખ્ખો નફો થયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer