ફિલ્મ વિતરણ ઉદ્યોગમાં ક્રાંતિના પગરણ : કલાઉડ દ્વારા સીધું થિયેટરમાં થશે ફિલ્મનું પ્રસારણ

ફિલ્મ પાયરસીને ડામવાનો રામબાણ ઉપાય
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 નવે.
પાયરસી રોકવાના ફિલ્મ ઉદ્યોગના તમામ પ્રયાસ આજના ડિજિટલ યુગમાં ઊણા ઊતરી રહ્યા છે ત્યારે ડિજિટલ સિનેમા વિતરણ ઉદ્યોગમાં એક નવી ક્રાંતિ થઈ રહી છે. એક સમયે જે થિયેટરમાં ફિલ્મ રિલીઝ કરવી હોય તો ફિઝિકલ રીલ મોકલવી પડતી હતી, પણ એ પછી સેટેલાઈટ દ્વારા ફિલ્મ થિયેટરમાં ડિજિટલી પ્રસારણ શરૂ થયું. ઉદ્યોગ હવે એક ડગલું આગળ વધ્યો છે. અલ્ટ્રા મીડિયા ઍન્ડ એન્ટરટેઈન્મેન્ટ ગ્રુપે સિનેમા અને કન્ટેન્ટ વિતરણ માટે કલાઉડ મંચના ઉપયોગની શરૂઆત કરી છે. કલાઉડ મંચ પર ફિલ્મ સેવ કરાયા બાદ ત્યાંથી સિનેમા હોલમાં સિંગલ બોકસ અને ઉચ્ચ કક્ષાના પ્રોજેક્ટર અને સર્વર દ્વારા ફિલ્મને ઝીલી લઈ પરદા પર દેખાડવામાં આવશે. પાયરસીથી બચવાનો સૌથી અદ્યતન અને અસરકારક માર્ગ શોધી કાઢવામાં આવ્યો હોવાનો દાવો કંપની કરી રહી છે.
આ વ્યવસ્થા સુવ્યવસ્થિત ચાલે એ માટે દરેક ક્રીન માટે સુપરફાસ્ટ બ્રોડબેન્ડ કનેકશન પણ પૂરા પાડવામાં આવશે, જેના થકી કન્ટેન્ટ વિતરણ કરાશે. દરેક એક્ઝિબિટર્સના સંકુલમાંના દરેક પ્રોજેક્શન રૂમમાં 24 કલાક માટે સર્વેલન્સ ઉપકરણ પણ મુકાશે. જેથી છેલ્લી ઘડી સુધીની કનેક્ટિવિટીમાં પણ કોઈ માનવસર્જિત પાયરસી ન થઈ શકે. આ સિસ્ટમ એટલી હદે ફુલપ્રૂફ હોદ્દાનો દાવો કરાવે છે કે પ્રોજેક્ટર સિસ્ટમ કે ટેક્નૉલૉજીમાં ક્યાંય કોઈ ચેડાં થઈ શકે એમ નથી. ફુલ એચડી રેઝોલ્યુશન સાથેની પિકચર કવૉલિટી આ સિસ્ટમ દ્વારા થિયેટરો સુધી પહોંચશે. 2018 વર્ષાંત સુધીમાં 500 ક્રીન્સને આ સુવિધા અંતર્ગત આવરી લેવાની કંપનીની નેમ છે. પ્રથમ તબક્કામાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
પાયરસીને કારણે દર વર્ષે ફિલ્મોદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. થિયેટરમાં રિલીઝ થાય એ પૂર્વે આખેઆખી ફિલ્મ ઓનલાઈન ઉપલબ્ધ થઈ જાય એવી ઘટનાઓ પણ બની છે. આ બધાના ઉપાય-ઈલાજ તરીકે ફિલ્મોદ્યોગ વિવિધ પ્રયાસ હાથ ધરી રહ્યું છે. આમ છતાં, રિલીઝ બાદ તરત જ ઓનલાઈન લીક થઈ જતી ફિલ્મોનો પ્રવાહ અટકતો નથી. હવે કલાઉડ આધારિત વિતરણ વ્યવસ્થાના શ્રીગણેશ થતાં આશા બંધાઈ છે. પાયરસી સામેના જંગમાં ફિલ્મોદ્યોગને સફળ થવાની આશા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer