હાલના પ્રમોટરોને નાદાર કંપની ફરીથી ખરીદવા નહીં દેવાય

નવી દિલ્હી, તા. 14 નવે.
નાદારીનો સામનો કરી રહેલી કંપનીઓના હાલના પ્રમોટરો તેમની કંપનીઓને નીચા ભાવે ફરીથી ખરીદી ન લઇ શકે તે માટે કાયદામાં જરૂરી સુધારા કરવાનું સરકાર વિચારી રહી છે.  
ગયા વર્ષે પસાર થયેલો નાદારી કાયદો ( ઇન્સોલ્વન્સી  એન્ડ બેન્કરપ્ટસી કોડ) કરજથી દબાયેલી કંપનીઓની નાદારીની પ્રક્રિયા દરમિયાન હાલના પ્રમોટરોને તેમની દબાણયુક્ત અસ્ક્યામતો માટે બોલી લગાવવાની છૂટ આપે છે. કેટલાક પ્રમોટરો આવી મિલકતો માટે ફરીથી દાવો કરવાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલો છે. પરંતુ જે પ્રમોટરો કંપનીની બેહાલી માટે જવાબદાર છે તે જ લોકો બૅન્કોને ખોટના ખાડામાં ઉતારીને પોતાની કંપનીઓ ફરીથી કબજે કરે તો તે રાજકીય દૃષ્ટિએ ભારે વિવાદાસ્પદ બની રહે તેમ છે. તેથી સરકારની અંદરનું એક વગદાર જૂથ આમ થતું અટકાવવા માટે પ્રયત્નશીલ છે.  
નાદારી કાયદાના સુધારા સંસદના આગામી સત્રમાં રજૂ થાય તેવી સંભાવના છે. અનેક કંપનીઓ સામે નાદારીની કાર્યવાહી ચાલી રહી હોવાથી કોર્પોરેટ અફેર્સ મંત્રાલય સમગ્ર ઘટનાક્રમ પર બારીક નજર રાખી રહ્યું છે.  
ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટસી બોર્ડ ઓફ ઇન્ડિયા એ તાજેતરમાં નાદારી પ્રક્રિયાના નિયમોમાં ફેરફાર કરીને અંકે કર્યું હતું કે કરજ ચુકવણીની યોજનાને મંજૂરી આપતા અગાઉ લેણદારોની સમિતિ અરજદારોનો ભૂતકાળ, શાખપાત્રતા અને વિશ્વસનીયતાની ચકાસણી કરશે.  
બૅન્કો ઇરાદાભર્યા ડિફોલ્ટરોને અને  ખોટાં કામ કરનારાઓને બાકાત રાખવાના માર્ગો વિચારી રહી છે. બોલી લગાવવામાં સામેલ થતા પહેલાં પ્રમોટરોએ ફોરેન્સિક ઓડિટનો સામનો કરવો પડશે. ફોરેન્સિક ઓડિટ એમ જાહેર કરે કે પ્રમોટરોએ લોનનાં નાણાં અન્યત્ર વળી દીધાં નથી તો જ  પ્રમોટરો કંપની માટે બોલી લગાવી શકશે. જો કે કેટલાક સરકારી અધિકારીઓ એમ માને છે કે કાયદાના પીઠબળ વગર માત્ર નિયમોના જોરે પ્રમોટરોને બાકાત રાખવાનું શક્ય નહિ હોય.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer