અમેરિકી બૉન્ડમાં તેજીથી સોનું નરમ

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 14 નવે.
અમેરિકામાં ટેક્સ ક્ષેત્રના સુધારાનું ભાવિ ધુંધળું દેખાઇ રહ્યું છે તેમ છતાં ટ્રેઝરી યીલ્ડમાં સુધારો થવાથી સોનાના મૂલ્યમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. બોન્ડના યીલ્ડની સાથે ડોલર પણ વધતા સોનું તૂટીને 1273 ડોલરના સ્તરે હતુ. જોકે ઘટાડો નજીવો હતો એટલે સ્થાનિક ભાવ પર અસર થઇ ન હતી. રાજકોટમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂ. 30,550ના સ્તરે મક્કમ હતુ. બીજી તરફ મુંબઇમાં રૂ. 125 ઘટાડામાં રૂ. 29,545 હતુ.
રોકાણકારો અને ફંડોની નજર ફ્રેન્કફર્ટમાં શુક્રવારે મળનારી યુરોપીયન સેન્ટ્રલ બેંક દ્વારા આયોજીત કોન્ફરન્સ પર છે. ચેરમેન મારિયો દ્રાઘી, ફેડના જેનેટ યેલન, બેંક ઓફ જાપાનના ગવર્નર હારુહીકો કુરુડા તથા બેંક ઓફ ઇંગ્લેન્ડના હેડ માર્કે કેર્ની હાજરી આપવાના છે. વ્યાજદર અને ખાસ કરીને નાણાનીતિ અંગે કેવા નિવેદનો આ કોન્ફરન્સ પછી આવે છે તેના પર બજારની નજર છે.અમેરિકાના ટેક્સ ક્ષેત્રના સુધારામાં વિલંબ થવાની સંભાવના છે એટલે સોનાનો ભાવ સાંકડી રેન્જમાં અથડાઇ ગયો છે. દરમિયાન અમેરિકાના બે વર્ષના બોન્ડના યીલ્ડ નવ વર્ષની ઉંચાઇ પર પહોંચ્યા હતા એ કારણે બજારમાં ગભરાટ હતો. ચાંદીનો ભાવ આગલા દિવસથી સામાન્ય ઘટીને ન્યૂયોર્કમાં 16.91 ડોલર રનીંગ હતો. સ્થાનિક બજારમાં ચાંદી એક કિલોએ રૂ. 100 વધીને રૂ. 40,200 હતી. મુંબઇમાં રૂ. 95 વધતા રૂ. 39,460 હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer