મહારાષ્ટ્રમાં કપાસ અને અન્ય પાકને જીવાતથી વ્યાપક નુકસાન

રૂા. 10 હજાર કરોડના નુકસાનનો અંદાજ
કોજેન્સીસ
મુંબઈ, તા. 14 નવે.
વિદર્ભ અને મરાઠવાડા પ્રાંતમાં સોયાબીન, ચોખા તથા કઠોળ જેવા પાક ઉપર પિંક બોલવોર્મના ઉપદ્રવ અને જીવાતના હુમલામાં વધારો થયો હોવાનું ટાસ્કફોર્સે મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું છે.
આને પરિણામે આ મોસમમાં રાજ્યના કપાસ અર્થતંત્રને રૂા. 10,000 કરોડનું નુકસાન થઈ શકે. વસંતરાવ નાઈક શેતકરી સ્વાવલંબન મિશન (વીએનએસએસએમ) અને પીઢ કૃષિ નેતા કિશોર તિવારીના નેતૃત્વ હેઠળના ટાસ્ક ફોર્સ વિદર્ભ અને મરાઠવાડાના ઉકેલની અૉફર કરી છે. વિદર્ભમાં અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે.
તિવારીએ જણાવ્યું હતું કે આ વર્ષે બે પ્રાંતમાં અપૂરતો વરસાદ પડયો હતો. ખેડૂતો દ્વારા પેસ્ટિસાઈડ પી જઈને આત્મહત્યા કરવાને પરિણામે આ કટોકટી બદતર બની હતી.
કપાસ ઉપર પિંક બોલવોર્મના હુમલા અને અન્ય પાકમાં જીવાતના ઉપદ્રવના ચિંતાજનક અહેવાલો હાલમાં મળ્યાં છે, એમ તેમણે જણાવ્યું હતું.
કપાસના પાકની માગણી સામાન્યપણે દિવાળી બાદ થાય છે, પરંતુ આ વર્ષે કપાસના જીંડવા ખૂલ્યા ન હતા અને આથી કુતૂહલવશ ખેડૂતોએ હાથેથી જીંડવા ખોલ્યા હતા. તેમાં પિંક બોલવોર્મના હુમલાથી તેમને આઘાત લાગ્યો હતો. આ એક અભૂતપૂર્વ પરિસ્થિતિ છે અને જીવાતને કારણે 50 ટકાથી વધુ પાકને નુકસાન થશે એમ જણાય છે.
અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત બાદ વીએનએસએસએમે મુખ્ય પ્રધાનને આ પરિસ્થિતિથી વાકેફ કરવા પત્ર લખ્યો હતો.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer